________________
૧૬૦
સૂત્ર સંવેદના-૬
આજે પણ ચાલુ છે. તેમાં પણ સંયોગ જેટલો ગાઢ, તેટલી વિયોગમાં દુ:ખની માત્રા વધુ તીવ્ર. વળી, જ્યાં સુધી વિયોગ ન થાય ત્યાં સુધી પણ સંયોગ કે સંબંધને સાચવવાની ચિંતા, સતત તેની વૃદ્ધિ થાય અને તેમાં કોઈ હાનિ ન થાય તેનો પ્રયત્ન, સંબંધિત વ્યક્તિની લાગણીને જાળવવા અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવી.... વગેરે અનેક પ્રકારના શારીરિક અને માનસિક દુ:ખો તો જીવને વેઠવા જ પડે છે. આમ સંબંધોને જાળવવામાં તો જીવ વ્યથા, વ્યગ્રતા, ઉત્સુક્તા આદિનો ભોગ બને જ છે; પણ વિધવિધ પ્રયત્નો કરવા છતાં જ્યારે પુણ્યનો સાથ ન મળે અને સંબંધોમાં તીરાડ પડે ત્યારે તો ભલભલા ભડવીરો પણ ભાંગી પડે છે. આથી જ “સંયોગ માત્ર દુઃખનું કારણ છે' એવી જ્ઞાનીની વાત દરેકના અનુભવનો વિષય હોય છે. આમ છતાં મોહાધીનતાના કારણે જીવને એવું લાગે છે કે કોઈકનો સાથ હશે તો સુખ મળશે, પરિણામે તે સતત કોઈક ને કોઈકનો સંગ ઝંખ્યા કરે છે. એવી જ રીતે એને જે વસ્તુ, વ્યક્તિ કે વાતાવરણને અનિષ્ટ માની લીધા હોય, જે તેને પ્રતિકૂળ હોય તેને દૂર કરવા તે મથ્યા કરે છે. હકીકતમાં અનુકૂળના સંયોગથી કે પ્રતિકૂળના વિયોગથી જે સુખનો અનુભવ થાય છે તે એક ભ્રામક અનુભવ હોય છે. અનુકૂળને મેળવવામાં અને પ્રતિકૂળને દૂર કરવાના વિચારો કે તેની સફળતા તે આર્તધ્યાન છે. તેનાથી કર્મબંધ થાય છે કુસંસ્કારો ગાઢ બને છે.
સુખ તો કલ્પનાનો વિષય છે. તેનો આધાર માત્ર આપણું ચિત્ત છે. જ્યારે આપણે એવી કલ્પના કરીએ છીએ કે આ વસ્તુથી મને સુખ મળશે ત્યારે તેનાથી સુખ ઉપજે છે અને કલ્પના બદલાય ત્યારે તે જ વસ્તુ દુ:ખકર લાગે છે. તેથી સ્પષ્ટ છે કે સુખ-દુ:ખ બાહ્યમાં નથી, આપણા મનની જ પેદાશ છે.
પરમકૃપાળુ પરમાત્માના વચનોના ચિંતનથી જીવને જ્યારે સમજાય છે કે, “સંયોગ અને સંબંધો જ સર્વ દુઃખનું મૂળ છે” ત્યારે તે તેનાથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. શરૂઆતમાં તે ઉદારતાનો ગુણ કેળવી દાન દ્વારા ધન-વૈભવ આદિ દૂરવર્તી ચીજોના મમત્વનો ત્યાગ કરે છે. ત્યારપછી તપ-ત્યાગ-સ્વાધ્યાય આદિ દ્વારા સંસારમાં રહેવા છતાં શરીર-સ્વજન પ્રત્યેના રાગકત સંબંધોને તોડવા પ્રયત્ન કરે છે. જ્યારે પ્રભુએ બતાવેલા આવા વિવિધ ઉપાયો દ્વારા વૈરાગ્ય દઢ થાય અને સાંયોગિક સુખથી છૂટવા મન એકદમ તૈયાર થઈ જાય ત્યારે તે સર્વવિરતિનો-સંયમનો પણ સ્વીકાર કરે છે. સર્વવિરતિને સ્વીકારી ગુરુની આજ્ઞા મુજબ તપ-જપ-સ્વાધ્યાય આદિ ક્રિયાઓ