Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આવશયક-૧: પ્રાકથન
:
પ્રથમ આવશ્યક | પ્રાક્કથન % % % % % % % %
છ આવશ્યકમાં પ્રથમ આવશ્યક સામાયિક છે.
તેમાં મંગલાચરણ રૂપે નમસ્કાર મહામંત્ર અને સામાયિકના પ્રતિજ્ઞાસૂત્ર કરેમિ ભંતે આ બે પાઠનો સમાવેશ થાય છે.
વ્યાખ્યાકારોએ ઉપાદ્યાત રૂપે આવશ્યકનું સ્વરૂપ વગેરે વિષયોનું વર્ણન અને ત્યાર પછી નમસ્કાર મહામંત્ર દ્વારા મંગલાચરણ કર્યું છે. નમસ્કાર મહામંત્ર :- ધર્મનો પ્રારંભ “નમો’ અર્થાત્ અહંકારના ત્યાગપૂર્વક મહાપુરુષોને નમસ્કાર કરવાથી થાય છે. તેમાં કોઈ પણ સાંપ્રદાયિક ભેદભાવ વિના કે જાતિ કે વેષના ભેદ વિના માત્ર ગુણપુજાનું જ મહત્ત્વ છે. જે મહાન આત્માઓ પરમપદમાં, ઉચ્ચ સ્થાનમાં સ્થિત છે, તે પરમેષ્ઠી કહેવાય છે. તેવી ગુણાત્મક પાંચ શ્રેણીઓમાં સ્થિત આત્માઓને નમસ્કાર કરાય છે.
આ મહામંત્રના અનેક પ્રસિદ્ધ નામો છે, જેમ કે નમસ્કારમહામંત્ર, નવકારમંત્ર, નમસ્કારમંત્ર, પરમેષ્ઠીમંત્ર છે.
મુમુક્ષુઓ સાધના ક્ષેત્રમાં આ મહામંત્રને મહત્વપૂર્ણ સ્થાન આપે છે. આ મહામંત્ર નમ્રતા તથા ગુણગ્રાહકતાનું વિશુદ્ધ પ્રતીક છે. પોતાનાથી શ્રેષ્ઠ તથા જયેષ્ઠ આત્માઓને નમસ્કાર કરવાની પરંપરા અનાદિકાળથી અવિચ્છિન્ન પણે ચાલી આવે છે. અરિહંત પરમાત્માના બાર ગુણ છે, સિદ્ધ પરમાત્માના આઠ ગુણ છે, આચાર્ય ભગવંતના છત્રીશ ગુણો છે, ઉપાધ્યાયજી ભગવંતના પચીશ ગુણો છે તથા સાધુ-સાધ્વી ભગવંતના સત્યાવીસ ગુણો છે. આ ગુણોથી યુક્ત પાંચે ય પદોના વાચ્ય મહાન આત્માઓને કરેલા નમસ્કાર આ નશ્વર સંસારથી મુક્તિ પ્રાપ્ત કરાવી શાશ્વત શિવ-સુખ પ્રદાન કરે છે.
જિનશાસન જિન બનવાની સમગ્ર સાધના શીખવે છે. પરમેષ્ઠી મંત્ર દ્વારા સાધનાનો ક્રમ સ્પષ્ટ થાય છે. સાધનાનો પ્રારંભ સાધુ પદથી થાય, સાધક સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ, પંચ મહાવ્રતના પાલન સહિત સાધુપણાનો સ્વીકાર કરીને આત્મશુદ્ધિની સાધના માટે ઉપસ્થિત થાય, ત્યાર પછી જિનપ્રરૂપિત શાસ્ત્ર અધ્યયન અને અધ્યાપન કરતાં પોતાના સાધના માર્ગને સ્પષ્ટરૂપે જાણતાં આગળ વધે છે અને ઉપાધ્યાય પદને પ્રાપ્ત કરે છે, શાસ્ત્ર અધ્યયનનું ફળ આચાર શુદ્ધિ છે. સાધક સ્વયંના વૈભાવિક ભાવો રૂ૫ અનાચારોને દૂર કરતાં, શુદ્ધ આચાર પાલનમાં પરિપકવ થાય છે. શુદ્ધ આચારની પરિપક્વતાથી જ તે સંઘના નાયક બની આચાર્યપદને પામે છે. ત્યાર પછી પણ તેની સાધના અવિરત પણે આગળ વધે છે. તે દિશામાં જ પુરુષાર્થ કરતાં રાગ-દ્વેષ રૂપ મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ કરી વીતરાગ દશાને પ્રાપ્ત કરી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, આ ત્રણે ઘાતિ કર્મોને નાશ કરીને, આ રીતે કુલ ચારે ઘાતિકર્મોનો ક્ષય થતાં અરિહંત પદને પામે છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, વીતરાગતા કે યથાખ્યાત ચારિત્ર અને અનંત આત્મિકશક્તિ રૂપ મુખ્ય ગુણ સંપન્ન આત્મા તીર્થંકર નામકર્મના ઉદયે જિનશાસનની, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી જૈનર્ધમની પ્રરૂપણા કરે છે.