Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
જૈને કર્મવાદ-સાહિત્યની વિશેષતા
જૈનદર્શને કર્મવાદના વિષયમાં વિચાર કરતાં કર્મ શું વસ્તુ છે? જીવ અને કર્મનો સંયોગ કેવી રીતે થાય છે ? તેમજ એ સંયોગ ક્યારનો અને કયા રૂપમાં છે ? કર્મનાં દલિક, તેની વર્ગણાઓ, તેના ભેદો, તથા તે કેવી રીતે બંધાય અને ઉદયમાં આવે છે ? ઉદયમાં આવવા પહેલાં તેના ઉપર જીવ દ્વારા શી શી ક્રિયાઓ થાય છે ? કર્મોને આશ્રયીને જીવ દ્વારા થતી વિવિધ-ક્રિયાઓ જેને કરણ કહેવામાં આવે છે એ શું વસ્તુ છે અને તેના કેટલા પ્રકારો છે ? કર્મના બંધ અને નિર્જરાનાં શાં શાં કારણો અને ઈલાજો છે ? કર્મબંધ અને તેના ઉદયાદિને પરિણામે આત્માની કઈ કઈ શક્તિઓ આવૃત તેમજ વિકસિત થાય છે? કયા કારણસર કર્મોનો બંધ દઢ અને શિથિલ થાય છે? કર્મના બંધ અને નિર્જરાલક્ષી જીવ કેવી કેવી વિશિષ્ટ ક્રિયાઓ કરે છે ? કર્મના બંધ અને નિર્જરાનો આધાર શાના ઉપર છે ? આત્માની આંતરિક શુભાશુભ ભાવના અને દેહજનિત બાહ્ય શુભાશુભ ક્રિયા કર્મબંધાદિકના વિષયમાં કેવો ભાગ ભજવે છે ? શુભાશુભ કર્મો અને તેના રસની તીવ્ર-મંદતાને પરિણામે આત્મા કેવી સમ-વિષમ અનુભવ કરે છે ? વગેરે સંખ્યાતીત પ્રશ્નોનો વિચાર અને ઉકેલ કરેલ છે.
આ ઉપરાંત અનાદિ કર્મપરિણામને પ્રતાપે આત્મા કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયો છે, થાય છે અને વિવિધ ક્રિયાઓ કર્યે જાય છે એનું વાસ્તવિક અને વિશિષ્ટ વર્ણન જૈનદર્શને વર્ણવેલ કર્મવાદમાં જેટલા વિપુલ અને વિશદ રૂપમાં મળી આવશે એટલા સ્પષ્ટ રૂપમાં ભારતીય ઇતર દર્શનસાહિત્યમાં ક્યારેય લભ્ય નથી. ભારતીય અન્ય દર્શન સાહિત્યમાં આત્માની વિકસિત દશાનું વર્ણન વિશદ રૂપમાં મળી આવશે પણ અવિકસિત દશામાં એની શું સ્થિતિ હતી ? કઈ કઈ પરિસ્થિતિઓ એણે વટાવી અને તેમાંથી તેનો વિકાસ કઈ વસ્તુના પાયા ઉપર થયો ? એ વસ્તુનું વર્ણન લગભગ ઘણા જ ઓછા પ્રમાણમાં મળી શકશે.
મહાન આચાર્ય શ્રી સિદ્ધર્ષિની ઉપમિતિભવપ્રપંચા કથા, મલધારી શ્રી હેમચંદ્રસૂરિની ભવભાવના, મંત્રી યશપાલનું મોહરાજ-પરાજય નાટક; મહોપાધ્યાય શ્રીયશોવિજયજીની વૈરાગ્ય-કલ્પલતા વગેરે–જૈનદર્શનના કર્મવાદને અતિબારીકાઈથી રજૂ કરતી કૃતિઓનું નિર્માણ અને એ કૃતિઓ આજે ભારતીય સાહિત્યમાં અજોડ સ્થાન શોભાવી રહી છે એ, જૈનદર્શનના કર્મવાદને જ આભારી છે.
પ્રસંગોચિત આટલું જણાવ્યા પછી હવે મૂળ વિષય તરફ આવીએ. મૂળ વિષય પંચસંગ્રહ મહાશાસ્ત્રોનો ગુજરાતી અનુવાદ છે. એ અનુવાદને અંગે કાંઈ પણ કહેતાં પહેલાં પંચસંગ્રહ શું વસ્તુ છે અને તેને લગતું શું શું વિશિષ્ટ સાહિત્ય આજે લભ્ય છે–ઇત્યાદિ જણાવવું અતિ આવશ્યક હોઈ શરૂઆતમાં આપણે એ જ જોઈએ. પંચસંગ્રહ અને તેને લગતું સાહિત્ય
પંચસંગ્રહ એ કર્મવાદનિષ્ણાત આચાર્ય શ્રીચંદ્રષિમહત્તર વિરચિત કર્મ-સાહિત્ય-વિષયક પ્રાસાદભૂત મહાન્ ગ્રંથ છે. એમાં આચાર્યશ્રીએ જણાવ્યા પ્રમાણે શતક આદિ પાંચ ગ્રંથોનો સંક્ષેપથી સમાવેશ હોઈ અથવા એમાં પાંચ દ્વારોનું વર્ણન હોઈ એને પંચસંગ્રહ એ નામથી