________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
વૈરાગ્યાદિ ભાવો વૃદ્ધિ પામે છે. જેના પરિણામે અંદરની દુનિયાનું અવલોકન કરતાં કરતાં સાધક આંતરિક સુખનો અનુભવ કરી શકે છે.
૯૩
વીતરાગ પ્રત્યે પ્રીતિ બાંધવા જ સજ્ઝાયકાર મહર્ષિ જિનાનુરાગી શ્રાવકને કહે છે કે, “સંપ્રતિ મહારાજા કે, કુમારપાળ રાજાએ તો પૃથ્વીતળને જિનમંદિરથી મંડિત કરવાનો સુપ્રયાસ કરી, જીવનને સફળ કર્યું હતું. તમે પણ તમારા વૈભવ અનુસાર સુવર્ણ, રજત કે સંગેમરમર જેવાં શ્રેષ્ઠ દ્રવ્યોથી સુંદર જિનમંદિર અને જિનપ્રતિમાઓનું નિર્માણ કરો. પ્રતિષ્ઠા-અંજનશલાકાના મહોત્સવપૂર્વક તેમાં પરમાત્મભાવનું સ્થાપન કરો. જિનસ્વરૂપ બનેલા તે બિંબનાં ત્રિકાળ દર્શન કરો. ત્રણલોકના નાથની સ્થાપનાની પણ પૂજા કરવા મળે છે એ તમારું પરમ સૌભાગ્ય છે, તેમ માની વિધિપૂર્વક તેની ત્રિકાળ પૂજા કરો. પ્રભાતે શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી વાસક્ષેપ, ધૂપ, દીપાદિથી પૂજા કરો. મધ્યાહ્નકાળે શાસ્ત્રીય મર્યાદા મુજબ પરિમિત જળથી સ્નાન કરી, ઉત્તમ વસ્ત્ર અને અલંકારથી સજ્જ થઈ ગૌરવ અને આડંબરપૂર્વક25 જિનમંદિરે જાઓ. સ્વશક્તિ અનુસાર ચંદન, કેસર, કસ્તુરી, પંચવર્ણી સુગંધી પુષ્પો, કપૂર, અગર, ધૂપાદિ ઉત્તમમાં ઉત્તમ દ્રવ્યોથી પ્રભુની વિશેષ પ્રકારે ભક્તિ કરો. સાયંકાળે પણ પુનઃ ધૂપ-દીપ-ગીત અને વાજિંત્રોથી પ્રભુ પૂજા કરો.
આજ સુધી તમે શ્રેષ્ઠ વસ્તુના આદાનપ્રદાન દ્વારા જ પ્રીતિની વૃદ્ધિ કરવા ટેવાયેલા છો. પ્રીતિપાત્ર વ્યક્તિઓને ભેટ સોગાદો આપી, તમે માત્ર પરસ્પર રાગની વૃદ્ધિ કરો છો અને તેના દ્વારા કર્મ બાંધો છો. આના કરતાં વીતરાગને ઉત્તમ દ્રવ્યો અર્પણ કરો, ઉત્તમ દ્રવ્યોથી તેમની ભક્તિ કરી વીતરાગ પ્રત્યેના રાગની વૃદ્ધિ કરો. વધતો જતો આ પ્રભુ પ્રેમ, આ ભક્તિભાવ તમને સાંસારિક અને ભૌતિક સુખ સાધનોના મોહમાંથી મુક્તિ અપાવી એક દિવસ તમને પણ વીતરાગ બનાવી દેશે.
અહીં એ ખાસ ધ્યાન રાખવું કે, આ જિનપૂજાનું અનુષ્ઠાન પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરાવનારું અનુષ્ઠાન છે. તેમાં વિધિ સાચવવાનો પૂરો યત્ન કરવો. આવું ઉત્તમ અનુષ્ઠાન કરતી વેળાએ તેમાં ક્યાંય ચૂક ન થઈ જાય, અજયણા ન થઈ જાય કે કોઈપણ ખામી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ગુરુ પાસે જઈ વંદન આદિ કરી શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ આદિ ધર્મગ્રંથોમાંથી પૂજાની વિધિ સમજી તે મુજબ જ પૂજા કરવાનો આગ્રહ રાખવો.
25. અહીં આડંબર શબ્દનો અર્થ દંભ કે Pretention નથી કરવાનો પણ આડંબરપૂર્વક એટલે સજી ધજીને.