________________
શ્રી પ્રભાવકચરિત્ર
તેણીને આશ્વાસન આપીને રામસણમાં ચૈત્યના અધિકારમાં રખાવી હતી અને તે પછી અમો આ દેશમાં આવી ગયા હતા, પણ પાછળથી ત્યાંના લોકોના કહેવાથી જણાયું હતું કે તે ખટપટી રાણી મરી જતાં રાજા યશોવર્મે કાઢી મૂકેલ રાણીને પાછી પોતાને ત્યાં બોલાવી લીધી છે. રૂપ, આકૃતિ અને અવસ્થા જોતાં નવાઈ નથી કે તે જ રાણીનો તે બાલપુત્ર આ પુરૂષ હોય. આમ વિચારીને આચાર્યે કહ્યું–‘વત્સ ! આ તારા મિત્રની સાથે નિશ્ચિત્ત થઈને તું અહીંયાં રહે, અને વિદ્યા-કલાનો અભ્યાસ કર’ આ પ્રમાણે આચાર્ય આમને પોતાને ત્યાં રાખ્યો અને બપ્પભટ્ટિની સાથે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિનો અભ્યાસ કરાવીને વિદ્વાન બનાવ્યો. કાલાન્તરે યશોવર્મની માંદગી થતાં તેના પ્રધાનો આમકુમારને લેવા આવ્યા. આમ આચાર્ય અને પોતાના મિત્ર બપ્પભટિની રજા લઈને કનોજ ગયો, જતાં જ યશોવર્મ રાજાએ આમનો રાજયાભિષેક કરાવીને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો, તે પછી યશોવર્મ પરલોકવાસી થયો અને અમે તેનું ઔદ્ધદેહિક કૃત્યો કરાવીને રાજય ઉપર પોતાનું શાસન ચાલુ કર્યું.
રાજયાધિકાર પામીને તરત જ આમે પોતાના પ્રધાનોને ગુજરાત બપ્પભદિને તેડવા મોકલ્યા. આચાર્ય સિદ્ધસેને પણ રાજાનો અતિશય આગ્રહ જોઈને બપ્પભટ્ટિને કનોજ જવાની આજ્ઞા આપી અને નિરન્તર પ્રયાણ કરતા બપ્પભટ્ટિ મુનિ કનોજ પહોંચ્યા, રાજાએ અપૂર્વ મહોત્સવ પૂર્વક હાથીની સવારીએ બપ્પભક્િનો નગરપ્રવેશ કરાવ્યો, અને રાજસભામાં જતાં રાજાએ તેમને બેસવા માટે સિંહાસન આપવા માંડ્યું; પણ “ બપ્પભટ્ટિએ આમ કહીને તે ઉપર બેસવાનો નિષેધ કર્યો કે આચાર્યપદ પ્રાપ્ત થયા સિવાય અમો એ સિંહાસન ઉપર બેસી નહિ શકીએ. આથી રાજાએ તેમના માટે બીજું યોગ્ય આસન મંગાવ્યું પણ રાજાને આથી સંતોષ થયો નહિ.
કેટલાક સમય પછી આમે પોતાના પ્રધાનોની સાથે બપ્પભઢિને પાછો ગુજરાત તરફ વિહાર કરાવ્યો સર્વે મોઢેરા પહોંચ્યા અને રાજા તરફથી પ્રધાનોએ આગ્રહપૂર્વક બપ્પભટ્ટિને આચાર્યપદ માટે વિનંતિ કરી, આચાર્ય સિદ્ધસેનસૂરિએ પણ બપ્પભટ્ટિની યોગ્યતા અને રાજાના આગ્રહને ધ્યાનમાં લઈ વિ. સંવત ૮૧૧ના ચૈત્ર વદિ ૮ ના દિવસે બપ્પભટ્ટિને આચાર્યપદ આપ્યું અને તે પછી પોતાની ઈચ્છા ન હોવાં છતાં આમના પ્રધાનોના આગ્રહથી બપ્પભટ્ટસૂરિને કનોજ તરફ વિહાર કરાવ્યો. નિરંતર પ્રયાણ કરતાં આચાર્ય કનોજ પહોંચ્યા અને રાજાએ હસ્તીની સવારીએ તેમનો પ્રવેશ કરાવ્યો અને પોતાના મહેલમાં લઈ જઈ ગાદી બિછાવેલા સિંહાસન ઉપર તેમને બિરાજમાન કર્યા, રાજા તરફના આ અતિ સત્કારથી કનોજનો જૈન સંઘ ઘણો હર્ષિત થયો.
આચાર્ય બપ્પભટ્ટિએ આમને ધર્મોપદેશ પ્રસંગે જૈન ચૈત્ય કરાવવામાં ઘણો લાભ બતાવ્યો જેથી રાજાએ કનોજમાં ૧૦૧ હાથની ઉંચાઈવાળું જૈન ચૈત્ય બનાવરાવીને તેમાં ૧૮ ભાર સુવર્ણની પ્રતિમાની બપ્પભટ્ટસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી એ સિવાય આમે ગ્વાલિયરમાં ૨૩ હાથ ઉંચું મહાવીર જિનનું મંદિર કરાવી તેમાં લેપ્યમય જિનપ્રતિમાની સ્થાપના કરી. કહે છે કે આ ચૈત્યના એક મંડપમાં એક ક્રોડ સુવર્ણ ટકાનો ખર્ચ થયો હતો.
એક વાર બ્રાહ્મણોની વાતે લાગીને આમરાજાએ બપ્પભટ્ટિને બેસવા માટે સિંહાસનને સ્થાને સામાન્ય આસન મંડાવીને કંઈક મનોભેદ બતાવ્યો. પણ પાછળથી તેણે પૂર્વની માફક જ આદર બતાવ્યો.