________________
શ્રીમદ્ રાજચંદ્ર પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે; અને એ સર્વનો દોષ અમને છે કે હરિને છે, એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ. –જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે; અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઇચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઈચ્છાનું કારણ છે.