________________
હતા. સગાસંબંધીઓ વંદન કરવા માંડયા એટલે તરત નાના બાબાબેબીને ઓઘો બતાવીને પૂછવા લાગ્યા કે ‘ઓઘો લેવો છે ?’ આપણને કહેવાનું મન થઇ જાય કે હજુ આજે લીધો છે, આપવા ક્યાં નીકળ્યો ? તું જાતે પાળ તો ખરો ?' દુકાન ખોલો તો પહેલાં જ દિવસે કોઈને પૂછો ખરા કે પૈસા જોઈએ છે ? આપણે તો એ કહેવું છે કે જો ગૃહસ્થપણામાં જ આ બધું ભણીને આવ્યા હોય તેને ગુરુભગવન્તનાં વચન આકરાં ન લાગે ને ? ગુરુભગવન્ત ગમે તેટલા કઠોર હોય તોપણ શ્રી રાજીમતીજીજેવાં કઠોર વચન તો નથી બોલતા ને ? છતાં આકરું લાગે તો શું માનવું ?
સ. એ અમારું અજ્ઞાન.
ક્યારે ટાળવું છે ? જ્ઞાન મળ્યા પછી અજ્ઞાન ટળે-એવું નથી, સાન ઠેકાણે આવે ત્યારે જ અજ્ઞાન ટળે. જે સાધુસાધ્વી શ્રી રાજીમતીજીનાં વચનોને સુભાષિત માને તે ગુરુને કઠોરવચની કહી ન શકે. અહીં શ્રી રાજીમતીજીનાં વચનો દ્વારા શ્રી રહનેમિજી જે રીતે સંયમમાં સ્થિર થયા તે જણાવવા માટે એક નૂપુરપંડિતાનું કથાનક અહીં આપ્યું છે :
વસંતપુર નામના નગરમાં એક શેઠિયાની પુત્રવધૂ રહેતી હતી. એક વાર તે નદી ઉપર સ્નાન કરવા ગઇ હતી. સ્નાન કરતી એ વધૂને જોઇને ત્યાં આવેલો એક યુવાન તેના ઉપર ખૂબ જ રાગી બન્યો. તે વધૂ સાથે કાંઇક વાત કરતાં તેણીનો પણ પોતાની પ્રત્યે અનુકૂળ ભાવ છે – એ જાણી લીધું. પેલી સ્ત્રી તો પોતાના ઘરે ગઇ, પણ આ તેણીના વિરહને ખમી શકતો નથી. આથી ત્યાં રહેલા યુવાન લોકોને આજુબાજુના ત્યાંના ઝાડ ઉપરથી ફૂલફળો આપીને ખુશ કર્યા. અને તેમની પાસેથી પેલી વધૂનું નામઠામ જાણી લીધું. એ સ્ત્રીને પોતાને વશ કરવા માટે એક સંન્યાસિનીને સાધી. એ સંન્યાસિનીને પોતાના ઘરે લઇ ગયો. સારામાં સારી ભિક્ષા આપી. આથી સંન્યાસિનીએ પ્રસન્ન થઇને કહ્યું કે – તમારું કાંઇ કામ હોય તો કહો. સંન્યાસી અને સાધુસાધ્વીમાં આટલો ફરક છે. સાધુસાધ્વીજી આવું ન કરે. તમે ગમે તેટલી ભક્તિથી પાત્રાં ભરો તોપણ અમારાથી એમ ન કહેવાય કે - ઉપાશ્રયમાં જઉ છું, કાંઇ કામ છે ? તમને પણ સાધુસાધ્વીના આ આચારની ખબર હોય ને ? આજે ઘણા લોકો આવા આચારથી અજાણ હોવાથી અમને મુશ્કેલીમાં મૂકી દે છે. ગામની બહાર સ્કૂલની બાજુમાં ઉપાશ્રય હોય અને અમે ગામમાં વહોરવા જઇએ ત્યારે બહેન કહે કે તમે ઉપાશ્રયમાં જાઓ છો તો મારા બાબાને સાથે સ્કૂલમાં લેતા જાઓ ને ?
...
(૧૩૭)