________________
અંકુશની મદદથી ધીરે ધીરે તે હાથીને નીચે ઉતાર્યો. આ રીતે અંકુશ હોય તો મોતની ખીણમાંથી પણ હાથીને બચાવી શકાય. તે રીતે અસંયમની ગર્તામાંથી કાઢવા માટે આજ્ઞાનો અંકુશ છે. હાથીને વશ કરવા માટે અંકુશ કેવો હોય ? મહાવત જેટલું કહે તેટલું જ કરવાનું. આવા અંકુશથી હાથી બચે તેમ આજ્ઞાના અંકુશથી સાધુસાધ્વી પણ બચી જાય. માત્ર ગુરુભગવન્ત કહે એ પ્રમાણે કરવાની તૈયારી જોઈએ. જેને અસંયમની ગર્તામાંથી, આગળ વધીને સંસારની ગર્તામાંથી બચવું હોય તો તેને ગુરુભગવન્તનો અંકુશ ગમ્યા વિના રહે ? શ્રી રહનેમિને શ્રી રામતીજીનાં અંકુશતુલ્ય વચનો ગમી ગયાં, આથી તેઓશ્રી અસંયમની ગર્તામાં પડતાં બચી ગયા. આ સૂત્રનો રોજ ઉપયોગપૂર્વક સ્વાધ્યાય કરનાર સાધુસાધ્વી ક્યારે ય સુખના રસિયા ન બને. સુખ આવે તે ગમે : એ સુખના રસિયા. સુખની કલ્પનામાં રાચે તે સુખના રસિયા. સુખ જાય ત્યારે ગમે અને સુખની કલ્પનામાં રાચવાનું બંધ થાય ત્યારે સુખની રસિકતા જાય.
સ. બધાં સાધુસાધ્વીને સૂત્ર અને અર્થથી આ સૂત્ર આવડે ?
દિગમ્બર સમ્પ્રદાયના હોય, તેરાપંથી હોય, સ્થાનકવાસી હોય, શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં પણ એકતિથિવાળા હોય કે બેતિથિવાળા હોય.. બધાં જ સાધુસાધ્વીને આ સૂત્ર આવડે છે.
સ. એકતિથિ અને બેતિથિ એટલે શું? બેતિથિવાળા બે તિથિ માને છે ? - તિથિ એ નથી હોતી, એક જ તિથિ લાંબી હોવાથી બે સૂર્યોદયને સ્પ, બે દિવસ સુધી રહે છે માટે બે તિથિ કહેવાય છે. દસ દિવસ સુધી એક વસ્તુ ટકે એટલામાત્રથી દસ વસ્તુ છે – એવું ન મનાય. તેમ બે દિવસ સુધી રહી માટે તેને બે તિથિ ન મનાય. આથી જ શાસ્ત્રીય પરિભાષામાં તેને વૃદ્ધિ તિથિ કહેવાય છે. જે તિથિ ૨૪ કલાકથી અધિક આલતી હોવાથી બે સૂર્યોદયને સ્પર્શે, તે તિથિ પર્વતિથિ હોય કે અપર્વતિથિ હોય, તે બધી જ તિથિની વૃદ્ધિ છે - એવું મનાય છે. આ રીતે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ એ શાસ્ત્રમાન્ય પરંપરા હોવા છતાં શાસ્ત્રની સાથે જેમને લેવાદેવા નથી તેવાઓ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય એવો કદાગ્રહ લઈ બેઠા છે. આથી તેઓ પોતાને એકતિથિવાળા તરીકે ઓળખાવે છે અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનનારા વર્ગને બેતિથિવાળા કહે છે.
(૧૪૧)