________________
મનહ જિણાણું-સઝાય”
૧૧૯
લહિયાઓની સહાય લો. શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી, ધૂપ-દીપ આદિથી વાતાવરણને પવિત્ર બનાવી તમે ઉત્તમ ગ્રંથોનું આલેખન કરો અને કરાવો. લખાતા ગ્રંથોમાં કોઈ અશુદ્ધિ ન રહી જાય તે માટે ગીતાર્થ ગુરુભગવંતની સહાય લો. ગ્રંથોની અનેક નકલો તૈયાર કરાવો. તેને પાણી, અગ્નિ, ઊધઈ વગેરેથી સુરક્ષિત સ્થાનમાં સાવચેતીપૂર્વક રખાવો. દર વર્ષે તેની સારસંભાળ લો. અનેક જ્ઞાનભંડારો તૈયાર કરાવો.
આ જ્ઞાનવારસાને તમે ખંતપૂર્વક ટકાવશો તો જ શાસન ટકશે, તો જ તમારા અને અન્યના ભાવપ્રાણોની રક્ષા થશે. આ ગ્રંથોનો સ્વાધ્યાય કરી, તેને જીવનમાં ઉતારવાથી તો અનેક લાભો થશે; પરંતુ કદાચ તમારી પાસે ગ્રંથોને ભણવા જેટલો સમય અને શક્તિ ન હોય તોપણ જો તમે શાસ્ત્રાજ્ઞા મુજબ શાસ્ત્રલેખન કરવાકરાવવામાં તમારી શક્તિ વાપરશો તો તે પણ તમારા જ્ઞાનાવરણીય કર્મોનો નાશ કરાવી તમોને ક્યારેક સમ્યફ જ્ઞાન પ્રાપ્ત કરાવશે.”
રૂ. ૫માવત તિર્થે - તીર્થને વિષે પ્રભાવના અથવા તીર્થની પ્રભાવના
તારે તેને તીર્થ કહેવાય. આખા જગતને તારવાની, સુખી કરવાની શક્તિ ભગવાનના પ્રવચનમાં છે અને ભગવાનનું પ્રવચન ચતુર્વિધ શ્રી સંઘમાં જળવાયેલું છે માટે પ્રવચન અને શ્રીસંઘ તે તીર્થ છે અને પ્રકર્ષવાળી ભાવના કે ઉત્તમ ભાવ તે પ્રભાવના છે. જે ક્રિયા દ્વારા લોકોને તારક તીર્થ પ્રત્યે આદર થાય, તેના પ્રત્યેનો બહુમાન ભાવ વૃદ્ધિ પામે કે આકર્ષણ ઊભું થાય તેવી ક્રિયાને તીર્થ પ્રભાવના કહેવાય છે.
શ્રાવક ઉપર જે તીર્થે સ્વયં ઉપકાર કર્યો છે તે તીર્થ પ્રત્યે અનેક લોકોનો આદર વધે તે માટે શ્રાવકે તન, મન અને ધનની શક્તિનો સદુપયોગ કરી, શાસન પ્રભાવનાના અનેક કાર્યો કરવાં જોઈએ. આમ કરવાથી પોતાને પ્રાપ્ત થયેલું સમ્યગુદર્શન વધુ નિર્મળ થાય છે. વળી અનેક જીવોને પણ બોધિ બીજની પ્રાપ્તિમાં નિમિત્ત બનાય છે. પરિણામે ભવાંતરમાં પોતાને પણ જિનધર્મની પ્રાપ્તિ અને બોધિ સુલભ બને છે.
સઝાયકાર મહર્ષિ આથી જ હિતેચ્છુ શ્રાવકોને આ સક્ઝાયનું છેલ્લું કર્તવ્ય સૂચવે છે કે, “હે શ્રાવકો તમે આજે જે કાંઈ સુખ કે શાંતિનો અનુભવ કરી રહ્યા છો, તે પરમાત્માએ સ્થાપેલા તીર્થનો પ્રભાવ છે. ભવિષ્યમાં પણ તમે સદ્ગતિની પરંપરા સર્જી અનંતસુખ પામી શકશો તે જૈનશાસનરૂપી તીર્થને કારણે જ. તેથી આ તીર્થનો તમારા ઉપર નાનો-સૂનો ઉપકાર નથી. આ ઋણને ચૂકવવા અને ભવોભવ આવા તીર્થની પ્રાપ્તિ થાય તે માટે તમો તીર્થપ્રભાવનાનાં ઉત્તમ કાર્યો કરો.