________________ તહેવ હિં તપઃ દ્વાર્થ' તપના બે પ્રકાર બતાવ્યા છે... (1) સત્ તપ અને (2) અસત્ તપ... આ જ રીતે કહેવાતા દરેક ગુણો અને શુભ પ્રવૃત્તિના બે ભેદ પડે-સત્ અને અસત્, જેમ પાપ પ્રવૃત્તિમાં-દોષોમાં દુઃખદાયકપણું અને દુર્ગતિદાયકપણું છે, માટે અસત્ કહેવાય, તેમ શુભ પ્રવૃત્તિ કે ગુણોમાં પણ વાસ્તવિક વિશિષ્ટ ગુણપ્રાપ્તિપણું ન થાય, મામુલી ફળથી અટકી જાય ત્યારે તેને પણ અસત્ કહેવાય છે. શુદ્ધ જ્ઞાનયુક્ત બાર પ્રકારનો તપ તે સત્ તપ છે, અને એનું ફળ કષાયોનો રોધ અને હાસ છે. ઉદયમાં આવતા કષાયોને જે અટકાવે તે રોધ કહેવાય અને કષાયો ઉદયમાં આવે જ નહિ કે અતિ મામુલી આવીને ચાલ્યા જાય તે હ્રાસ કહેવાય. જે તપમાં તેના પૂર્વ ઉત્તર કાળમાં પણ બ્રહ્મધ્યાન અને શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન હોય, અર્થાત્ શુદ્ધ આત્મા સિદ્ધાત્મા તેનું ધ્યાન, ભાવના અને લક્ષ હોય તે બ્રહ્મધ્યાન કહેવાય અને ઉપચારથી સિદ્ધ સ્વરૂપના કારણભૂત સંયમ, સ્વાધ્યાય વગેરેને પણ બ્રહ્મ કહેવાય. તેથી તે સંયમ સ્વાધ્યાયના લક્ષ સાથે જે તપ કરવામાં આવે તેને સત્ તપ કહેવાય. વળી આમાં શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન અને પૂજા હોય અર્થાત્ ગૃહસ્થોને શ્રી તીર્થંકર પરમાત્માની દ્રવ્યપૂજાપૂર્વક આજ્ઞા જાણવા, સમજવા અને શક્ય પાળવા દ્વારા આંશિક ભાવપૂજા પણ હોય, અને સાધુને દ્રવ્યપૂજા સામાન્યથી ન હોવા છતાં નામસ્મરણ, જાપ વગેરે સાથે આજ્ઞાપાલનસ્વાધ્યાય-સંયમ વગેરે હોય તો તે જિનેશ્વર દેવાની ભાવપૂજા છે. આ રીતે કષાયોનો રોધ, અટકાવ અને જિનાજ્ઞાનું લક્ષ જ્યાં હોય ત્યાં તપ શુદ્ધ છે, તથા કોઇપણ સત્ ક્રિયાઓમાં જ્યાં કષાયોનો નિગ્રહ અને સિદ્ધ સ્વરૂપના કે એના સાધનના લક્ષ સાથે આજ્ઞા પારતંત્ર-આજ્ઞાપાલનનું લક્ષ હોય તો તે ક્રિયા પ્રધાનતયા શુદ્ધ કહેવાય. બાકી વ્યવહારથી શુદ્ધ હોવા છતાં વાસ્તવમાં શુદ્ધિની ગૌણતા હોય અથવા અશુદ્ધપણું હોય. આ શુદ્ધિ ન હોય તેવા ઉપવાસ આદિ તપને લાંઘણ કહેવાય છે. અહીં લાંઘણનો અર્થ વિશિષ્ટ ફળનો અભાવ લેવો. સામાન્ય પુણ્યબંધ થાય. વિશિષ્ટ પુણ્યબંધ કે આત્મગુણો પ્રગટ ન થાય.