Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-૨
| ૨૧૫ |
કે પ્રતિકૂળ સ્થિતિમાં પણ પ્રસન્ન ચિત્ત રહેવું, અધીર ન બનવું, અન્યની નિંદા કે અપમાન ન કરવા, સર્વ જીવોને પોતાના આત્મા સમાન પ્રિય સમજવા, ક્રોધ કે દંભથી કોઈને પીડા ન પહોંચાડવી, દીન-દુઃખીને જોઈ અનુકંપા લાવવી, તેઓને યથાશક્તિ સહાયતા કરવી, પોતાના સાથીની ઉન્નતિ જોઈને ખુશ થવું ઇત્યાદિ સુંદરમાં સુંદર પથ્યનું આચરણ કરવું અતિ આવશ્યક છે. આચાર્ય હરિભદ્રસૂરિજીએ સુપ્રસિદ્ધ ષોડશક ગ્રંથમાં સામાયિકના અધિકારીના લક્ષણો કહ્યા છે–
औदार्य दाक्षिण्यं, पापजुगुप्सायं निर्मलो बोधः ।
लिङ्गानि धर्म सिद्धिः प्रायेण जन-प्रियत्वं च ॥ (૧) ઔદાર્ય– ઉદારતા. સ્વાર્થવૃત્તિનો ત્યાગ કરી, પરમાર્થ વૃત્તિ કેળવી સર્વ જીવોને સુખી કરવાની ભાવના, તે ઔદાર્ય છે. (૨) દાક્ષિણ્ય-કુશળતા. પાપથી છૂટવાની ચતુરતા. (૩) પાપજુગુપ્સાપાપ પ્રવૃત્તિ પ્રતિ ધૃણાનો ભાવ, તે પાપજુગુપ્સા છે. જેને પાપ પ્રતિ જુગુપ્સા હોય, તે જ પાપનો ત્યાગ કરી શકે છે. (૪) નિર્મલબોધ– સામાયિક શું છે, તેની આરાધના કેવી રીતે કરાય, તેની મહત્તા શું છે? વગેરે વિષયોની સ્પષ્ટતા હોવી જરૂરી છે. ઉપરોક્ત ચાર ગુણોના ધારક, વિવેકી વ્યક્તિ જ સામાયિકની સાધના માટે યોગ્ય ગણાય છે.
આ રીતે સમજી શકાય છે કે સામાયિકના કાળ દરમ્યાન સાધકે અઢાર પાપસ્થાનનો ત્યાગ કરવાનો હોય છે. જે વ્યક્તિને પાપનું આકર્ષણ છૂટી જાય, તે જ વ્યક્તિ સામાયિકની આરાધના કરી શકે છે. શ્રાવકના બાર વ્રતમાં સામાયિક, તે નવમું વ્રત છે. પ્રાયઃ આગળના આઠ વ્રતના પાલનથી જેનું જીવન કંઈક અંશે સંયમિત અને નિયમિત બનેલું હોય, તેનામાં જ સામાયિકની યોગ્યતા પ્રગટી શકે છે. જેમ ચૂલે ચઢાવેલા વાસણમાં રહેલા દૂધને ઊભરાવા ન દેવું હોય, તો માત્ર ઉપરથી પાણીના થોડા છાટાં દૂધને શાંત કરે તે સંભવિત નથી પણ તેની સાથે નીચે રહેલા અગ્નિને પણ શાંત કરવો પડે છે.
જીવનના સમગ્ર વ્યવહારમાં છળકપટ, અભિમાન આદિ દુર્ગુણની આગમાં સંતપ્ત વ્યક્તિ કદાચ એકાદ સામાયિક કરવા બેસે. તો સામાયિક રૂપી પાણીના છાંટાથી તેના હૃદયમાં શાંતિ થતી નથી. માનસિક શાંતિ માટે દુર્ગણ રૂપી આગ દૂર કર્યા પછી સામાયિક રૂપી જળનો છંટકાવ થાય, તો જ તેનું ચિત્ત શાંતિનો, સમભાવનો આનંદ અનુભવી શકે છે.
સંક્ષેપમાં વિષયોથી પરાશમુખ સંયમી સાધક જ સામાયિકની યોગ્યતા ધરાવે છે અને તે જ સમભાવના આનંદની અનુભૂતિ કરી શકે છે. સામાયિકનું આસન - સામાયિકમાં સ્થિરતાની ખાસ આવશ્યકતા છે. અસ્થિર આસન મનની દુર્બળ તા અને ચંચળતાની નિશાની છે. યોગના આઠ અંગોમાં આસન ત્રીજું અંગ માનવામાં આવે છે. આસનથી શરીરમાં રક્તની શુદ્ધિ થાય છે અને તેથી સ્વાથ્ય સારું રહેવાથી ઉચ્ચ વિચારોને બળ મળે છે. મન ઉપર દઢ આસનનો ઘણો પ્રભાવ પડે છે. શરીર ઉપરનું નિયંત્રણ મનને નિયંત્રિત બનાવી શકે છે, તેથી સામાયિકમાં સિદ્ધાસન અથવા પદ્માસન આદિ કોઈ એક આસને સ્થિરતાપૂર્વક બેસવું જોઈએ. મસ્તક અને કમ્મરને ઝુકાવીને બેસવું નહિ. સામાયિકમાં દિશાનું મહત્વ - સામાયિક કરનારે પોતાનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ. શ્રી સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાનમાં શાસ્ત્ર સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ આદિ કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનો માટે પૂર્વ તથા ઉત્તર દિશાનું વિધાન છે. જ્યારે ગુરુ સન્મુખ બિરાજમાન હોય, ત્યારે તેમની સન્મુખ બેસીને આરાધના કરવી જોઈએ. ગુરુનું મુખ તે શિષ્યને માટે પૂર્વ દિશા જ છે.