________________
ગુરુકૃપાની ઓળખાણા પવિત્ર - પ્રૌઢ - ગુણિયલ - શાંત સ્વભાવી - દીર્થસંયમી એવા ગુરુદેવ તમને મળ્યા તે તમારો પ્રબળ પુણ્યોદય છે. વિષમ કાળમાં આવા ગુરુદેવ મળવા - ગમવા - હૃદયથી સ્વીકારવા એ અનુપમ સૌભાગ્ય છે. અન્ય સાધ્વીજી મ.સા. ના મુખેથી તમારા ગુરુદેવશ્રીના વખાણ સાંભળી ઘણો આનંદ થયો. “જેવા સાધ્વી શ્રી ચંદનબાલાજી પ્રભુ મહાવીરના પાવન હૈયે વસેલા તે જ રીતે સુવિશુદ્ધ સંયમી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. ના દિલમાં તમારા ગુરુદેવે આદરણીય પવિત્રસ્થાન પ્રાપ્ત કરેલ છે.” આ રીતે અન્ય સમુદાયના સાધ્વીજી મ.સા. ના મોઢેથી હૃદયના ઉદ્ગાર સાંભળી ખૂબ જ હર્ષ થયો. તમારું જીવન ધન્ય બની ગયું. આ ગુરુદેવશ્રીની મન મૂકીને ભક્તિ કરી લેજો. બિનશરતી શરણાગતિ સ્વીકારી લેજો. તેમની આજ્ઞા, સૂચના, ભાવના અને ઈંગિત આકાર, ઈચ્છાને અનુસાર જીવન બનાવશો તો કલિકાળમાં કલ્પતરુને પામ્યાની તાત્ત્વિક અનુભૂતિ કરી શકશો, કર્મના મલિન ચીકણા અનુબંધો તૂટી જશે, મોહનીય કર્મ અને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ખીલી ઉઠશે. ગુરુકૃપા થકી મળેલ સંયમયાત્રા જરૂરથી ઉચ્ચતમ જ્ઞાનયોગને પણ જીવનમાં આ જ ભવમાં ખેંચી લાવશે.
સાથે સાથે આચારચુસ્ત, અંતર્મુખ અને સ્વાધ્યાયશીલ સંયમી ગ્રુપ મળેલ છે એ પણ સુભગ સુમેળ સધાયો. ૨૪ કલાક ઉત્તમ આલંબન તમારી આંખ સામે સહજ રીતે સમુપસ્થિત થયેલ છે. તેની ખૂબ કમાણી કરજો. ગુરુદેવ અને પવિત્ર સંયમીના જ્યારે જ્યારે આંખ સામે દર્શન થાય ત્યારે હૈયાને આનંદથી, ઉલ્લાસથી અને ઉમંગથી છલકાવી દેજો, રોમેરોમને કૃતજ્ઞભાવથી ભાવિત કરી દેજો. તેનાથી તમે સાનુબંધ સંયમ અને પવિત્ર જ્ઞાનયોગને આત્મસાત કરી શકશો.