Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 68
________________ નથી કે તીક્ષ્ણ તલવારથી ભેદાતું-છેદાતું નથી, તેમ જ્ઞાનાનંદમય મારો આત્મા કર્મ વડે લેપાતો નથી કે વિવિધ શસ્ત્રોથી છેદાતો નથી કે ભેદાતો નથી, પણ સદા નિર્લેપ-અખંડ-અભંગ સ્વરૂપમાં જ રહે છે. નિર્મળ અરીસાની જેમ નિર્મળ ચેતનામાં સર્વ પદાર્થોનું પ્રતિબિંબ પડે છે. ત્રણે લોકના પદાર્થો જે નિર્મળતામાં પ્રતિભાષિત થાય છે તેનું વર્ણન કઇ રીતે થઇ શકે ? જિનાગમ દ્વારા મારા આત્માનું અદ્ભુત-અપૂર્વ સ્વરૂપ જાણીને આત્માનુભવમાં લયલીન બનવા હું પ્રયત્નશીલ બનું છું. આત્માનુભવ એ જ મોક્ષનું પ્રધાન સાધન છે. અનુભવજ્ઞાનના પ્રભાવે સઘળી દુવિધા પલાયન થઇ જાય છે અને નિજ સ્વભાવમાં અપૂર્વ સ્થિરતા પ્રાપ્ત થાય છે. માટે નિશ્ચયનયથી મારા આત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરી તેમાં જ તન્મય બનવા પ્રયાસ કરું છું. આત્માનું સ્વરૂપ : • આત્મા શાંતસુધા૨સનો કુંડ છે, જ્ઞાનાદિ ગુણરત્નોની ખાણ છે, અનંત સમૃદ્ધિનું ઘર અને શિવમંદિરનું સોપાન છે, આત્મા જ પરમદેવ છે. પરમ ગુરુ છે. પરમધર્મ અને પરમતત્ત્વ પણ આત્મા જ છે, આત્મા અનંત ગુણોનો ભંડાર, સદા સ્વરૂપમાં સ્થિત, ચિપ (ચિન્મય), ચિદાનંદ સ્વરૂપી છે, શિવ, શંકર, સ્વયંભૂ, પરમબ્રહ્મ પણ આત્મા જ કહેવાય છે. અનંતગુણ અને જ્ઞાનતરંગોથી યુક્ત આત્મા સાગરની જેમ મર્યાદા મૂકતો નથી. આ પ્રમાણે આગમકથિત આત્મસ્વરૂપનો અદ્ભુત મહિમા જાણી, પુદ્ગલનો રંગ તજી, નિજસ્વરૂપમાં મગ્ન થાઉં છું, એટલે પર પરિણતિને છોડી આત્મપરિણતિમાં રમણ કરું છું. આ શરીર વિનાશી પુદ્ગલનો પિંડ છે અને હું અવિનાશી ચેતનરાજ છું. શરીરને અન્યરૂપે પરિણમતાં કે વિખરાઇ જતાં વાર સહજ સમાધિ • ૧૩૪ લાગતી નથી. એવા શરીર ઉપર મમતા કોણ કરે ? હવે તો આ દેહમાંથી સર્વ વર્ણાદિ ઘટવા લાગ્યા છે, તેની સ્થિતિ પૂરી થઇ ગઇ હોય એવું લાગે છે, માટે હવે તે ટકી રહેશે એવી આશા રાખવી નકામી છે. હવે આ શરીર ઉપર મને રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. રાગ-દ્વેષના પરિણામથી અતિશય ભયંકર કોટીના અશુભ કર્મોનું સર્જન થાય છે, તેના ઉદયથી અત્યંત દુઃખદાયક નરકાદિ દુર્ગતિમાં વારંવાર ભટકવું પડે છે. • મોહનો મંત્ર : મોહાસક્ત જીવને તીવ્ર રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. હું અને મારું (દું અને મમ) એ મોહનો મહામંત્ર છે. અહંકાર અને મમકાર કરવાથી આત્મજ્ઞાન ભુલાય છે. મહામોહને વશ થઈ આત્મભાન ભૂલેલા જીવો ભૌતિક પદાર્થોને પોતાના માની અત્યંત મમત્વ ધારણ કરે છે. પર વસ્તુને પોતાની માનવાથી પારાવાર સંકલ્પ-વિકલ્પો ઉત્પન્ન થાય છે. વસ્તુની ઇચ્છા કરવામાત્રથી વસ્તુ મળી જતી નથી કે ચિંતા-શોક કરવાથી વિપત્તિ ટળી જતી નથી. છતાં અજ્ઞાની જીવ વ્યર્થ વિકલ્પ-ચિંતા કર્યા કરે છે. જિનવાણીના પ્રભાવે મને સ્વ-પરનો વિવેક પ્રાપ્ત થયો છે. તેથી બાહ્યભાવ-પરભાવથી ઉદાસીન બની સુખ-નિધાન નિજસ્વરૂપમાં મગ્ન બનું છું. શરીરની સાર્થકતા : આ શરીર શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં સાધનરૂપ છે. તેના દ્વારા માનવભવમાં ત્યાગ-વૈરાગ્ય-જ્ઞાનાભ્યાસ આદિની વૃદ્ધિ થઇ શકે છે. તેના દ્વારા આત્મગુણોની પ્રાપ્તિ થતી હોવાથી તેનું રક્ષણ કરવું જરૂરી છે. માટે મને શરીર ઉપર વૈરભાવ નથી, પરંતુ જ્યારે અનેક ઉપાયો કરવા છતાં તે નાશ પામવાની તૈયારીમાં હોય ત્યારે શરીર ઉપરના સ્નેહને છોડી આત્મગુણોના રક્ષણ માટે તત્પર બનવું જોઇએ ! સહજ સમાધિ * ૧૩૫

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77