________________ નિશ્ચય એ પણ આત્મપરિણતિરૂપ જ્ઞાન સહકૃત છે. વ્યવહાર એ પરિણતિનો ઉત્પાદક-વર્ધક-રક્ષક છે. નિશ્ચય એ મોક્ષ છે, મોક્ષમાર્ગ છે. વ્યવહાર જે નિશ્ચયપ્રાપક છે તે પણ મોક્ષમાર્ગ છે. બાહ્યમાં ભલે ક્રિયા, તપ કે વ્યવહારમાં વિશેષ ઊંડાણ જોવાતું ન હોય, છતાં તે ત્રણે જ્ઞાનીને પરતંત્ર હોય, જ્ઞાન સહકૃત હોય, જ્ઞાનની રુચિવાળા હોય તો તે મોક્ષમાર્ગ તરીકે મનાય. ક્રિયાથી જ્ઞાન આવે, તપથી ભાવના અને સ્વાધ્યાય આવે, તેમજ વ્યવહારથી નિશ્ચય આવે. માટે બાહ્ય વ્યવહારમાં ક્રિયા, તપ અને વ્યવહાર જ પ્રધાન બને. તેનાથી આંતરિક ગુણો રૂપ આંતરિક મોક્ષમાર્ગ પ્રગટે. અસદ્ આચારથી જેમ ઔદયિક ભાવો ઉત્પન્ન થાય છે, તેમ સદ્ આચારથી ક્ષયોપશમભાવ ઉત્પન્ન થાય અને એની પરાકાષ્ટા ક્ષાયિક ભાવમાં પરિણમે છે. માટે પરમાત્માએ જ્ઞાન ભેગી ક્રિયા મૂકી, સ્વાધ્યાય ભેગો તપ મૂક્યો, નિશ્ચય સાથે વ્યવહાર બતાવ્યો. જેના જીવનમાં સ્વાધ્યાય છે તે તપસ્વી છે. જેના જીવનમાં સ્વાધ્યાય નથી તે ગૌણ તપસ્વી છે. માટે સ્વાધ્યાયપૂર્વક તપ કરતા રહેવું. તપ કે અન્યયોગોમાં આગળ વધનાર તે તે યોગોમાં નબળા જીવો પર અરુચિ કરી શકે, પરંતુ સ્વાધ્યાયથી કેળવાયેલી પરિણતિવાળો અન્ય પર અરુચિ ન કરી શકે. કુરગડું મહાત્મા પર ચાર તપસ્વીઓને અરુચિ થઈ, પરંતુ કુરગડુને તે ચાર તપસ્વીઓએ ઘોર અકાર્ય કરવા છતાં તેમના પર અરુચિ ન થઈ તે પરિણતિનો જ પ્રભાવ. આમ તપથી જે પરિણતિ ઊભી ન થઈ શકે તે સ્વાધ્યાયથી ઊભી થઈ શકે. માટે સ્વાધ્યાય એ જ પ્રધાન મોક્ષમાર્ગ છે. તપ સહેલો છે, માત્ર કાયકષ્ટરૂપ છે, માનપ્રાપક છે જ્યારે જ્ઞાન કઠીન છે. મગજ કસવું પડે, બાહ્ય પ્રવૃત્તિઓ છોડવી પડે, પંચાત છોડવી પડે. તપસ્વી તપ કરી બાહ્ય પ્રવૃત્તિ કરી શકે. જ્ઞાનને વધારવા માટે પોષણરૂપ અને જ્ઞાનની અશુદ્ધ પરિણતિને સુધારવા દ્વારા શોધક તપ છે. માટે અશુદ્ધ કે અધૂરા જ્ઞાનીને તપ કરવો પડે, જ્યારે કેવળજ્ઞાનીને છેલ્લે અણસણ સિવાય નિત્ય ભક્ત હોય છે, કારણ જ્ઞાનની પરાકાષ્ટા પ્રાપ્ત થઈ ગઈ છે.