Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૦ |
શ્રી ભગવતી સત્ર-૨
વર્તમાન ભવનું અને આગામી ભવનું એમ બે ભવના આયુષ્યનું વેદન એક સાથે કરી શકે છે. પ્રભુનું મંતવ્ય :- પ્રત્યેક જીવ એક સમયમાં એક જ આયુષ્યનું વેદન કરે છે. જેમ જાળમાં એક તાર બીજા તાર સાથે એક દોરી બીજી દોરી સાથે જોડાય તેમ પ્રત્યેક જીવને તેના અનેક ભવોમાંથી એક ભવનું આયુષ્ય બીજા ભવના આયુષ્ય સાથે, બીજા ભવનું આયુષ્ય ત્રીજા ભવના આયુષ્ય સાથે તે રીતે ક્રમબદ્ધ સાંકળની કડીની જેમ જોડાયેલા હોય છે અર્થાતુ બે ભવોના આયુષ્યની વચ્ચે અંતર હોતું નથી. તેમ છતાં જે સમયે એક ભવના આયુષ્યનું વેદન સમાપ્ત થાય, તેના અનંતર(બીજા) સમયે બીજા ભવના આયુષ્યનું વેદન પ્રારંભ થઈ જાય. આ રીતે એક સમયમાં એક જ આયુષ્યનું વેદના થાય છે. આયુષ્ય કર્મની સત્તા - જૈન સિદ્ધાંતાનુસાર જીવ વર્તમાન ભવનું આયુષ્ય પૂર્ણ કરે તે પહેલાં બીજા ભવના આયુષ્યનો બંધ કરી લે છે. તેથી સત્તાની અપેક્ષાએ એક જીવને એક સમયમાં બે આયુષ્ય સંભવે છે. વેદન–ભોગવટાની અપેક્ષાએ એક આયુષ્યનું વેદન સમાપ્ત થાય ત્યારપછી જ બીજા ભવના આયુષ્યનું વેદન શરૂ થાય છે. આ રીતે વેદનની અપેક્ષાએ એક જીવને એક સમયે બે આયુષ્યનું વેદન થતું નથી.
અન્યતીર્થિકો અનેક જીવોના અનેક આયુષ્ય જોડાયેલા માને છે અને એક સમયમાં બે આયુષ્યનું વેદન માને છે તે યુક્તિ સંગત નથી. જો અનેક જીવોના આયુષ્ય જોડાયેલા હોય તો તે કોઈ એક જીવનું આયુષ્ય કહેવાય નહીં. અનેક જીવના આયુષ્ય જોડાયેલ હોય તો અનેક જીવોના જન્મ, મરણ આદિ એક સાથે જ થવા જોઈએ પરંતુ લોકમાં તેવું દેખાતું નથી. બધા જીવો મનુષ્યાદિ ભિન્ન-ભિન્ન આયુષ્ય ભોગવતા જોઈ શકાય છે માટે બધા જીવોના આયુષ્ય જોડાયેલા નથી.
એક સમયે બે ભવના આયુષ્યનું વેદન પણ સંભવિત નથી. મનુષ્ય ભવાયુના વેદનથી તે મનુષ્ય કહેવાય છે અને ત્યારે તે જીવ નરકાયુનું વેદન કરી શકતો નથી. એક સમયે એક જીવ મનુષ્યપણાને અને નારકીપણાને ભોગવી શકતો નથી. કારણ કે તે સર્વથા ભિન્ન છે.
પ્રત્યેક જીવ પોતાના વર્તમાન ભવનું જ આયુષ્ય ભોગવે છે અને તે આયુષ્ય તેની સાથે જ સંબદ્ધ હોય છે. તેના અનેક ભવોના પ્રત્યેક આયુષ્ય પરસ્પર સાંકળની કડીઓની જેમ પરસ્પર સંલગ્ન હોય છે. આ રીતે એક ભવના આયુ સાથે બીજા ભવનું આયુ, બીજા ભવના આયુ સાથે ત્રીજા ભવનું આયુષ્ય એમ ક્રમશઃ અનંત ભવોના આયુષ્ય શૃંખલાની જેમ પરસ્પર સંલગ્ન હોવા છતાં એક પછી બીજા તેમ ક્રમશઃ આયુષ્યનું વેદના થાય છે અને તેથી એક જીવ એક ભવમાં એક જ આયુષ્યનું વેદન કરે છે.
જો કે આગામી ભવનો આયુષ્યબંધ થયા પછી તે આયુષ્યનો પ્રદેશોદય ચાલુ થઈ જાય છે છતાં સૈદ્ધાંતિક દષ્ટિએ વિપાકોદયને જ વેદન કહેવાય છે. તેથી ખરેખર એક સમયમાં એક જ ભવના આયુષ્યનું વેદન થાય, તે સમીચીન છે. આયુષ્ય બંધના સ્થાન અને સમય - | २ जीवे णं भंते ! जे भविए णेरइएसु उववज्जित्तए से णं किं साउए