________________ જે જ્ઞાન સંદિગ્ધ-ભ્રમ-વિપરીતરૂપે હોય, પરિણતિ વગરનું હોય, જ્ઞાનના કાર્યને કરતું ન હોય, બીજા જ્ઞાનીને સ્વીકારતું ન હોય, જ્ઞાનના અનુસાર વર્તવાની તૈયારી કે ભાવનાવાળું ન હોય તે વસ્તુસ્થિતિએ જ્ઞાન નથી અને મોક્ષમાર્ગ પણ નથી. સંદિગ્ધ વગેરે જ્ઞાનથી કાર્ય સફળ ન થતા વિપરીત કાર્ય થાય. પરિણતિ એટલે જ્ઞાન જેવું જણાવે તેવી સચોટ માન્યતા-શ્રદ્ધા-હેય વસ્તુને જ્ઞાન દ્વારા હેયરુપે બતાવવા છતાં તેવી માન્યતા-શ્રદ્ધા-સંવેદન ન હોય તો હેય તરીકેનું જ્ઞાન એ વાસ્તવમાં જ્ઞાન નથી, પણ પોપટપાઠ છે. જ્ઞાનનું કાર્ય પાપથી નિવૃત્તિ, પશ્ચાત્તાપ, સાવધાની, ધર્મકાર્યમાં સાનંદ પ્રવૃત્તિ, ઉલ્લાસ, બીજાના કાર્યમાં સહાયકતા, અનુમોદના વગેરે હોય. જ્યાં આવું ન જણાય ત્યાં જ્ઞાનનું કાર્ય ન હોવાથી તે સમ્યગૂજ્ઞાન નથી. જે જ્ઞાની બીજા જ્ઞાનીને સ્વીકારે નહિ તેને પોતાનું જ્ઞાન સંપૂર્ણપણે સત્ય છે તેવો વિશ્વાસ નથી, બીજાનો અપલાપ છે, પોતાનું અભિમાન છે. સર્વજ્ઞ ક્યારે પણ બીજા સર્વજ્ઞનો અપલાપ નથી કરતા, માટે જ આગમગ્રંથોમાં અવારનવાર શબ્દ વપરાયો છે, “ત્તિબેમિ” જેનો “આમ હું અને અનંતા તીર્થંકરદેવો કહે છે,” તેવો અર્થ કરેલ છે. જેને બીજા જ્ઞાનીનો supporન હોય તેવા છવાસ્થનું જ્ઞાન પ્રમાણભૂત બનતું નથી. આ વાતને સૂક્ષ્મતાથી સમજવી. માટે જ શાસ્ત્રમાં વિધિ બતાવી કે ગીતાર્થ બીજા ગીતાર્થને વાત જણાવે, પૂછે. તે વિધિ જેમાં ન હોય તે જ્ઞાન મોક્ષમાર્ગરૂપ બનતું નથી. જ્ઞાન આત્મસ્વરૂપમાં રહેવા માટે તથા રાગ-દ્વેષના નિગ્રહ માટે છે. તેથી તે જ જ્ઞાન સાચું કહેવાય, જે આત્મસ્વરૂપ પ્રાપ્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ અને રાગદ્વેષ-મોહ-અજ્ઞાનના કારણોથી નિવૃત્તિ કરાવે. સાથે સાથે અશક્ય પરિસ્થિતિમાંઅશુભ પ્રવૃત્તિમાં પશ્ચાત્તાપ અને ઉદાસીનતા; શુભ પ્રવર્તનમાં આનંદ, અપ્રવર્તનમાં પશ્ચાત્તાપ વગેરે ભાવો પેદા કરાવે. આવું આત્મસંવેદન પ્રગટાવે તે જ જ્ઞાન મોક્ષમાર્ગ બની શકે. જ્ઞાનાભ્યાસ અને ભાવનાથી ક્રિયા શુદ્ધ-તીવ્ર અનુભવયુક્ત બને છે, જે મોક્ષ મેળવવા માટે પાવરફુલ બને છે. ભાવના વગર અને જ્ઞાનાભ્યાસ વગર ક્રિયા શુદ્ધ પરિણતિવાળી થતી નથી. તેથી તે મોક્ષમાર્ગ બનતી નથી. જીવમાં જે સંસાર અનાદિ કાળથી છે તે ક્રિયાથી કે જ્ઞાનથી? પાપબંધ અને પુણ્યબંધની તીવ્રતા ક્રિયાથી કે તે ક્રિયામાં ભળતા ચિત્તના ઉપયોગરૂપ આનંદથી?