________________
મન્નત જિણાણં-સઝાય”
૧૦૩
જે વસ્તુ કે વ્યક્તિ મને સારી લાગે છે, તે જ બીજાને ખરાબ લાગે છે. આજે જે વસ્તુ મને ગમે છે તે થોડી ક્ષણો પછી મને પોતાને પણ ગમતી નથી. આજે જે વ્યક્તિ પ્રત્યે મને પ્રેમ ઉભરાઈ રહ્યો છે તે જ વ્યક્તિ માટે મને વહેમ પણ થઈ શકે છે. આ જગતમાં વાસ્તવમાં કાંઈ સારું નથી ને કાંઈ ખરાબ નથી. સારું-ખરાબ તો માત્ર મનની કલ્પના છે. આવી કલ્પનાઓ કરી નાહક રતિ-અરતિના ભાવથી મારે શા માટે પીડાવું, આ રીતની વિચારણા કરી તમો ભય, હર્ષ, શોક, જુગુપ્સા વગેરે નોકષાયોને અટકાવવા યત્ન કરશો તો તમે ઉપશમ ભાવનો આનંદ માણી શકશો. આ રીતે મનને સમજાવી સદા ઉપશમનો આનંદ માણવો એ શ્રાવકનું મહત્ત્વનું કર્તવ્ય છે.”
આજે સમજુ સમાજમાં ક્રોધાદિ કષાયોથી દૂર રહેવાની ઘણી વાતો ચાલે છે. અનેક રીતે લોકોને ટેન્શન મુક્ત જીવન જીવવાના પાઠ ભણાવાય છે; પણ તે કષાયાદિને અલ્પ કરવાના પાઠ પાછળનો હેતુ એક જ હોય છે શાંતિથી સારી રીતે સાંસારિક સુખ ભોગવી શકાય. કષાયની જે અલ્પતા ભૌતિક સુખ મેળવવા જ રખાતી હોય તે કષાયની અલ્પતા ક્યારે પણ આત્મકલ્યાણ કરી શકતી નથી. તેથી શ્રાવકનું લક્ષ્ય તો આત્માની શુદ્ધિ માટે જ ઉપશમ ભાવ રાખવાનું હોય છે. વળી, શ્રાવક તો સમજે છે કે, પ્રભુએ સર્વ પ્રકારના કષાયોને દુ:ખના કારણ કહ્યા છે, તેથી તે માત્ર ક્રોધને ઘટાડવાથી આત્મિક ઉન્નતિ થાય તેવું નથી માનતો, તેના માટે તો રાગ, દ્વેષ માન-માયા પણ ક્રોધ જેટલાં જ ખરાબ છે. તેથી વર્તમાનની હવા પ્રમાણે માત્ર ક્રોધને શમાવવા યત્ન કરી અટકી ન જવું. ક્રોધની જેમ રાગ અને માનાદિને પણ શમાવવા સતત પ્રયત્નશીલ રહેવું. અને ખાસ લક્ષ્યમાં રાખવું કે કષાયોનો ઉપશમ સંસારમાં શાંતિથી જીવી શકાય, એક-બીજા સાથે સ્નેહભર્યું વાતાવરણ જાળવી, સુખપૂર્વક ભોગ ભોગવી શકાય તેવા લક્ષ્યથી નથી કરવાનો; પરંતુ આત્મિક આનંદ માણવા કરવાનો છે.
ર૭. વિવેક - વિવેક કરવો. યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો તફાવત સમજવો એ વિવેક છે. વિવેક કરવો એટલે વિભાગ કરવો, જુદું પાડવું, અલગ કરવું, ભેદ કરવો, અન્યોન્ય ધર્મને પૃથફ કરી વસ્તુસ્વરૂપનો નિશ્ચય કરવો. સાચા-ખોટાનો, સારા-નરસાનો કે તત્ત્વ-અતત્ત્વનો વિભાગ કરી તેમાંથી સાચું, સારું, હિતકારી અને તત્ત્વભૂત વસ્તુને સ્વીકારવાની અને અન્યનો ત્યાગ કરવાની ક્ષમતા એ વિવેકબુદ્ધિ છે. હંસ જેમ પોતાની ચાંચ દ્વારા દૂધ અને પાણીને જુદાં કરી તેમાંથી પાણીને ત્યજી દૂધને