________________
અ૦ ૧]
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પરમ પૂજ્ય વાચકવર શ્રી ઉમાસ્વાતિભ્યો નમઃ સ્વ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિભ્યો નમઃ સ્વ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયહીરસૂરિભ્યો નમઃ પૂર્વધર પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રણીત શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર
(ગુજરાતી વિવેચન સહિત)
પ્રથમ અધ્યાય
જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો છે. ચાર પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થ જ ઉત્તમ હોવાથી મહાપુરુષો ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો જ ઉપદેશ આપે છે. આથી અહીં પૂર્વધર કરુણાસિંધુ પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રથમ મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરે છે. યદ્યપિ સર્વ પ્રથમ મોક્ષનો ઉપદેશ આપવો જોઈએ. કારણ કે જેને મોક્ષનું જ જ્ઞાન નથી તેને મોક્ષ મેળવવાની ઇચ્છા ન થાય. જેને મોક્ષ મેળવવાની ઈચ્છા ન થાય તેને મોક્ષમાર્ગને જાણવાની ઈચ્છા ન થાય. મોક્ષમાર્ગની જિજ્ઞાસા વિના મોક્ષમાર્ગનો ઉપદેશ નિરર્થક છે. જેને મુંબઈનું જ જ્ઞાન નથી તેને મુંબઈ જવાની ઇચ્છા નહિ થાય. જેને મુંબઈ જવાની ઇચ્છાના અભાવે મુંબઈના માર્ગની જિજ્ઞાસા નથી તેને મુંબઈના માર્ગનો ઉપદેશ આપવો નિરર્થક છે. પ્રથમ મુંબઈનું સ્વરૂપ, મુંબઈ જવાથી થતા લાભો વગેરે દૃષ્ટિએ મુંબઈનું જ્ઞાન કરાવવું જોઈએ. મુંબઈનું જ્ઞાન થયા પછી મુંબઈ જવાની ઈચ્છા પ્રગટે અને તેના માર્ગની જિજ્ઞાસા જાગે તો તેનો ઉપદેશ સાર્થક બને. તેમ પ્રસ્તુતમાં સર્વ પ્રથમ મોક્ષનું સ્વરૂપ, મોક્ષની પ્રાપ્તિથી થતો લાભ વગેરે દષ્ટિએ મોક્ષનો ઉપદેશ આપવો જોઈએ. મોક્ષના જ્ઞાનથી મોક્ષ મેળવવાની ઇચ્છા પ્રગટે છે. મોક્ષ મેળવવાની ઇચ્છાથી તેના માર્ગની જિજ્ઞાસા થાય છે. મોક્ષ માર્ગની જિજ્ઞાસા થતાં તેના ઉપદેશની અસર થાય છે.