________________
પાલીતાણાની યાત્રા જેણે કરી હોય તેવાં સાધુસાધ્વીએ બીજી વાર કરવાનો આગ્રહ ન રાખવો. ભવ્યત્વની છાપ તો એક વારમાં જ પડી ગઇ છે. પરંતુ ત્યાં રહેવાથી દોષો સેવવાની ટેવ પડવાથી જીવન બરબાદ થઇ જાય છે. યાત્રાની યાત્રા થાય ને મજાની મજા થાય : એવી તીર્થયાત્રા તો ભવયાત્રા વધારે ને ? અમને દાતાનાં કુળો મળતાં ન હોવાથી અમારે પાલીતાણા જવાનું નહિ. તમારે જવાનું, પણ અનુકૂળતા ભોગવવા નહિ જવાનું. તીર્થસ્થાનમાં અનુકૂળતાનો રાગ છોડવા માટે જવાનું છે એના બદલે ત્યાં જઇને ઘર કરતાં પણ વધુ અનુકૂળતા ભોગવીએ તો તીર્થયાત્રા કરતાં ભવયાત્રા વધવાની. આ બધું બરાબર સમજી લેવાની જરૂર છે. સાધુભગવન્તના આચાર સમજવા સાથે તમારા કર્તવ્યને પણ સમજી લો. ગૃહસ્થ સાધુ માટે રાંધે નહિ અને સાધુસાધ્વી માટે બનાવે તેવાં કુળમાં સાધુભગવન્ત જાય નહિ. એકવાર મમત્વ માર્યા પછી કોઇ પણ જાતનું મમત્વ ન વધે તે માટે સાધુભગવન્તો સાવધ રહે. સાધુની વૃત્તિ એવી હોય કે જેમાં કોઇને હણવાનું બને નહિ. શાસનની લઘુતા થાય એ રીતે નિર્દોષ આહારપાણી માટે અન્ય કુળોમાં ન જાય. તેમ જ સ્વ (જૈન) કુળોમાં પણ મંત્રતંત્રદોરાધાગા વગેરે કરવા દ્વારા અનુકૂળ આહારાદિ પ્રાપ્ત કરવાનું કામ સાધુભગવન્ત ન કરે. મન્ત્ર તન્ત્રાદિ કરવા દ્વારા જે ભક્તવર્ગ ઊભો કર્યો હોય ત્યાં દોષિત આહાર જ મળવાનો. આજ્ઞા પળાય નહિ અને પોતાના નિમિત્તે જીવોની વિરાધના થાય : તેથી આવા ધંધા સાધુસાધ્વી ન કરે. પોતાના માટે બનાવેલું છે – એવી જાણ થયા પછી સાધુથી તે વહોરાય નહિ. આવો આહાર ગવેષણા કરવાથી મળે એમ છે, દુર્લભ નથી. આ રીતે ગૃહસ્થે પોતાના માટે બનાવેલો આહાર યથાકૃત છે. અને ગૃહસ્થ પણ પોતાના માટે જ રાંધે, ખરીદે કે છેદન વગેરે કરે તો સાધુસાધ્વી માટે નિર્દોષ આહારપાણી સુલભ છે. આવા પ્રકારના યથાકૃત આહારની ગવેષણા કરતાં કરતાં એવું કુળ મળી જાય તો માંડ માંડ નિર્દોષ મળ્યું છે, માટે ખંખેરી લેવાનું કામ સાધુભગવન્ત ન કરે–તે જણાવવા માટે ફરીથી ‘પુષ્ટ્રેસ ભમરા જહા' એમ કહ્યું. શોધવાનું પુષ્પ, પણ પાછું કરમાવા નહિ દેવાનું. અમારે વિહારાદિમાં આવો પ્રસંગ આવે. જે ગામમાં વિહાર કરીને જતા હોઇએ ત્યાં બે-ચાર ઘર હોય કે કોઇ વસતિ ન હોય તેવા વખતે મુસાફરી કરનાર શ્રાવક અમને રસ્તામાં અચાનક મળી જાય અને ગાડી ઊભી રાખી વહોરવાની વિનંતિ કરે તો ત્યારે નિર્દોષ આહાર સમજીને અમારે પાત્રાં ન ભરાય. આગળ વધીને ગુરુભગવન્ત આગળ-પાછળ હોય તો તેમને પૂછ્યા વિના અમારાથી વહોરાય પણ નહિ.
(૭૪)