________________
' તૃતીય શ્રી ક્ષુલ્લકાચારકથા અધ્યયન -
આત્માનો સ્વભાવ ગમે તેટલો શુદ્ધ હોય તો પણ તે કર્મથી આવરાયેલો હોવાથી તેને પ્રગટાવવા માટે પ્રયત્ન કર્યા વગર નહિ ચાલે. આત્માના એ શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા માટે શુદ્ધ ધર્મની જરૂર છે. આ શુદ્ધ ધર્મનું સ્વરૂપ સમજાવવા માટે જ મહાપુરુષોએ આગમની રચના કરી છે. તેમાંથી આ શ્રી દશવૈકાલિક સૂત્ર આ પાંચમા આરાના છેડા સુધી રહેવાનું છે. સામાન્યથી આગમસૂત્રો ભણવાનો અધિકાર ગૃહસ્થોને નથી. સાધુભગવન્તોને પણ યોગોદ્વહન કર્યા બાદ તે તે સૂત્ર ભણવાનો અધિકાર મળે છે આમ છતાં મહાપુરુષોએ હિતબુદ્ધિથી કરુણા કરીને આ સૂત્રનાં ચાર અધ્યયનો ભણવાનો અધિકાર ગૃહસ્થોને પણ આપ્યો છે. તો આજે નક્કી કરવું છે કે આ ચાર અધ્યયન, સૂત્ર અને અર્થથી કંઠસ્થ કર્યા વિના નથી રહેવું. આ સૂત્રના પ્રત્યેક અધ્યયનમાં સાધુપણાનું સ્વરૂપ આંખ સામે આવ્યા વિના ન રહે એવું છે. આ સૂત્રના અર્થ સાંભળ્યા પછી સાધુ કોને કહેવાય એ સમજાવવાની જરૂર ન પડે. ઘણા કહે છે કે સાધુના આચાર શ્રાવકને શા માટે સમજાવવા. આપણે કહેવું છે કે આ પ્રાપ્ત ગુણને પ્રાપ્ત કરવા માટે જ શાસ્ત્રનો આરંભ છે. શ્રાવકને શ્રાવકના આચાર પ્રાપ્ત જ હોય તેથી તે સમજાવવાની જરૂર નથી. આથી જ શ્રાવકની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે સાધુનાં સમીપે સાધુસમાચાર શુતિ તિ શ્રાવ: સાધુઓની પાસે સાધુની સામાચારી સાંભળે તેનું નામ શ્રાવક. સંસારથી ભાગી છૂટી સાધુ થવા ઈચ્છે તે શ્રાવક. આ સંસાર છૂટી જાય અને સર્વવિરતિની ઉપાસના એ રીતે કરાય છે જેથી જીવનની પ્રત્યેક પળ સર્વવિરતિથી વાસિત બની જાય, તો આપણું જીવન ધન્ય બન્યા વગર ન રહે. જેને દીક્ષા યાદ ન આવે, તેનું જીવન તદ્દન વ્યર્થ છે – એમ સમજવું. રોજ બાંધી નવકારવાળી ગણનારને, નમો લોએ સવ્વ સાહૂણં બોલનારને સાધુપણું યાદ ન આવે? જે દિવસે સાધુપણું યાદ ન આવે તે દિવસ નકામો ગયો છે એવું લાગે ને ?
આ શ્રી દશવૈકાલિકસૂત્રના પહેલા દ્રુમપુષ્પિકા નામના અધ્યયનમાં આપણે અહિંસા, સંયમ અને તપ સ્વરૂપ ધર્મનું સ્વરૂપ અને મુખ્યત્વે સાધુની ભિક્ષાચર્યાનું સ્વરૂપ જોઈ ગયા. ત્યાર બાદ બીજા શ્રી શ્રમણ્યપૂર્વિકા નામના અધ્યયનમાં આપણે જોઈ ગયા કે આવા પ્રકારના ધર્મનો સ્વીકાર કર્યા બાદ નવદીક્ષિતને અવૃતિના કારણે સંયમમાં સંમોહ ન થઈ જાય તે માટે વૃતિ ધારણ કરવી જોઈએ. ધૃતિ હોય તો જ સંયમનું પાલન થઈ શકે. હવે આ શ્રી સુલ્લિકાચારકથા નામના ત્રીજા અધ્યયનમાં
(૧૪૬)