________________
(૧) એક વર્ષ સુધીની એકાંત, મૌન, ધ્યાન, સ્થિરતા, કાયોત્સર્ગ, દેહાધ્યાસમુક્ત સળંગ ચોવિહાર ઉપવાસ વગેરે ઉગ્ર સાધના છતાં નમ્રતાના અભાવના લીધે બાહુબલીજી કૈવલ્યલક્ષ્મીને પામી ન શક્યા. (૨) નમ્રતા હતી તો ઉપર જણાવેલ ઉગ્ર સાધના વગર પણ કુરગડુ મુનિ કેવલજ્ઞાન પામ્યાં અને પેલા ઉગ્ર તપસ્વીઓ અભિમાનના કારણે ઈર્ષ્યા + ક્રોધની આગમાં સળગ્યા. (૩) સિંહગુફાવાસી મુનિ પણ અભિમાનના રવાડે ચડીને ઈર્ષ્યાનો ભોગ બની પતિત થયા. (૪) પ્રભુ મહાવીરનો જીવ પણ વિશાખાનંદીના ભવમાં ગાયની હડફેટે ચડતાં પરાભવ, મશ્કરી સહન ન થતાં અભિમાનની જાળમાં ફસાઈને ક્રોધવશ નિયાણુ બાંધવાની ભૂલ કરી બેઠા. (૫) દશ પૂર્વધર નંદીષેણ મુનિ પણ વેશ્યાનો ટોણો સહન ન કરવાથી અભિમાનના શિખરે ચડીને પોતાની તાકાત બતાવવા જતાં પતિત થયા. (૬) ૧૦ પૂર્વના માલિક બન્યા પછી ૧૪ પૂર્વ ભણવાની શક્તિ હોવા છતાં નમ્રતા ન હોવાના કારણે પોતાની આવડત અને શક્તિ બતાવવા જતા અર્થથી છેલ્લા ૪ પૂર્વને ભણવાનું સૌભાગ્ય ગુમાવનાર સ્થૂલભદ્રજી કંદર્પવિજેતા બન્યા, પણ દર્પવિજેતા બનવાનું સદ્ભાગ્ય ખોઈ બેઠા. આવા ઢગલાબંધ ઉદાહરણો છે કે નમ્રતાના અભાવને કારણે ઊંચામાં ઊંચી આરાધના કરવા છતાં સાધકો નીચે ગબડી પડ્યા, ભ્રષ્ટ થયા. આવું જાણ્યા પછી અભિમાનના પનારે પડ્યા વિના નમ્રતાને આત્મસાત્ કરવા કેવી અવિરત આત્મજાગૃતિની જરૂર છે ? એ સમજી શકાય તેમ છે.
સરળતાની જેમ નમ્રતા મળે તો જ પ્રભુશાસનમાં આપણો પ્રવેશ થઈ શકે. નમ્રતાને આત્મસાત્ કરવી આમ તો ભારે કઠણ છે. પણ બે ઉપાય દ્વારા તેને કેળવી શકાય તેમ છે.
(૧) આપણી ભૂલનો બચાવ કરવાના બદલે તેનો સ્વીકાર કરવાની પ્રયત્નપૂર્વક ટેવ પાડવી.
૩૫