________________
પકડાવા છતાં દલીલ-બચાવ-ખુલાસા-૨જુઆત-ચર્ચા કરે જ રાખે. માયાવી માણસ માયા દ્વારા કદાચ કેવળ પોતાના સ્વાર્થને જ સાધે. જ્યારે વક્રતા તો બીજાને ખોટા પાડવાનું પણ કામ કરે. માયાવીમાં કદાચ તોછડાઈ ન પણ હોય, વક્રતાની સાથે તોછડાઈ અવશ્ય હોય. માટે તોછડાઈ, માયા વગેરેને અટકાવવા હોય તો વક્રતાને ડાયવોર્સ આપ્યા વિના છુટકો નથી. ડાયવોર્સ પછી પાછા તેની સાથે જ એંગેજમેન્ટ અને મેરેજ કરવાની ભૂલ ન થઈ જાય એ બાબતમાં પણ સાવધ રહેવા જેવું છે. કારણ કે કલિકાલના સંયમી પણ જડ + વક્ર હોય છે- એવું કલ્પસૂત્રમાં આવે છે અને સરળતા એ જ સીધો મોક્ષમાર્ગ છે- એમ શ્રી હરિભદ્રસૂરિજી કહે છે. માટે વક્રતાને છોડવા સતત જાગૃતિ કેળવજો. બાકી માયાના સંસ્કાર પડે તો પ્રભુ મહાવીરના સમવસરણમાં પણ ભક્તિભાવથી હાથી બનીને નૃત્ય કરવા છતાં પૂર્વભવની વક્રતા, ઊંઘાઈના લીધે મોટેથી વાછુટ કરનાર દેવ જેવી વિડંબનાનો ભોગ બનવું પડે.
સરળ જીવનો જ ગુરુહૃદયમાં પ્રવેશ થાય, જિનશાસનમાં તાત્ત્વિક પ્રવેશ થાય અને અરિહંતના દિલમાં તેને સ્થાન મળે. આવું જબ્બર સૌભાગ્ય અને સદ્ભાગ્ય સરળ સાધક પાસે હોય છે. માયાવી માટે આ બધું જ અશક્ય છે. ઉપમિતિ ભવપ્રપંચા કથાના પાંચમા પ્રસ્તાવમાં જે વામદેવનું ચરિત્ર છે તે ગુરુગમથી ભણશો તો માયાનો શિકાર બનેલો જીવ શું શું કરે ? તે સ્પષ્ટ રીતે ખ્યાલમાં આવશે. અને માયાથી બચવાનો પ્રબળ પરિણામ પેદા થશે. ભગવાનની આજ્ઞા અને ગુરુની આજ્ઞા એક જ છે કે ‘ચિત્તની સરળતા દ્વારા સમર્પણભાવ કેળવી પરમપદને પ્રાપ્ત કરો.' છેલ્લા સંઘયણમાં સાધના કદાચ ભલે મુશ્કેલ હોય પણ સરળતા તો કેળવી જ શકાય. બાકીની ૩ ચીજની વાત અવસરે.
૩૨