Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 157
________________ સ. એક નંબરનો નહિ હોય. લાઈસન્સ હતું એની પાસે. તમારે જેટલી દલીલ કરવી હોય તેટલી કરી લો, નીચે કોઈ દલીલ નહીં ચાલે. ત્યાં ગયા પછી ગમે તેટલું સદ્વર્તન બતાવશો તોપણ તમારું દુર્વર્તન માફ નહિ થાય. ક્ષાયિક સમ્યત્વ લઈને ત્યાં જાય તોપણ દુઃખ ઓછું ન થાય. દુઃખ ઓછું લાગે, આર્તધ્યાન ન થાય, શાંતિથી વેઠી લે – એ જુદી વાત. બાકી તો નિકાચિત અશાતા અને નિકાચિત આયુષ્ય હોય છે. સંયમમાં સુસ્થિત થવું હોય તો આ બે પાયા મજબૂત કરી દો કે વગર અપરાધે પણ કોઈ દુઃખ આપે તો સહી લેવું છે અને કોઈ ગમે તેટલો મોટો અપરાધ કરે તો પણ તેને દુઃખ આપવું નથી. પ્રતીકારની ભાવના ટાળવી છે અને સહનશક્તિ કેળવવી છે. આ બે સંયમમાં સુસ્થિત થવાના ઉપાય છે. જે બાહ્ય અને અભ્યન્તર સંયોગોથી વિપ્રમુક્ત હોય તે જ સંયમમાં સુસ્થિત થઈ શકે. આથી સંયમમાં સુસ્થિતાત્મા પછી બીજું વિશેષણ વિપ્રમુક્ત આપ્યું છે. બાહ્ય સંયોગો હોય કે અભ્યન્તર, અનુકૂળ સંયોગો હોય કે પ્રતિકૂળ : કોઈ પણ સંયોગોમાં લેપાયું નથી. કારણ કે આ સંયોગોમાં લેપાય, પૂર્વપરિચિત માતાપિતાદિ કે પશ્ચાત્ પરિચિત વેવાઈ-વેવાણ વગેરેના મમત્વમાં તણાય તે સંયમ પાળી ન શકે. રાગ-દ્વેષને આધીન થવાથી અને તેના સાધનને આધીન થવાથી સંયમ સચવાતું નથી. જે છોડીને આવ્યા, મૂકીને આવ્યા તે પાછું જોઈતું ન હોય તેને વિપ્રમુક્ત કહેવાય. એક વાર ઈચ્છા જાગે તો અસ્વસ્થતા આવ્યા વિના ન રહે. જેને કશું જોઈતું નથી તેની સ્વસ્થતા ક્યારે ય હણાતી નથી. સાધુભગવન્ત કાયમ માટે સુસ્થિત હોય છે તેનું કારણ એક જ છે કે તેમને આ દુનિયાની એક પણ ચીજ જોઇતી નથી. એક છોડ્યા પછી બીજાની અપેક્ષા જાગે એવા સાધુઓ ન હોય. જે મળ્યું હોય તે છોડી દે, નથી મળ્યું તે જોઈતું નથી, જે છોડ્યું છે તે ય નથી જોઈતું એવા સાધુભગવન્ત હોય. ઘરમાં માતાપિતા, ભાઈ-બહેન, પત્ની-પુત્રાદિની લાગણી મળતી હતી છતાં તે છોડીને આવ્યા. હવે અહીં ગુરુભગવન્તની લાગણીની અપેક્ષા નથી રાખવી : આનું નામ સંયોગથી વિપ્રમુક્ત. સ. ગુરુને લાગણી ન હોય તો સંયમમાં આનંદ ન આવે ને ? જેને સંસારની લાગણી ન હોય તેને સંયમમાં આનંદ આવે. ગુરુને લાગણી કેવી છે એ નથી જોવાનું, ગુરુની આજ્ઞા કઈ છે – એ જોવાનું છે. આપણી પ્રત્યે ગુરુને કેવો (૧૫૪)

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162