Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 56
________________ ચેતન ! તારી સત્તામાં પણ નિત્ય અવિનાશી સહજ કેવળજ્ઞાન ગુણ રહેલો છે, નિશ્ચય-નયે તારો આત્મા સહજ શુદ્ધ સ્વરૂપી છે. અનંત ચતુષ્ટયનો ધારક છે. આજે તને સુંદર અવસર મળ્યો છે. સદ્દગુરુના સહયોગથી સુંદર સમજ મળી છે તો સમજના આ પ્રકાશમાં મનને સ્થિર કરી આનંદમય આત્મસ્વરૂપમાં તન્મય બની જા . ચેતન ! પરમાત્માના ધ્યાનમાં લીન બની શુદ્ધ ભાવનાનું શરણ લે. આત્મા સર્વ કર્મરહિત છે. સર્વજ્ઞ, શિવ, ભગવાન છે. તેમજ પરમેશ્વર પરમાત્મા જિનેશ્વર જિનરાજ અરૂપી દેવ છે. દ્રવ્યાર્થિકનયે આત્મા અને પરમાત્મા એક અને શાશ્વત છે. તેથી આત્મા પણ જ્ઞાન અને આનંદમય, અક્ષર, અવિકાર, અતીન્દ્રિય, નિષ્કલ, શાંત અને અક્ષયગુણી છે. પરપદાર્થ માત્રથી ભિન્ન છે. જેની નિર્મળ જ્યોતિમાં સર્વ જગત પ્રતિબિંબિત થાય છે, જે શુદ્ધ અષ્ટગુણયુક્ત છે, અણુથી પણ સૂક્ષ્મ અને આકાશથી પણ મહાન છે, એવા સર્વ જગતને પૂજય, નિર્ભય, અજર, અમર, સિદ્ધ સ્વરૂપના ધ્યાનથી સર્વકર્મમલ ધોવાઇ જાય છે અને પોતાના આત્મતત્ત્વની અનુભૂતિ થાય છે અને એકવાર પણ આત્માની અનુભૂતિ થતાં તત્ત્વદેષ્ટિ અત્યંત સ્થિર બની જાય છે. અંતરાત્મા જ ધ્યેય, શેય અને ઉપાદયરૂપે જણાય છે. વાણીથી અગોચર, મનથી પણ અગમ્ય એવા આત્માને જાણવાથી તેમ જ તેમાં તન્મય થવાથી અનુક્રમે આત્માનો પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટે છે. ચેતન ! ધન્ય ધન્ય છે તે પુરુષને જે નિજસ્વભાવમાં, નિજાત્મામાં રમે છે. “ધન્ય જગતમેં તેહ નર, જે રમે આત્મસ્વરૂપ, નિજ સ્વરૂપ જેણે નવિ લહ્યું, તે પડીયા ભવભૂપ.” (સમાધિ વિચાર ૨૨૧) તો હવે પ્રમાદ શાનો ? જગતનો ગુરુ, પરમાત્મ-શક્તિનો ધારક એવો તું, અંદર ડૂબકી લગાવે. કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ વેલ રે, રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે. | | ચેતન // ૨૫ || અર્થ : જેમ દરિયામાં પવનના જોરથી ભરતી આવે છે, પણ પવન શાંત થતાં સમુદ્ર સ્થિર બની જાય છે, તેમ કર્મના ઉદયથી જીવમાં સંકલ્પ - વિકલ્પો ઉત્પન્ન થાય છે, પણ કર્મનું જોર ઘટતાં (દિવ્ય દૃષ્ટિ) અનુપમ સ્થિરતા પ્રાપ્ત થાય છે અને તેનાથી સહજ સ્વરૂપની અનુભૂતિ કરી શકાય છે. વિવેચન : ચેતન ! તેં સાગર જોયો છે ? પવનથી તેમાં તરંગો, લહેરો ઉત્પન્ન થાય છે અને તેના કારણે તે ક્ષુબ્ધ બની જાય છે. જ્યારે પવન સ્થિર બની જાય છે, ત્યારે સાગર પણ શાંત બની જાય છે. આ જ રીતે સાધક જયારે પરમાત્માના ધ્યાનમાં એકાગ્ર બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે સંકલ્પ વિકલ્પના અનેક તરંગો મનરૂપી મહાસાગરમાં ઉત્પન્ન થાય છે, જેથી મન અત્યંત ક્ષુબ્ધ અને અશાંત બને છે. - ચેતન ! સંકલ્પ-વિકલ્પના તરંગોના પ્રવાહ ચાલવાનું કારણ રાગ-દ્વેષ રૂપ ભાવકર્મ છે. રાગ-દ્વેષનો પવન ફૂંકાતાં જ વિચારોનાં મોજાં ઉછળે છે. પરિણામે ચિત્ત અસ્થિર બને છે. અસ્થિર બનેલું ચિત્ત ધ્યાનમાં સ્થિર બની શકતું નથી. પ્રથમ ગાથામાં જ તને જે વાત કરી હતી, તે તું અહીં યાદ કર. ચેતન ! તારા શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન અજવાળ, જેનાથી મોહનો સંતાપ શમી જશે. વિકલ્પોની હારમાળા એ જ મોહનો સંતાપ છે. સહજ સમાધિ • ૧૧૦ સહજ સમાધિ • ૧૧૧

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77