________________
તથા આ ધ્યાનનો ધ્યાતા ક્યારેક મનોયોગમાં, ક્યારેક વચનયોગમાં, ક્યારેક કાયયોગમાં આ રીતે જુદા જુદા યોગમાં વર્તી શકતો હોવાથી આ પ્રથમ ધ્યાનમાં યોગસંક્રાંતિ પણ વિદ્યમાન છે.
આ રીતે આ ધ્યાનમાં તે તે વિષયોમાં તે તે સમયે એકાગ્રતા હોવા છતાં અલગ-અલગ પ્રકારનું પરિવર્તન સંભવિત છે. ૨) એકત્વવિતર્ક અવિચાર - શુક્લધ્યાનના પ્રથમભેદની જેમ જ આ ધ્યાનમાં વિતર્ક = વિચારણા હોય છે. કિંતુ “વિચાર” નથી હોતો = સંક્રમણ નથી હોતું. જે યોગમાં જે વ્યંજનના આલંબને જે દ્રવ્ય કે પર્યાયનું ધ્યાન = ચિંતન હોય તેમાં ફેરફાર થતો નથી. આના ધ્યાતા પણ પૂર્વધરમહર્ષિ જ છે. ૩) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ – સયોગીકેવલીને ભવના અંત વખતે આ ધ્યાન હોય છે. ૧૩ મે ગુણસ્થાનકે સૂક્ષ્મક્રિયા હાજર હોવાથી આ ધ્યાન સૂર્મક્રિયાતિપાતિ = સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ કહેવાય છે. મનની એકાગ્રતા અહીં ધ્યાનરૂપ નથી, કારણ કે ૧૩ મે ગુણઠાણે વિકલ્પો, વિચારોનો અભાવ હોય છે. અનુત્તરવિમાનવાસી દેવોની શંકાના સમાધાન માટે મનોવણાના દ્રવ્યનું ગ્રહણ હોવા છતાં વિકલ્પો હોતા નથી. તેથી સ્વભાવસ્થિરતાદિરૂપ ધ્યાન માની શકીએ, મનોયોગના નિરોધરૂપ ધ્યાન પણ માની શકાય છે. ૪) ભુપતક્રિયાઅનિવર્તિ - ૧૪માં ગુણસ્થાનકે આત્મપ્રદેશોની સ્થિરતારૂપ, મનોયોગ-વચનયોગ-કાયયોગ આદિના નિરોધરૂપ જે ધ્યાન તે જ પ્રસ્તુત શુક્લધ્યાન. આ ધ્યાનના સમયે ક્રિયાનો નિરોધ હોવાથી તથા હવે તેમાંથી કદાપિ પાછું ફરવાનું ન હોવાથી ભુપતક્રિયાઅનિવર્તિ તરીકે આ ધ્યાન ઓળખાય છે.
આ રીતે ચાર પ્રકારના ધ્યાનની પેટાભદસહિત આપણે ઓળખાણ મેળવી લીધી.
ધ્યાનની ઉપયોગિતા - ધ્યાન વિના મોક્ષ મળવો શક્ય નથી. આત્મા તરફ જ્યારે ચિત્તવૃત્તિ વળે, આત્માનંદ તરફ રૂચિ પ્રગટે ત્યારે જ તાત્ત્વિકધ્યાન આવી શકે છે. અભ્યાસરૂપ ધ્યાન તે પૂર્વે પણ આવી શકે છે. આ ધ્યાનના આત્મિક, ભૌતિક તથા માનસિક લાભો અપરંપાર છે. ધ્યાનના સાતત્યપૂર્ણ અભ્યાસથી મન સ્થિર થાય છે. નાના નાના પ્રસંગોમાં ઉઠતા સંકલ્પ-વિકલ્પો રવાના થાય છે. ક્ષમા વગેરે ગુણો સ્વાભાવિક રીતે આત્મસાત્ થાય છે. અંતમુખતા, ગંભીરતા, ઉદારતા વગેરે પરિપૂર્ણ રીતે પ્રકટ થાય છે. એકવાર ધ્યાનનો અભ્યાસ નિરંતર, તાત્ત્વિક રીતે શરૂ કરો. પછી ચોક્કસ તેના ફાયદા તુરંતમાં અનુભવાશે.
જૈન ધ્યાન માર્ગ