________________
નિવેદન જીવન તો દરેક વ્યક્તિ જીવી જાય છે પણ જીવનની પ્રત્યેક અવસ્થાને જુદી જોઈ, જાણી, અને મુક્ત રહે એવા વિરલ જ્ઞાની કોક જ હોય !
પૂર્વે જ્ઞાની પુરુષ કુંદકુંદાચાર્ય થઈ ગયા. તેમનું જીવન ચરિત્ર આપણને બહુ જાણવા મળતું નથી. જ્યારે પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર થઈ ગયા, તેમનું આપણને જીવન થોડુંઘણું જાણવા મળ્યું છે. તે સિવાય પહેલાંના વખતમાં ઘણાંય મહાન પુરુષો, જે આત્મજ્ઞાની થઈ ગયા, તેમની અમુક જ્ઞાનદશાની વાતો જાણવા મળતી હોય છે પણ તેઓ અજ્ઞાન દશામાં કઈ ખોજ માટે, કયા ધ્યેયપૂર્વક પોતે રહેલા, તે રહસ્ય બહુ જાણવા મળતું નથી. જ્યારે અત્રે આપણને પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)ની પૂર્વાશ્રમની વાતો વિગતવાર જાણવા મળે છે.
આવા હળહળતા કળિયુગમાં આવું અલૌકિક વ્યક્તિત્વ આપણને જોવા મળ્યું. એમના જીવનની હકીકતો જાણવા મળી અને જ્ઞાની કેવા હોય, તે જાણવા મળ્યું. તેથી તો આપણી જાત પ્રત્યે ધન્યતા અનુભવાય કે કેવા ભાગ્યશાળી આપણે કે આપણી વચ્ચે પૂર્ણ જ્ઞાની આવ્યા અને આપણે એમની પાસે જ્ઞાન પામ્યા !
એક વસ્તુ ચોક્કસ સમજાય છે કે એક સામાન્ય માણસ જેવું એમનું જીવન હતું પણ અંદર સમજણ અસામાન્ય માણસ જેવી હતી. પ્રસંગો આપણા જેવા જ જીવનમાં એમને બનતા હતા, પણ એક જ પ્રસંગમાં તો કેટલું બધું વિચારી લેતા અને તેના તારણમાં કંઈક અદ્ભુત આધ્યાત્મિક ફોડ આપી શક્યા !
એમણે ભવોભવ ભાવેલી જગત કલ્યાણની ભાવના, અને તે સામાન્ય માણસ પણ જીવનમાં દુ:ખ વગર અને આત્મિક આનંદ સાથે જીવન જીવે, તે રૂપકમાં આવી. સામાન્ય માણસને જીવનમાં પડતી તકલીફો પોતે અનુભવી અને કંઈક સાચી સમજણથી તે દુઃખોમાંથી બહાર નીકળી શકાય અને મુક્તિનો આસ્વાદ માણી શકાય, એવું કંઈક વિજ્ઞાન જગતના લોકોને આપવું હતું, તે છેવટે આપી શક્યા.