________________ બાહ્ય પ્રતિકૂળતામાં સહનશીલ હોય અને બાહ્ય અનુકૂળતામાં મમતાવાળું, ગળીયા બળદ જેવું ન હોય, ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ ભાવનાથી વ્યાપ્ત હોય તેને સમાધિ સુલભ બને છે. જ્યાં જેને અનુકૂળતા સારી લાગે તેને ત્યાં અસમાધિ જાણવી. આવા પરિણામને રોકવાથી, અટકાવવાથી, સુધારવાથી સમાધિ મળે છે. જીવનમાં પ્રતિકૂળતા વેઠવાથી, ભાવના દ્વારા અનુકૂળતામાં ન ઠરવાથી સત્વ વિકસિત બને છે. નિષ્કારણ નિરર્થક પ્રવૃત્તિઓ, વિશેષ ગુણ ન કરનાર પ્રવૃત્તિઓ, કષાયજન્ય પ્રવૃત્તિઓ, વિષય કષાયની વૃત્તિઓ, સ્નેહરાગ-દ્રષ્ટિરાગ વગેરે મોહજન્ય લાગણીઓ, અજ્ઞાનજન્ય લાગણીઓ, વાતવાતમાં ઓછું આવવું, દુઃખ લાગવું, રડવું વગેરે જીવનના દરેક પાસામાં જે સત્વહીનતા, ધર્મની ધર્મભાવનાની, આત્મબળની ગૌણતા, ઉપેક્ષા, દીનતા વગેરે દેખાય છે તે અસમાધિરૂપ છે અને જેના જીવનમાં આ અસમાધિ હોય તેને અંત વખતે ચિત્ત વ્યાક્ષેપ પ્રાયઃ આવે. માટે જીવનમાં જે ઉપરોક્ત ત્રણ કારણોથી સમાધિ, પ્રસન્નતા, શાંતતા જાળવી રાખે છે તેમને અંત વખતે બહુધા શુદ્ધિ અને સમાધિ મળે છે, ક્યાંક શુદ્ધિ ન હોય તો પણ સમાધિ અવશ્ય મળે છે. જે પારકી પંચાત, પરચિંતા, બહુમમતા વગેરેથી વ્યાપ્ત છે તેવા આત્માઓને સમાધિ દુર્લભ છે. માટે તપ-ત્યાગ-વૈરાગ્ય ભાવના, આચાર નિષ્ઠતા, વિવેક, ઉપશમ વગેરેથી સંપન્ન બની સમાધિ સહજ સિદ્ધ પ્રાપ્ત થાય એ જ શુભાભિલાષા. ' '