Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 26
________________ જગતના જીવો શાંતિ મેળવવા માટે હિમાલયની ગુફામાં જાય છે. કોઇક જંગલમાં જઈ એકાંત શોધે છે. કોઇ આશ્રમ સ્થાનોમાં જઇ યોગસાધના કરે છે. પણ જયાં સુધી અનાત્મ પદાર્થોનું મમત્વ, પરમાં સ્વની કલ્પના નહિ ટળે, ત્યાં સુધી ચિત્તની શાંતિનો સંભવ નથી. ગમતી-અણગમતી વસ્તુના સ્વીકાર-ત્યાગના પરિણામ રૂપ અસ્થિરતાથી અશાંતિ થાય છે. આત્માના અનુભવ જ્ઞાનનો તરત નાશ થાય છે. પરંભાવના સંગથી વિક્ષોભ અને વ્યાકુળતા ઉત્પન્ન થતાં આત્મસ્વભાવમાં તન્મય બનેલા જ્ઞાન-રૂપી દૂધના કૂચા થઇ જાય છે. અસ્થિરતા એ લીંબુ કે આંબલી કે ખાટી વસ્તુ જેવી છે. આત્માનુભવરૂપ જ્ઞાન એ આત્મપુષ્ટિ કરનારું દૂધ છે. ખાટા પદાર્થના સંપર્કથી જેમ દૂધ તરત ફાટી જાય છે, તેના કુચા થઇ જવાથી બગડી જાય છે, તે રીતે અસ્થિરતા, ચિત્તની ચપળતા થવાથી આત્મ સમાધિમાં ભંગ થાય છે. અનુકૂળ વિષયો મેળવવાની તૃષ્ણા જાગે છે, તેને લઇને ચિત્તમાં અનેક સંકલ્પ-વિકલ્પો ઉત્પન્ન થાય છે, જે સમાધિજન્ય સુખના અનુભવનો સર્વથા નાશ કરે છે - મારા આત્મામાં જ અનંત સુખનું નિધાન રહેલું છે, આ વાત સર્વથા ભૂલીને આત્મા કાલ્પનિક સુખને શોધવા લાગે છે. મને આ અનુકૂળ મનગમતા પદાર્થો મળવાથી સુખ પ્રાપ્ત થશે, એવી ભ્રાંતિ થવાથી તે ઇષ્ટ પદાર્થો તરફ આકર્ષિત થાય છે, તેથી સમાધિજન્ય વિશુદ્ધ જ્ઞાન ચાલ્યું જાય છે. વળી પાછો મોહનો સંતાપ શરૂ થાય છે. જ્ઞાનદશા દૂર થાય છે, શાંતિ ભંગ થાય છે. તેથી હે ચેતન ! જો તું જ્ઞાન દશાને પ્રગટ કરી, મોહના સંતાપને દૂર કરીશ તો તું જયાં હોઇશ, જંગલમાં કે બજારમાં, ગુફામાં કે ગામમાં , ઉપાશ્રયમાં કે ચોપાટીના દરિયા કિનારે, સર્વત્ર તારું ચિત્ત શાંત હશે, સ્વસ્થ હશે. મોહના કારણે થતી ચિત્તની ડામાડોળ સ્થિતિને શાંત પ્રશાંત કરવી એ જ સહજ સમાધિની સાધના છે. ચેતન ! ચિત્ત શાંત બનતાં, સ્થિર થતાં તને તારા સહજ ગુણોનું દર્શન થશે. • પાળીએ સહજ ગુણ આપ રે : ચેતન ! તારા અંતરના ઓરડામાં અનંત ગુણરત્નો પડેલાં છે. આજ સુધી તેની તને ખબર નથી. “અપના ઘર માંહીય છે, મહા અમૂલ્ય નિધાન; તે સંભાળો શુભ પરે, ચિંતન કરો સુવિધાન.” | (સમાધિ વિચાર ૨૭૯) તારા ઘરમાં રહેલા ગુપ્ત નિધાનની તને જાણ નથી. એક એક રત્ન મહામૂલ્યવાન છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, વગેરે આત્માના સહજ ગુણો છે. આ આત્મગુણોનું રક્ષણ કરવું એ જ ધર્મ છે. આત્મગુણોનો ઘાત કરવો એ જ અધર્મ છે. - તારા ચિત્તની વિક્ષિપ્ત, અસ્થિર અવસ્થામાં તારા ગુણોને બહાર આવવાનો અવકાશ મળ્યો નથી. પણ હવે ચિત્તની ડામાડોળ સ્થિતિને દૂર કરી, તારા સહજ ગુણોનું પાલન, રક્ષણ કર અને આત્માના અમૃતનો આસ્વાદ કર. પછી તારી સુખની શોધ, અહીં જ વિરામ, પૂર્ણવિરામ પામશે; જે મેળવવા તું અનંતકાળથી ભટકી રહ્યો છે, તે તને તારા અંતરમાં જ મળી રહેશે. આત્માનો અમૂલ્ય ખજાનો લાધશે. કસ્તૂરીની સુગંધ બહાર નથી, નાભિમાં છે. તેમ સુખ બહાર નથી, તારી જ અંદર છે. એ પણ તારો સહજ ગુણ છે. “સહજ સ્વરૂપ જે આપનો, તે છે આપણી પાસ; નહીં કિસીકું જાચનાં, નહીં પર કી કીસી આશ.” (સમાધિ વિચાર ૨૭૮) ચેતન ! તું સુખમય છે. આનંદમય છે. સહજ સમાધિ • ૫૦ સહજ સમાધિ • ૫૧

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77