________________
પૌષધ પારવાનું સૂત્ર
૧૭૭
બધાથી નિવૃત્ત થઈ માત્ર આત્મસાધનામાં સ્થિર થવું છે. તેથી કાલે હું મારા બધા કુટુંબીઓને ભોજન માટે નિમંત્રણ આપી ભેગાં કરું અને તેમની સમક્ષ મારા મોટા પુત્રને આ બધો ભાર સોંપી દઉં. ત્યારપછી હું સૌની રજા લઈ કોલ્લાકપરામાં આવેલી મારી પૌષધશાળાને જોઈ-તપાસી ત્યાં જ પૌષધમાં રહી ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરું.”
આનંદ શ્રાવકને ઘર, કુટુંબ અને ગ્રામજનોનો સહવાસ સાધના માટે વિક્ષેપરૂપ બનતો હતો, તેથી તેમને પોતાનો વિચાર પુત્રને જણાવ્યો અને પુત્રએ પણ તેનો સ્વીકાર કર્યો. સગા સંબંધીઓની વચ્ચે તેમણે જણાવ્યું કે, “હે દેવાનુપ્રિયો ! હું મારા પુત્રને કુટુંબનો ભાર સોંપુ છું. માટે હવેથી કોઈ મને કશી બાબતમાં પૂછશો નહિ. તેમ જ મારી સલાહ માગશો નહિ, વળી હવે પછી કૌટુંબિક પ્રસંગોમાં ક્યાંય મારી ગણત્રી કરશો નહિ અને મારા માટે ખાન-પાન વગેરે કાંઈ તૈયાર કરાવશો નહિ.” આવી વાત કરી આનંદ શ્રાવક સર્વ પ્રકારના સંગથી અલિપ્ત થઈ અસંગદશાની સાધના કરવા તત્પર બન્યા હતા. '
કામદેવ શ્રાવકે પણ જ્યારે એક રાત્રિમાં ઘોર ઉપસર્ગ સહન કર્યા ત્યારે ખુદ પ્રભુ વીરે પોતાના સાધુઓ સમક્ષ તેમની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, તમે તો પરિષદ અને ઉપસર્ગો સહન કરવા આ વેષ ગ્રહણ કર્યો છે જ્યારે એક રાત્રિમાં કામદેવે કેટલા પરિષદો અને ઉપસર્ગો સહન કર્યા છે. તેના કારણે તેમને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું છે, ગૃહસ્થ તરીકે પણ અસંગી બનવાનો આ વિરલ કોટિનો પ્રયત્ન અત્યંત અનુમોદનીય છે.
આ પદ બોલતા આનંદ શ્રાવકને સ્મૃતિમાં લાવી તેમને પ્રણામ કરતાં શ્રાવક વિચારે કે,
આનંદ શ્રાવકની જેમ મને પણ દરેક પ્રકારના સંગથી છૂટવાની ભાવેનો ક્યારે જાગશે જ્યારે હું નિવૃત્ત અને નિર્લેપ
બની પરમ નિ:સ્પૃહ બનવા તરફ પગમંડાણ કરીશ.” સુલસા, આનંદ, કામદેવ જેવાઓનું જીવન પ્રત્યેક શ્રાવક માટે માર્ગદર્શક બને એ આ સૂત્રનો મુખ્ય હેતુ છે. તેથી જે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે જેઓની પ્રતિજ્ઞા સંબંધી દઢતા ખુદ પ્રભુએ વખાણી છે તે ધન્ય છે, પ્રશંસનીય છે, આદરણીય છે. આવું બોલતાં શ્રાવકને સહજ જ પોતાના લક્ષ્યનું સ્મરણ થઈ જાય છે અને તદનુરૂપ વીર્ય પણ ઉલ્લસિત થઈ જાય છે.