Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 128
________________ તો તે સ્વાર્થમૂલક જ રાગ છે ને ? જેને બહુમાન હોય તેને અપમાન અપમાન ન લાગે. એ તો ઊલટું વિચારે કે ‘ભૂલ થાય તો કહેવું જ પડે ને ? ગુરુ નહિ કહે તો કોણ કહેશે ?' ગુરુભગવન્ત શિષ્ય ઉપર તપે ત્યારે તમને દેખાય, પણ ગુરુભગવન્તે દસ વાર ભૂલ જતી કરી હોય, ચાર વાર શાંતિથી કહ્યું હોય છતાં ન માન્યું હોય તેનો ખ્યાલ ન હોય ને ? સ. ગુરુ તો કરુણાના ભંડાર હોય ને ? આપણે ગુનાના ભંડાર છીએ તેનું શું ? ગુરુની કરુણા એ ભંડારને ખાલી કરવા માટે જોઇએ છે કે ગુનાને ભંડારી રાખવા માટે ? આપણા દોષોને ચલાવી લેવાના કારણે ગુરુ પ્રત્યે રાગ થતો હોય તો તે ગુરુ પ્રત્યેનો રાગ નથી અસલમાં દોષો પ્રત્યેનો જ રાગ છે. અને જ્યાં સુધી દોષો પ્રત્યે રાગ હશે ત્યાં સુધી દોષો ટળશે નહિ. ગુણો આવશે નહિ, આવેલા ગુણો પણ જતા રહેશે. ચૌદપૂર્વી પણ પતન પામ્યા તો પ્રમાદના પ્રેમે જ ને ? આજ્ઞા પ્રત્યે બહુમાન હોત તો પ્રમાદ કરવાજેવો નથી – એવું સમજાત. સમસ્ત જગતને માર્ગ બતાવનારા પોતાના માર્ગને ન જોઇ શક્યા, કારણ કે રાગ આંધળો છે. પ્રમાદની ભયંકરતા જોવા ન દે તેનું નામ રાગ. આપણે ગુરુના રાગે તરવા માટે મહેનત કરીએ છીએ જ્યારે પૂ. યશોવિજયજી મહારાજ કહે છે કે ‘તુજ વચનરાગ–સુખસાગરે ઝીલતો...' આજ્ઞા સિવાય કશું ન ગમે અને એક-માત્ર ભગવાનની આજ્ઞા જ ગમે તેનું નામ બહુમાન. ભગવાનની આજ્ઞા સિવાય બીજું જે કાંઇ ગમે તે રાગમાં સમાય. આત્મકલ્યાણ સાધતી વખતે રાગ ન થઇ જાય અને બહુમાનભાવ કેળવાય એની કાળજી સતત રાખવી. રાગના કારણે જેણે ધર્મની શરૂઆત કરી હોય તેને બહુમાન પેદા કરાવીએ પણ જેઓએ બહુમાનથી ધર્મની શરૂઆત કરી હોય અને પછી રાગમાં અટવાયા કરે તો તેના માટે કઠોરમાં કઠોર અનુશાસન કરવું પડે ને ? જે નીચેથી ઉપર ચઢતો હોય તેને હાથનો ટેકો આપીને ચઢાવીએ, પણ જે ઉપરથી નીચે પડતો હોય તેને તો બાવડું ઝાલીને ખેંચવો પડે ને ? નાનું બાળક સર્પ કે અગ્નિની પાસે જતું હોય તો કેવી રીતે ખેંચો ? એના હાથપગ છોલાય તોપણ તેની ચિંતા ન કરો ને ? તેવી રીતે અહીં પણ પતનને અભિમુખ થયેલા સાધુને આચાર્યભગવન્ત કઠોર અનુશાસન કરે. આચાર્યભગવન્તનું અનુશાસન કઠોર છે – એવું જોયા કરે તેઓ સંસારમાં રઝળવા તૈયાર થયા છે, એમ માનવું પડે. સંસારમાં રઝળવું ન હોય તેણે કઠોર પણ અનુશાસન ઝીલવા સિવાય બીજો ઉપાય નથી. તેવા વખતે અયોગ્યતા બતાવવાને બદલે થોડી યોગ્યતા કેળવી લઇએ તો (૧૨૫)

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162