________________
તેઓ અગ્નિમાં બળી મરવાના ભયે વસેલું વિષ પાછું ચૂસી લે છે. જ્યારે અગંધનકુળના સર્પો અભિમાની હોવાથી બળતા અગ્નિમાં પ્રવેશ કરે છે પણ વમેલા વિષને પાછું ચૂસતા નથી. આ રીતે તિર્યંચગતિમાં રહેલા પણ જો અભિમાનમાત્રથી જીવિતની આશા મૂકી મરી જવાનું પસંદ કરે છે, પણ વમેલા વિષને ગ્રહણ કરવાની ઈચ્છા કરતા જ નથી તો હું શ્રી જિનવચનનો જાણકાર થઈને વમેલા ભોગોને ફરી કઈ રીતે ગ્રહણ કરું ? એના કરતાં તો મરી જવું સારું !... આ પ્રમાણે વિચારીને સાધુભગવન્તો પોતાના મનને સંયમઘરમાંથી બહાર જતાં રોકી રાખે છે. જે પ્રતિજ્ઞા અંગીકાર કરી તેનો ભંગ, પ્રાણ કંઠે આવે તો પણ નથી કરવો – આટલું નક્કી રાખે તેનો વિસ્તાર થયા વિના ન રહે. જે છોડ્યું તે કાયમ માટે છોડ્યું - એમ સમજવું. માતાપિતા, પત્ની, પુત્ર, સગાસંબંધી પરિવાર, પૈસો વગેરે છોડ્યા પછી, તેના પ્રત્યેનું મમત્વ મૂક્યા પછી તેમનું કામ કોઈ પણ રીતે ન પડે – એ રીતે જીવવું છે. જે છોડ્યું તેને પાછું નહિ ઇચ્છીએ આટલી તૈયારી જેની હોય તેને સાધુપણું અપાય. દીક્ષા લેતાં શરીરની મમતા છોડી તો છોડી જાણવી. શરીર જાણે મડદું છે – એમ સમજીને તેની સારસંભાળ નથી લેવી. આજે સાધુપણું લીધા પછી ઉપરથી શરીરની મમતા વધી ને ? શરીરને ઘસારો ન પહોંચે, માટે કામ કરવાની વૃત્તિ ઘસાવા માંડી ને? પોતાનું કામ પોતે કરીને બીજાનું કામ કરવાની તૈયારી સાથે આવેલા આજે નાનાને કે મોટાને કામ ભળાવતા થઈ ગયા અને એમાં પાછું સંકોચજેવું પણ રહ્યું નથી ને? જે રત્નાધિકોને પૂજ્યભાવે જોતા હતા તેમને હવે સમાનભાવે - મિત્રભાવે જેવા માંડ્યા ને? આજે નિયમ આપી દઉ કે શક્તિ હશે તો રત્નાધિકની ભક્તિ કરીશું પણ આપણે તેમની પાસે કામ નથી કરાવવું! જેનો ત્યાગ કર્યો તેને ગમે તેવી બિમારીમાં પણ ઇચ્છવું નથી. જે બીજી વાર ઉપાડવાનું ન હોય તેને પૂછ્યું કહેવાય. એક છોડીને બીજું ઉપાડે તો તે છોડ્યું કહેવાય કે બદલ્યું કહેવાય ? આજે વમેલાને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ છે ને ? જેમણે સંસાર છોડ્યો, ઘર છોડ્યું તેમણે ફૂલેટ વસાવવાની શરૂઆત કરી ! જેઓ ઘરના હિસાબ મૂકીને આવ્યા હતા તેમણે કરોડોના હિસાબ રાખવાના શરૂ કર્યા!
સ. એક કલાકમાં તેર કરોડ ભેગા કર્યા. અમારે ત્યાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન મળે એમ છે – શું જોઈએ છે ?
(૧૧૭)