Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 55
________________ આકાશ કાદવથી મિલન થતું નથી, તેમ આત્મપ્રદેશોમાં અનંતાનંત કર્મ પુદ્ગલો પ્રવેશતા હોવા છતાં, આત્માના કેવળજ્ઞાન, અવ્યાબાધ સુખ વગેરે ગુણોનો નાશ કરી શકતા નથી માત્ર આચ્છાદિત કરે છે. ચેતન ! એક સનાતન સિદ્ધાંત જગતમાં છે કે જગતમાં જે છ દ્રવ્યો રહેલાં છે તે પરસ્પર એક બીજાના સ્વરૂપમાં પ્રવેશ કરતાં નથી. કર્મ પુદ્ગલો અને આત્મદ્રવ્યનો પરસ્પર સંયોગ સંબંધ થયો છે પણ તાદાત્મ્ય સંબંધ નથી. એકમેક બની ગયાં નથી. જેમ શરીર ઉપર વસ્ત્રનો સંયોગ થવાથી શરીરના અવયવો ઢંકાઇ જાય છે પણ વજ્ર દૂર થતાં પ્રગટ થાય છે, તેમ કર્મ પુદ્ગલોથી આત્મગુણો અવરાઇ ગયા છે પણ તે દૂર થતાં પ્રગટ થાય છે. દૃષ્ટિ દિવ્ય બને છે. અનુપમ સ્થિરતા પ્રાપ્ત થાય છે. તેનાથી સહજ સ્વરૂપની અનુભૂતિ કરી શકાય છે. ચેતન ! તારા અક્ષય અકલંક જ્ઞાનઆનંદમય સ્વરૂપને ઓળખી તું તારી જાતને હીન ન માનતો, ખરેખર તું મહાન છે. આકાશ કરતાં પણ તારા ગુણોની મહાનતા છે. અનંત ગુણ સંપત્તિનો તું સ્વામી છે. તારી ગુણ લક્ષ્મીને કોઇ ચોરી શકે એમ નથી કે કોઇ નાશ કરી શકે તેમ નથી. તેમજ કદી તે ખૂટે તેમ નથી પછી ફોગટ શા માટે ભય, શોક, ચિંતા, દીન-ભાવને ધારણ કરે છે ? ચેતન ! પરમાત્માનું અને તારું આત્મદ્રવ્ય સમાન છે. સત્તાએ તું પણ પરમાત્મા જ છે. નિશ્ચયથી ચૈતન્યજાતિની અપેક્ષાએ બધા જ જીવો એક છે. સમાન છે. આત્માના આઠ રુચક પ્રદેશો સદા નિરાવરણ જ રહે છે, તે પણ જો કર્મથી આવૃત્ત બની જાય તો જીવ, અજીવ બની જાય પણ એવું કદી બનતું નથી. ચેતન ! શુદ્ધ નય મુક્તિમાર્ગની દીપિકા છે. આત્માના શુદ્ધ સ્વરૂપની જ્યોતિને પ્રકાશિત કરે છે. વર્તમાન અવસ્થામાં એ જ્યોતિ કર્મમળથી આવૃત્ત થયેલી છે. સમ્યક્ પ્રયોગ દ્વારા તે કર્મમળને દૂર સહજ સમાધિ • ૧૦૮ કરી શકાય છે. ખાણમાં રહેલું સોનું માટીથી મિશ્રિત હોય છે, પણ અગ્નિના પ્રયોગથી મળ દૂર થતાં શુદ્ધ બની સ્વયં ચમકી ઉઠે છે, તેમ અહિંસા-સંયમ-તપ રૂપ ધર્મના સમ્યક્ પાલનથી કર્મમળ દૂર થઇ જાય છે અને આત્માની પરમ જ્યોતિ પ્રકાશિત બને છે. ચેતન ! શુદ્ધ આત્મ સ્વરૂપના અજ્ઞાનને કારણે જીવ રાગ-દ્વેષાદિ મિલન ભાવોથી ખરડાય છે અને ભવ દુ:ખને પામે છે. શુદ્ધ નયથી આત્મ-સ્વરૂપનું જ્ઞાન થયા વિના દુઃખનો નાશ શક્ય નથી. તેથી શુદ્ધ નિશ્ચયનયથી તું તારા અક્ષય, અકલંક, જ્ઞાનઆનંદમય સ્વરૂપને ઓળખ. તેમાં ઉપયોગ શુદ્ધ રાખ અને આત્મગુણનો અનુરાગ કરી, આત્માના ધ્યાનમાં લીન બન. જ્ઞાન અને શ્રદ્ધા વિના ધ્યાનયોગમાં પ્રવેશ થતો નથી. આત્મધ્યાનમાં પ્રવેશ કરવા અને સ્થિરતા પામવા પરમાત્માને ધ્યેય બનાવી, પરમાત્માનું ધ્યાન કર. પરમાત્માનું ધ્યાન એ આત્મ-ધ્યાન જ છે, કારણ કે સત્તાથી બંનેનું સ્વરૂપ સરખું છે. ધ્યાતા ધ્યેયની એકતા, ધ્યાન કરતાં હોય, આતમ હોય પરમાત્મા, એમ જાણે તે સોય.’ (સમાધિ વિચાર ૩૬૨) શુદ્ધ નયની અપેક્ષાએ આત્મ-સ્વરૂપના ધ્યાનમાં મગ્ન બનેલા આત્માને, પરમાત્મા સાથે એવી અપૂર્વ તન્મયતા સિદ્ધ થાય છે કે દ્વૈતભાવ ટકી શકતો નથી. અદ્વૈતમાં જ રમણતા-એકતા હોય છે. ‘શુદ્ધાત્મચેતના એ મોક્ષમાર્ગને બતાવનારી ઝળહળતી રત્નદીપિકા છે. સાધુઓનો અક્ષયનિધિ છે.’ (બત્રીસી) આવા અક્ષય-નિધિને ઓળખવા ચેતન ! તું જ્ઞાનદષ્ટિનો પ્રયોગ કર. પંચ-પરમેષ્ઠીનું સ્મરણ-ચિંતન-મનન-ધ્યાન કર. અરિહંતાદિ પંચપરમેષ્ઠિ એ ધ્યેય રૂપ છે. તેમનું સ્મરણ સદા સુખદાયી છે. આત્મા એ ધ્યાતા છે. છતાં ‘જ્ઞાનગુણ’ બંનેમાં સમાન હોવાથી, અપેક્ષાએ ધ્યેય સાથેનો અભેદ કાર્યકર બને છે. સહજ સમાધિ - ૧૦૯

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77