________________ વિચારણા કરવા માટે વ્યવહારિક જ્ઞાન જોઇએ અને શાસ્ત્રીય જ્ઞાન પણ જોઈએ. જેટલું જ્ઞાન-ચિંતન-અનુભવ વિકસે તેટલી વિચારણા વિશદ-ચોક્કસકાર્યસિદ્ધિવાળી બને. તેથી જ ઉપદેશ પણ આ વિચારણા માટે છે, કથાઓ પણ હેયોપાદેય, કર્તવ્યાકર્તવ્ય વગેરે વિચારણાઓનો સ્પષ્ટ અને સંગીન બોધ કરાવવા માટે છે, શાસ્ત્રજ્ઞાન પણ વિચારણા-ચિંતન દ્વારા અનાદિકાલીન અશુભ, વિપરીત સંસ્કાર અને વિપરીત બોધયુક્ત વિચારણાઓથી વાસિત અંતઃકરણને સુધારવા માટે છે. આમાં પ્રજ્ઞાપનીયતા ગુણ સહાયક છે તેથી અજ્ઞાનજન્ય, મોહજન્ય, રાગ-દ્વેષની વૃત્તિજન્ય વિચારણાઓ એક સાઈડની (બાજુની) હોવાથી સર્વ પાસાને જોનારી નથી. આવી વિચારસરણી ધરાવનારને સાચી વિચારસરણી આપનાર મળે તો તે વાત સમજી શકે, પોતાની ભૂલ પકડી શકે અને સુધારી શકે. જેવી રીતે ગણિતજ્ઞ જો કદાગ્રહી હોય તો પોતાની ભૂલ ન સ્વીકારે, અને જો સરળ હોય તો જાતે ખ્યાલ આવે તો પણ સુધારે, અને બીજા બતાવે તો પણ સ્વીકારે-કબુલ કરે. એ જ રીતે દરેક બાબતમાં જે સારા વિચારક છે, આગળ પડતા છે તે અને જે ચાલું મધ્યમ કક્ષાના છે તે જે કાંઈ મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ સાહજિકપણે કે વિચારપૂર્વક કરે છે, તેમાં વિચારકતાના કારણે વિચારણાઓ અને પ્રવૃત્તિઓ સુધરે છે, તેમાં પણ પ્રજ્ઞાપનીયતાના કારણે વિશેષ દ્રષ્ટિ વિકસિત થાય છે. દરેક બાબતોમાં અસગ્ગહના ત્યાગપૂર્વક જે તત્વગવેષણરૂપ વિચારણા, તે પણ યોગના સંગ્રહરૂપ છે. આ પ્રકારમાં આત્મ જાગરિકા પણ આવે. “આત્મ જાગરિકા” એટલે આત્મા જાગે તે માટેની વિચારણા. રાત્રે સૂતા અથવા સવારે ઉઠતા અથવા રાત્રે ઉંઘ ઉડી જાય ત્યારે, અથવા અનુકૂળ કોઈ પણ સમયે વિચારણા કરવી કે (1) મેં શું કર્યું ? (2) મારું શું કાર્ય બાકી છે ? (3) હું શક્ય પણ શું નથી કરતો ? (4) બીજા મને કઈ રીતે જુએ છે ? (5) હું મારી જાતને કઈ રીતે જોઉં છું? (6) કઈ ભૂલો-કુટેવો હું નથી છોડતો ? આ અને આવું બીજું પણ વિચારવું. આ વિચારણાને આત્મચિંતા-આત્મ જાગરિકા કહેવાય. તે કરવાથી આત્મા જાગૃત બને, મોહ, અજ્ઞાન, રાગ-દ્વેષ, પ્રમાદ વગેરે ઘટે, ધર્મથી ભ્રષ્ટ કરે તેવા ઘણા કર્મો આ વિચારણાથી નાશ પામે છે, આત્માનો આરાધનામાં ઉલ્લાસ જાગે છે,