________________
શ્રી પ્રભાવકચરિત્ર
કોઈ કોઈ પ્રબન્ધમાં મલ્લવાદીની માતા દુર્લભદેવીને વલ્લભીના રાજા શિલાદિત્યની બહેન લખીને એ મહાવાદીને શિલાદિત્યના ભાણેજ ઠરાવ્યા છે, તેમજ બૌદ્ધોની સાથેનો મલ્લવાદીનો વાદ પણ શિલાદિત્યની સભામાં થયાનું જણાવ્યું છે, પણ પ્રસ્તુત પ્રબન્ધમાં આ બધી ઘટના ભરૂચમાં થયાનું વર્ણન છે. મલ્લવાદી વલ્લભીના હતા એટલું જ આ પ્રબન્ધથી જણાય છે. મલ્લવાદીએ તેમજ એમના ભાઈઓએ કરેલ ગ્રન્થોનું આજે ક્યાંય પણ અસ્તિત્વ જણાતું નથી, પણ જો શોધખોળ કરતાં એમાંથી કોઈ પણ એક બે ગ્રન્થો મળી જાય તો જૈન સાહિત્યનો અપૂર્વ ઉત્કર્ષ વધારનારા થઈ પડે. મલ્લવાદીકૃત નયચક્રની ટીકા તો આજે પણ જૈન ભણ્ડારોમાં મળે છે, પણ મૂળ ગ્રન્થ ક્યાંય મળતો નથી. એ સિવાય એક લઘુધર્મોત્તર ટિપ્પણ નામક ન્યાયગ્રન્થ પણ મલ્લવાદી કૃત જૈન ભંડારોમાં આજે મળે છે, પણ મારા વિચાર પ્રમાણે આ મલ્લવાદી બીજા હોવા જોઈએ. અલ્લરાજાની સભાના વાદી શ્રીનન્દક ગુરુના કહેવાથી મલ્લવાદીના જ્યેષ્ઠ ભાઈ જિનયશે પ્રમાણ ગ્રન્થ બનાવ્યાનો ઉલ્લેખ પ્રબન્ધકારે કર્યો છે, પણ આ ‘અલ્લભૂપ’ અને તેની સભાના વાદી ‘શ્રીનન્દકગુરુ' કોણ હતા તે જણાવવામાં આવ્યું નથી. એ જ ચરિત્રના અભયદેવ પ્રબન્ધ ઉપરથી જણાય છે કે વર્ધમાનસૂરિના સમયમાં કૂર્ચપુર (કુચેરા-મારવાડ)માં અલ્લભૂપાલ પુત્ર ભુવનપાલ રાજા રાજ્ય કરતો હતો, આ ઉલ્લેખથી જણાય છે કે વર્ધમાનસૂરિકાલીન ભુવનપાલનો પિતા અલ્લરાજા વિક્રમની દસમી સદીના અન્તમાં વિદ્યમાન હોવો જોઈએ, વળી એજ પ્રભાવક ચરિત્રની પ્રશસ્તિમાં ન્યાયમહાર્ણવકાર અભયદેવસૂરિના ગુરુ પ્રધુમ્નસૂરિએ અલ્લુરાજાની સભામાં દિગમ્બરાચાર્યને જીત્યાનો ઉલ્લેખ છે; આ અલ્લૂ અને અલ્લભૂપ એક જ વ્યક્તિનાં નામો છે અને આ રીતે પ્રદ્યુમ્નસૂરિના સમકાલીન તરીકે પણ અલ્લભૂપનું અસ્તિત્વ વિક્રમની દશમી સદીમાં જ સિદ્ધ થાય છે પણ મલ્લવાદીના ભાઈ જિનયશને આ અલ્લભૂપની સભાના વાદી શ્રીનન્દક ગ્રન્થ રચવાની પ્રેરણા કેવી રીતે કરી શકે તે સમજાતું નથી. પ્રબન્ધમાં મલ્લવાદીનો સત્તાસમય જણાવ્યો નથી છતાં વિજયસિંહસૂરિના પ્રબન્ધમાં મલ્લવાદીના બૌદ્ધવિજય વિષે એક આર્યા મળી આવે છે જેમાં લખ્યું છે કે ‘મલ્લવાદીએ વીર સંવત્ ૮૮૪ (વિક્રમ સં. ૫૧૪)માં બૌદ્ધોને જીત્યા' હવે જો મલ્લવાદીને આ રીતે વિક્રમના પાંચમા સૈકામાં થયા માની લઈએ તો એમના ભાઈ જિનયશ અલ્લરાજાની સભાના વાદી શ્રીનન્દકના સમકાલીન થઈ શકે નહિ, એ ખુલ્લું છે.
36
આ પરસ્પર વિરોધના પ્રસંગો જોતાં એમ માનવાને કારણ મળે છે કે જેમનો આચાર્ય હરિભદ્રે પોતાના ગ્રન્થોમાં નામોલ્લેખ કર્યો છે, જેમણે ભરૂચમાં બૌદ્ધોનો પરાજય કર્યો અને જેમણે નયચક્ર ગ્રન્થની રચના કરી તે મલ્લવાદી જુદા, અને જિનયશના ભાઈ લઘુધર્મોત્તરના ગ્રન્થ ઉપર ટિપ્પણ લખનાર મલ્લવાદી જુદા હતા. બૌદ્ધ આચાર્ય લઘુધર્મોત્તરનો સમય વિક્રમ સંવત્ ૯૦૪ ની આસપાસ માનવામાં આવે છે તો એના ગ્રન્થ ઉપર ટિપ્પણ લખનાર મલ્લવાદી અવશ્ય હી દશમી સદીના અન્તમાં જ થયા સંભવે અને આ પ્રમાણે મલ્લવાદીના ભાઈ જિનયશ પણ અલ્લરાજાના સમસામયિક સિદ્ધ થઈ શકે છે, ત્યારે હવે પ્રશ્ન એ થશે કે પ્રભાવક ચરિત્રકારે જે મલ્લવાદીનું પ્રબન્ધમાં વર્ણન કર્યું છે તે મલ્લ પ્રથમ સમજવા કે દ્વિતીય ? આનો ઉત્તર એ છે, કે પ્રબંધમાં આપેલ વર્ણન ઘણું ખરૂં તો પ્રથમ મલ્લવાદીને જ લાગુ પડે છે, કારણ કે તે સમયમાં જ ગુજરાત કાઠિયાવાડમાં બૌદ્ધોનું વિશેષ પ્રાબલ્ય હતું દશમી સદીમાં બૌદ્ધો આ તરફથી ઘણે ભાગે પૂર્વ તરફ ચાલ્યા ગયા હતા તેથી બૌદ્ધોની જીત અને હારવાળી હકીકત જિનાનન્દના શિષ્ય પ્રથમ મલ્લની સાથે જ બંધ બેસે છે જ્યારે ત્રણ ભાઈઓવાળી હકીકતનો બીજા મલ્લવાદીની સાથે સંબદ્ધ હોય એમ જણાય છે. ગમે તેમ હો પણ મલ્લવાદી બે થયા હતા. એક વિક્રમની પાંચમી સદીમાં અને બીજા દસમી સદીમાં. આ બંને મલ્લવાદીઓની ભેળસેળ થયેલી હકીકત આ પ્રબન્ધમાં વર્ણવાયેલી છે.