________________
પ્રથમ દુર્લભ ચીજને જાણીએ
પૂર્વે ૪ દુર્લભ વસ્તુની વાત કરી હતી તેના અનુસંધાનમાં જણાવવાનું કે સૌપ્રથમ દુર્લભ વસ્તુ છે મોક્ષમાર્ગ. મોક્ષમાર્ગની વ્યાખ્યા કરતાં લલિતવિસ્તરા ગ્રંથમાં જણાવેલ છે કે “ચેતસો અવક્રગમનં માર્ગઃ મોક્ષમાર્ગઃ” અર્થાત્ ચિત્તની અવક્ર, સરળ પરિણતિ એ મોક્ષમાર્ગ છે. સરળ પરિણામ મળવો અત્યંત દુર્લભ છે. સાપ દરની બહાર વાંકો ચૂકો ચાલે પણ દરમાં સીધો ચાલે. અન્યથા તેનું શરીર છોલાઈ જાય અને કીડીઓ તેને ફોલી ખાય. તેમ મોક્ષમાર્ગે આવતાં પૂર્વે અચરમાવર્ત કાળમાં જીવ વક્ર હોય પણ મોક્ષની નજીક આવે એટલે ચિત્તની અંતરંગ પરિણતિ સરળ થવા માંડે. આંટીઘુંટી વગરનું, ફૂડ-કપટ વગરનું મન ખરેખર દુર્લભ છે. પણ મોક્ષની નજીક આવ્યા પછી જો સાધક મનને વક્ર બનાવે તો મોક્ષમાર્ગથી વધુ દૂર ધકેલાઈ જાય. ભલે તે બાહ્યસાધના કરતો રહે. સરળતા હોય તો મોક્ષ નજીક. વક્રતા હોય તો મોક્ષ દૂર.
અધ્યાત્મસારમાં કહેલ છે કે “સત્યજં રસલામ્પત્યં સુત્યજં દેહભૂષણમ્, સુત્યજા: કામભોગાઘાઃ દુસ્યજં દમ્ભસેવનમ્.” અર્થાત્ રસની લંપટતા, દેહવિભૂષા, કામ-ભોગ વગેરે છોડવા બહુ સરળ છે. પરંતુ દંભનું - માયાનું સેવન છોડવું બહુ મુશ્કેલ છે. બાહ્ય બધી આરાધના સરળ છે. નિર્દમ્ભ પરિણતિ દુર્લભ અને દુષ્કર છે.
જે સાધક સરળ હોય તે સ્વાભાવિક રીતે સમર્પિત હોય, સહિષ્ણુ અને નિર્ભય હોય, સ્પષ્ટ વલણવાળો હોય, વિશ્વસનીય + નિખાલસ + પ્રામાણિક + કોમળ + શુદ્ધ હોય તથા સાત્ત્વિક હોય, નમ્ર હોય. પરંતુ જે વક્ર હોય તે મોટા ભાગે અક્કડ, અતડુ, ભયભીત, અસહિષ્ણુ, સ્વતંત્ર, સ્વચ્છંદી, મૃષાવાદી, માયાવી, અવિશ્વસનીય, ગૂઢ, સત્ત્વહીન હોય, અપ્રામાણિક હોય, ઉદ્ધત હોય, કઠોર-નઠોર અને ક્રૂર હોય.
=
૨૬