Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આ રીતે અનુયોગનો કીર્તિધ્વજ શ્રુતજ્ઞાન લહેરાવે છે અને દિવ્ય નાદથી કહે છે કે જેમ માટીથી બાંધેલું મકાન પૂર્ણ થાય ત્યારે લાદી વગેરેને સાફ કરનાર પણ માટી જ હોય છે, તેવી જ રીતે કર્મ બાંધનાર યોગ જ છે તેમજ કર્મ છોડનાર, તોડનાર આત્માના યોગ યોગ જ છે, તેના વડે જ કર્મ તોડી, આત્મામાં ઉપયોગ જોડી, જીવ શિવ થાય છે. સિદ્ધ થવા માટે "આવશ્યક અધિકાર" દર્શાવ્યો. તેના ઉપર નામ, સ્થાપના નિક્ષેપ, ત્રણ પ્રકારે દ્રવ્યનિક્ષેપ અર્થાત્ જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત તથા નોઆગમથી અને આગમથી ભાવનિક્ષેપ છે. જેનું લૌકિક અને લોકોત્તર રૂપે વર્ણન છે. નયના વાર્તાલાપના વૈભવ પૂર્વકના દ્વાર દર્શાવી શાસ્ત્રકારે ચૈતન્યના ગુણકીર્તન કરેલ છે.
દ્રવ્ય આવશ્યકમાં સંસારનો સંપૂર્ણ લૌકિક ક્રિયાકલાપ, મોહરાજાનું રાજ્ય કેટલું વિશાળ છે તેમાં પોલમપોલ કેવી ચાલે છે? તેના મિથ્યાત્વ અને અજ્ઞાન બે કુમારોને અવિરતિ દેવી કેવા લાડ લડાવે છે, તેના લાડકોડ પૂરા કરવાના વૈભવ વિલાસના કેવા રમકડા છે તે સંપૂર્ણ સંસારજન્ય કષાય વૃદ્ધિનું કારણ શરીર થકી જીવતા મોહમુગ્ધ જીવોનું આબેહૂબ લૌકિક આવશ્યકનું વર્ણન કર્યું.
ત્યાર પછી લોકોત્તરીય દ્રવ્યાવશ્યકનું જ્ઞાન કરાવ્યું, આવશ્યક સૂત્ર માત્ર રટાવી સાધુપણાનો વેશમાત્ર ન રહી જાય તેવું ભાન કરાવ્યું અને ત્યાર પછી ભાવાવશ્યકનું લોકાગ્રે પહોંચાડવાનું જ્ઞાન કરાવ્યું. સાધકની ક્રિયા સાધ્ય કેમ બને તેનો હૂબહુ ચિત્તાર રજૂ કર્યો છે;અનેક દષ્ટિકોણથી જોતાં શીખવાડી સાપેક્ષવાદનો સાક્ષાત્કાર કરાવ્યો. ત્યાંથી આગળ વધવા, પુરુષાર્થ-સ્વબળને જાગૃત કરવા સ્વાધ્યાયનો અભ્યાસ સતત રાખી કર્મક્ષય કરવા શ્રત પરિચિત કરવું જોઈએ.
ભવોભવના બાંધેલા કર્મને સાફ કરવા જ્ઞાતાદૃષ્ટા ભાવ કેળવવા શ્રુતનું આલંબન લેવું જરૂરી છે. તેથી બીજો અધિકાર "શ્રુત" રૂપે આવશ્યકનો અનુયોગ કર્યો તે શ્રુતનો અર્થ થાય છે– બોલવું, સાંભળવું, સંભળાવવું તે પરોક્ષ જ્ઞાન છે. આ જ્ઞાનને વ્યવહારમાં મૂકવું હોય ત્યારે વચનયોગ કરવો પડે તે વચનયોગ બનાવવા પુદ્ગલ દ્રવ્યસ્કંધ પર દ્રવ્યનો સહારો લેવો પડે છે. પુદ્ગલાસ્તિકાય ફક્ત પરમાણુના રૂપમાં શુદ્ધ દ્રવ્ય છે. તે પરમાણુ શુદ્ધ દ્રવ્યથી વચન અનુયોગ થાય નહીં તે પણ વિકૃત સ્વરૂપ અનંત સ્કંધ રૂપને ધારણ કરે અર્થાત્ એક પ્રદેશની વર્ગણાથી માંડીને અનંતાનંત પરમાણુઓના
30