Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
હલન-ચલન અને બધી ક્રિયાઓ જેમાં ઘટિત થતી હોય તેવું “કાલક્રમ’ છે, પરંતુ સંધ્યા ટાઈમે આ બધા “ક્રમણ” ઉપર દષ્ટિપાત કરી, પછી ભલે તે સાંસારિક ક્રિયાઓ હોય, આવશ્યક-અનાવશ્યક ક્રિયાઓ હોય, મન, વચન, કાયાથી ઉપજતી સહજ ક્રિયાઓ હોય, તે બધી ક્રિયાઓમાં અનુચિત દોષ પ્રધાન પાપાશ્રવ થાય છે. બીજા કોઈ વિશેષ કર્મબંધન થાય તેના ઉપર દષ્ટિપાત કરી, તેનું ચિંતન કરી, તેમાં જે કાંઈ અનૌચિત્ય છે, તેનું વિસર્જન કરી, આત્માને તે દઢીભૂત દોષોના ગહેરા પરિણામથી વિમુક્ત કરી, ક્ષમાયાચના કરી, સર્વજ્ઞ પ્રભુ અરિહંતની સાક્ષીએ સાચું સમર્પણ કરવું તે ભાવપ્રતિક્રમણ છે, દ્રવ્ય પ્રતિક્રમણ પણ છે અર્થાત્ પ્રતિક્રમણની સમૂચી ક્રિયા તેમાં સમાયેલી છે. જે અનુચિત ક્રમણ છે. તેનો પ્રતિરોધ કરવો, પ્રતિવાદ કરવો, તે પ્રતિક્રમણ છે. આ રીતે પ્રતિક્રમણ શબ્દના અર્થમાં ડૂબકી મારી અને પ્રભુ પ્રત્યેનું જે કાંઈ “ક્રમણ” છે અર્થાત્ તેમના ચરણે જવાથી જે કાંઈ ગતિશીલતા છે તેમાં દોષોનું નિવારણ કરી ગુણાત્મક વૃદ્ધિ કરવી તે પણ પ્રતિક્રમણ છે. અમે આ પ્રકરણ પૂરું કરીએ તે પહેલા કેટલીક હૃદય ઉર્મિની અભિવ્યક્તિ કરી વિરમશું.
આજે ઘણો હર્ષ થાય છે કે એકથી લઈ બત્રીશ મંઝિલને પાર કરી અંતિમ આવશ્યકશિખરનો સ્પર્શ થઈ રહ્યો છે અને આજે નવ વરસથી લગાતાર આગમ ઉપાસક, ત્યાગી વર્ગ જેઓએ આ કાર્યમાં જોડાઈને અદ્ભુત પરાક્રમ કર્યું છે. તે બદલ લાખ લાખ અભિનંદન પણ ઓછા પડે છે અને આ ભગીરથ પ્રયાસ માટે કશું કહેતા હૃદય ઉલ્લસિત થઈ જાય છે. આપ સહુનો સંકલ્પ પરિપૂર્ણ થઈ રહ્યો છે અને જેમાં માંધાતાઓએ, ધનધારીઓએ અને જ્ઞાનદાતાઓએ જે કાંઈ સહયોગ આપી શૃંખલાબદ્ધ આગમ શ્રેણીનું પ્રકાશન ચાલુ રાખ્યું અને ગુજરાતી ભાષામાં સાહિત્યિક દૃષ્ટિએ સંપૂર્ણ ગુજરાતમાં જેનો અભાવ હતો તેવી વિશિષ્ટ જૈન આગમબત્રીસીરૂપ ગંગા રાજકોટને આંગણે વહી અને જેમ નર્મદાના પાણી ગુજરાત, કચ્છ, કાઠિયાવાડના ગામડે-ગામડે પહોંચ્યા તેવી રીતે આ જ્ઞાનગંગા ગોંડલગચ્છનું નામ ઉજ્જવળ કરતી મસ્તકે મસ્તકે પહોંચશે અને વચનામૃત બની વરસશે, તેવો આ અવનવો પ્રયત્ન એક ઐતિહાસિક અપૂર્વ સત્ય બની રહેશે. આ પ્રયાસમાં ત્યાગી શ્રમણ અને શ્રમણી ભાવાત્માઓએ જે યોગ આપ્યો છે અને જ્ઞાન તપ નું આચરણ કરીને તપ તેજને શાસ્ત્રમાં અંકિત કર્યું છે તે માટે ફક્ત ગુજરાતનો જ નહી, ભારતનો સમગ્ર જૈન સમાજ સદા માટે આભારી બની રહેશે.
આવશ્યક સૂત્ર ઉપર અભિગમ લખતા “પ્રતિક્રમણ એટલે શું?” તેનું વિવેચન કરી, આ આગમ શિખરની અંતિમયાત્રા પર સહભાગી બનવા માટે આપે જે અવસર આપ્યો છે તે બદલ હાર્દિક ધન્યવાદ આપતા અપાર હર્ષનો અનુભવ થયો છે... એજ.. આનંદ મંગલમ્
જયંત મુનિ પેટરબાર