Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
નામોનો ઉલ્લેખ છે. ૧. સામાયિક, ૨. ચૌવિસંથો, ૩. વંદના, ૪. પડિક્કમણ, ૫. કાઉસગ્ગ અને ૬. પચ્ચકખાણ. શ્રી અનુયોગદ્વારસૂત્રમાં છ એ અધ્યયનના ગુણનિષ્પન્ન નામનું (અર્થાધિકાર)કથન છે. તે ક્રમશઃ આ પ્રમાણે છે– ૧. સાવધયોગવિરતિ, ૨. ઉત્કીર્તન, ૩. ગુણવત્ પ્રતિપત્તિ, ૪. સ્ખલિત નિંદા, ૫. વ્રણ ચિકિત્સા, ૬. ગુણધારણા.
(૧) સામાયિક :– છ આવશ્યકમાં સામાયિકનું સ્થાન પ્રથમ છે. પાંચ ચારિત્રમાં સામાયિક ચારિત્ર પ્રથમ છે. દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્રનો પ્રારંભ સામાયિકથી જ થાય છે. સાધક સર્વ પાપસ્થાનથી નિવૃત્ત થઈને વિષમભાવનો ત્યાગ કરીને સમભાવની પ્રાપ્તિના લક્ષે સામાયિકમાં સ્થિત થાય ત્યાર પછી તેની સાધનાનો પ્રારંભ થાય છે. સાધકના વ્રત, તપ, જપ આદિ સર્વ અનુષ્ઠાનોની આરાધના સમભાવની પ્રાપ્તિ માટે જ છે, સમગ્ર સાધના સામાયિકને કેન્દ્રમાં રાખીને જ કરવાની હોય છે, તેથી જ આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિશેષાવશ્યક ભાષ્યમાં સામાયિકને ચૌદપૂર્વના અર્થપિંડ રૂપ કહે છે. આ રીતે સાધના માર્ગમાં સામાયિકની મુખ્યતાને સ્વીકારીને તેનું સ્થાન પ્રથમ છે.
(૨) ચૌવીસંથો :– સાવધયોગથી નિવૃત્ત થયેલો સાધક નિરવધયોગમાં પ્રવૃત્ત થવા માટે, સમભાવને ટકાવી રાખવા માટે તીર્થંકરોનું આલંબન સ્વીકારી અપૂર્વ ઉલ્લાસભાવે તેમની સ્તુતિ અને ભક્તિ કરે છે, તેથી બીજો આવશ્યક ચૌવીસંથો-ચતુર્વિંશતિસ્તવ છે. તીર્થંકરોની સ્તુતિ-ભક્તિથી ભક્તના અંતરમાં આધ્યાત્મિક બળનો સંચાર થાય છે અને તેના સહારે જ તે સાધના પથમાં ગતિ-પ્રગતિ કરી શકે છે.
(૩) વંદના :– સાધક તીર્થંકરોની સ્તુતિ કર્યા પછી પ્રત્યક્ષ ઉપકારી માર્ગદાતા ગુરુને વિધિપૂર્વક વંદન કરે છે, તેથી ત્રીજો આવશ્યક વંદના છે. વંદના આવશ્યકથી વિનયધર્મની આરાધના થાય છે. જૈનાગમોમાં વિનયને ધર્મનું મૂળ અને મોક્ષને તેનું ફળ કહ્યું છે. ગુરુવંદન દ્વારા સાધક પોતાની સ્વચ્છંદ બુદ્ધિને રોકીને નમ્ર બને છે અને ત્યારે જ તેનામાં પ્રતિક્રમણની યોગ્યતા પ્રગટ થાય છે. આ રીતે છ આવશ્યકમાં પ્રતિક્રમણ આવશ્યકની મુખ્યતા છે. પ્રથમ ત્રણ આવશ્યક તેની પૂર્વભૂમિકારૂપ છે.
(૪) પડિક્કમણ :– ત્રણ આવશ્યકની આરાધનાથી જેની ચિતવૃત્તિ શાંત અને નિર્મળ થઈ ગઈ છે, તેવો સાધક અંતરમુખી બની, અંતર નિરીક્ષણ દ્વારા પોતાના સ્થૂલ અને સૂક્ષ્મ દોષોનું શોધન કરીને સરળતાપૂર્વક આલોચના, નિંદા, ગહપૂર્વક તેનું પ્રતિક્રમણ કરે છે, તેથી ચોથો આવશ્યક પ્રતિક્રમણ છે.
પ્રતિક્રમણ સાધકની રોજનીશી છે. પ્રતિદિન સાંજે પોતાના હિસાબને ચોખ્ખા કરી લેનાર વ્યાપારી હંમેશાં લાભને પ્રાપ્ત કરે છે, તેમ ઉભયકાળ પોતાના દોષોનું શોધન કરીને પ્રતિક્રમણ કરનાર સાધક ઉત્તરોતર આત્મગુણોના લાભને પ્રાપ્ત કરે છે. (૫) કાઉસ્સગ્ગ :– પાપથી પાછો ફરેલો સાધક આત્માની વિશેષ શુદ્ધિ માટે, સૂક્ષ્મ
51