________________
સંથારા - પોરિસી સૂત્ર
એવો આદેશ માંગી, ગુરુ ‘પડિલેવેહ’ કહે ત્યારે ‘ઇચ્છ’ કહી મુહપત્તિનું પડિલેહણ કરી સાધક બાહ્ય અંગો સાથે પોતાના અંતરંગ ભાવોની પણ શુદ્ધિ કરે છે. તે પછી ‘નિસીહિ’ શબ્દનું ત્રણ વાર ઉચ્ચારણ કરી ‘સંથારા-પોરિસી’ની ક્રિયાનો પ્રારંભ કરે છે, ‘નિસીહિ’ શબ્દ મનની કોઈપણ પ્રકારની અશાંતિને ટાળી, ચિત્તને આ ક્રિયા કરવા જાગૃત બનાવે છે. ત્યારપછી ગૌતમાદિ મહામુનિઓને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરીને, ‘નમસ્કાર મહામંત્ર’ અને ‘કરેમિ ભંતે’ દ્વારા પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાપૂર્વક સાધક પોતાની પ્રતિજ્ઞાને યાદ કરી, આત્માને સમભાવમાં લાવવા યત્ન કરે છે. આટલી પૂર્વ તૈયારી કર્યા પછી આ સૂત્રની પહેલી ગાથા દ્વારા સાધક ગુરુભગવંત પાસે સંથા૨વાની આજ્ઞા માંગી બીજી ગાથામાં તેની વિધિનું સ્મરણ કરે છે.
૧૩૧
શાસ્ત્રકારોએ સાધકની ખૂબ કાળજી લીધી છે. સંથારામાં સૂતા ક્યાંય અજયણાને કા૨ણે જીવહિંસા ન થઈ જાય તે માટે કેવી રીતે સૂવું અને પડખું ફેરવતા પણ કેવી રીતે પ્રમાર્જના કરવી તથા સૂતા પછી કાય-ચિંતા (લઘુનીતિ) વગેરે માટે ઊઠવું પડે તો નિદ્રાથી સંપૂર્ણ મુક્ત થવા માટે શું કરવું જોઈએ તે ત્રીજી ગાથામાં જણાવ્યું છે.
આયુષ્ય ક્યારે પુરું થઈ જાય અને ક્યારે મૃત્યુ આવી જાય તે અત્યંત અનિશ્ચિત હોવાથી, સમાધિમય મૃત્યુને ઇચ્છતા સાધકે રોજ રાત્રે સૂતા પૂર્વે સાગારી અનશન સ્વીકારી દેહ આદિનો ત્યાગ કરવો જોઈએ, જેનો નિર્દેશ ચોથી ગાથામાં છે.
આ જગતમાં ચાર શ્રેષ્ઠ મંગલ છે. તે ચાર જ જગતના ઉત્તમ તત્ત્વ છે અને તે ચારનું શરણ હું સ્વીકારું છું તેવું પાંચમીથી સાતમી ગાથામાં જણાવ્યું છે.
આઠમી અને નવમી ગાથામાં અઢાર પાપસ્થાનકનો નિર્દેશ કરી દસમી ગાથામાં તેના ત્યાગનું પચ્ચક્ખાણ જણાવ્યું છે. વળી, ક્યાંય મમતાના પરિણામ ન રહી જાય તે માટે અગીયારમી અને બારમી ગાથા દ્વારા આત્માને એકત્વ, અન્યત્વ આદિ ભાવનાઓથી ભાવિત ક૨વા માટેની શિખામણ આપી છે. તેરમી ગાથા દ્વારા સંબંધોની અનર્થકારિતાથી ચિત્તને ભાવિત કરીને સાધકે સર્વ સંગનો ત્યાગ કરવો જોઈએ તેમ જણાવ્યું છે.
ચૌદમી ગાથામાં પોતે કેવા પ્રકારનું સમ્યક્ત્વ ધારણ કર્યું છે તેનું સ્મરણ કરાવવામાં આવ્યું છે અને પંદરમી તથા સોળમી ગાથામાં સર્વ જીવો સાથે ક્ષમાપના કરવા જણાવેલ છે. સૂત્રના અંતે સત્તરમી ગાથા દ્વારા સાધકે માનસિક, વાચિક તથા કાયિક દુષ્કૃતોની નિંદા કરી આલોચના કરી કઈ રીતે શુદ્ધ થવાનું છે તે જણાવ્યું છે. આમ સંથારવાની અનુજ્ઞા માટેનું આ સૂત્ર હોવા છતાં તેમાં સમાધિમય મૃત્યુ માટે જરૂરી વિવિધ વિષયો પણ વણી લેવાયા છે.