Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 155
________________ સ. આપણો જ. ગાડી નીચે આવ્યા નથી ત્યાં સુધી “આપણો વાંક' બોલવાનું સહેલું છે. આવ્યા પછી પણ એ પરિણામ ટકી રહે તો સમજવું કે ધર્મ પામવાની યોગ્યતા આવી. ક્યારે પણ દુઃખ આવે ત્યારે કયા ગુનાની સજા છે – એમ પૂછવું નથી અને કાર્યકારણભાવ વિચારતી વખતે પણ મારા ભૂતકાળના પાપ વગર મને દુઃખ આવે નહિ – એટલું હૈયામાં કોતરી રાખવું. સ. બોલવા જેટલું સહેલું નથી, અશક્ય જેવું લાગે છે. અશક્ય કશું નથી. વ્યક્તિ ગમતી હોય તો તેના બચાવ માટે આવું કહો ને? મિત્રની ગાડીમાં ગયા હો અને પગ ભાંગે તો શું કહો ? મિત્રે ભાંગ્યો એમ કહો કે મારા જ ભૂતકાળના પાપનો ઉદય-એમ કહો? અને વ્યક્તિ ગમતી ન હોય તો શું કહો? મારો વાંક બતાવો, પછી મારી નાંખશો તો ય ચાલશે. સહન કરવાની તૈયારી છે પણ અન્યાય કરો એ ન ચાલે, ખોટું મારાથી સહન ન થાય, નહિ આપો તો નથી જોઈતું પણ મારો હક નથી એમ કહો તો નહિ સાંભળી લઉં..... આવું આવું બોલો ને? સ. બરાબર આવો જ ભાવ હોય છે, આના કારણે જ અમારો સંસાર ટક્યો છે. ટક્યો તો છે અને હજુ ટકાવવો પણ છે ને ? કે આ કારણે જ છોડી દેવો છે ? સ. છોડવો તો છે. ક્યારે ? સ્મશાનભેગા થયા પછી ? સ. જોઈએ એવો વૈરાગ્ય નથી, વૈરાગ્ય આવ્યા વગર ન અવાય ને? વૈરાગ્ય લાવવા માટે પણ અવાય. ત્યાં બેઠા વૈરાગ્યનો જાપ જપ્યા કરશો એટલે વૈરાગ્ય આવી નહિ જાય. વૈરાગ્ય લાવવા માટે પણ સંસાર છોડવો પડશે. ધંધો આવડ્યા પછી ઘર છોડવાનું કે ધંધો શીખવા માટે પણ ઘર છોડીને બજારમાં જવું પડે? વૈરાગ્ય કાચો હશે તો પાકો અહીં કરાશે. પણ બનાવટી વૈરાગ્ય લઈને આવે - એવાનું અહીં કામ નથી. સંસારમાં બહુ દુઃખ પડે છે માટે સંસાર છોડી દેવો-એ બનાવટી વૈરાગ્ય. સંસારમાં દુઃખ આપવું પડે છે માટે સંસાર નથી જોઈતો - આનું નામ નક્કર વૈરાગ્ય. સામાના ગમે તેટલા અપરાધ હોય છતાં અપરાધીને સજા આપવાનો અધિકાર આપણો નથી. એ અધિકાર તો એના કર્મનો છે. (૧પર)

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162