________________
સમાધિ વિચાર સાર અનંત સંસાર : આ સંસાર અપાર, અસાર અને અનંત છે. તેમાં પરિભ્રમણ કરતાં સંસારી આત્માઓનો અનંતકાળ (અનંત પુદ્ગલ પરાવર્ત) પસાર થઇ ગયો છતાં હજુ તેમની સંસારયાત્રાનો અંત નથી આવ્યો. દુર્ગતિના દુઃસહ્ય દુઃખોમાંથી છૂટકારો નથી થયો. એની પાછળ શું કારણ હશે ? આવો પ્રશ્ન વિચારક જિજ્ઞાસુને સહેજે થઇ આવે. એના સમાધાનમાં ઉત્તર આપતા મહાજ્ઞાની પુરુષો જણાવે છે કે –
પરિભ્રમણનું કારણ : વિષય - કષાયજન્ય અસમાધિ ભાવ, એટલે કે પૌદૂગલિક વિષયોની અને ક્રોધાદિ કષાયોની પરિણતી – આસક્તિ અને આત્મતત્ત્વની અજ્ઞાનતાના કારણે જ જન્મ-મરણનું ચક્કર સતત ઘૂમી રહ્યું છે, સંયોગ - વિયોગની ઘટમાળ એકધારી ફરતી રહી છે અને તેના પરિણામે ચારે ગતિમાં અને ચોરાશી લાખ જીવયોનિમાં ભ્રમણ કરતાં આ જીવે અનંતાનંત જન્મ, જરા, મરણ અને ઉપાધિજન્ય અસહ્ય વેદનાઓ ભોગવી છે, જે દુ:ખોનો વાસ્તવિક ખ્યાલ તો ફક્ત સર્વજ્ઞ ભગવંતો જ આપી શકે એમ છે.
સાચા સુખની શોધ : આ રીતે ભવાટવીમાં ભટકતા આત્માને જોઇ અપૂર્વ પુણ્યના યોગે મનુષ્યભવ, આર્યદેશ, ઉત્તમકુળ, સદ્દગુરુનો યોગ અને જિનવાણીનું શ્રવણ આદિ ઉત્તમોત્તમ ધર્મસામગ્રી મળતા તથા-ભવ્યત્વના પરિપાકનાં વશથી લધુકર્મી આત્માને શુભભાવની ઉત્પત્તિ અને અશુભભાવની નિવૃત્તિ થાય છે ત્યારે સંસારના પૌગલિક સુખો ક્ષણિક છે અને પરિણામે, દુઃખની પરંપરા સર્જનારા છે એવું વાસ્તવિક ભાન થાય છે. તે સુખો ભયંકર અને દુ:ખકર લાગે છે અને સાચા સુખની શોધ કરવા પુરુષાર્થી બને છે.
સાચા સુખ, આનંદ અને શાંતિની તીવ્ર ઝંખનામાં ઝરી રહેલા આત્માને સંસારનું વાસ્તવિક ભાન થતાં તે પૌગલિક દુનિયાના
સુખોથી પર, આત્માની સહજ અવસ્થા, જે પૂર્ણ આનંદમય અને સુખમય છે તેને પ્રાપ્ત કરવા, અનુભવવા, પોતાના સત્ત્વ અને સામર્થ્યને કેળવે છે, સાચા સદ્ગુરુઓ પાસેથી યોગ્ય માર્ગદર્શન અને એમની કૃપા મેળવી તદ્દનુસાર પુરુષાર્થ કરે છે. સંસારના કહેવાતા વૈભવ-વિલાસનાં સોહામણા સુખોનાં અને સ્નેહી-સ્વજનોની અપાર મોહ-મમતાના આકર્ષણો ભલભલાને અંજાવી દે છે, સાધનામાં અવરોધ ઉભો કરી દે છે, માટે એનાથી અલિપ્ત-અનાસક્ત બન્યા સિવાય સાચી શાંતિ અને સમાધિના પુનિત પંથે વિકાસ સાધવો અશક્ય છે. સત્ત્વશીલ પુણ્યાત્મા જ આત્માની સહજાવસ્થા યાને સમાધિદશાના સાચા આસ્વાદને જાણી-માણી શકે છે.
રોજના સતત અભ્યાસ પછી સાધનામાર્ગે કંઇક પ્રગતિ સાધી ચૂકેલા આત્માને પણ અંતિમ સમયે, મરણની વિપુલ વેદના, સ્વજનોનો અપાર સ્નેહ અને ધનાદિ મૂચ્છ આદિ અસમાધિના કારણ બની જવા સંભાવના રહે છે અને જો મરણ અસમાધિમય બની જાય તો એ મરણ અનંતાજન્મનું કારણ બની જાય છે.
આ કારણથી જ જીવનની અંતિમ અવસ્થા-ચરમપળો પરમ સમાધિભાવથી સભર-એકરસ રહે એ હેતુથી ‘મરણ સમાધિ' અંગે ઉપયોગી બાબતોનો ટુંકસાર અહીં બતાવવામાં આવે છે. (૧) સમાધિની પૂર્વભૂમિકા :
સમાધિનું લક્ષણ : આત્મામાં જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ આ કષાય-રૂપ મોહનીય કર્મનો ઉપશમ-ક્ષય કે ક્ષયોપશમ થાય, ત્યારે તે તે પ્રકારની પ્રગટતી આત્મ-પરિણતિને તે પ્રકારની સમાધિ કહેવાય છે. જેમ કે કષાયનો ક્ષયોપશમ થાય ત્યારે એ ક્ષયોપશમ ભાવની સમાધિ કહેવાય. તે જ રીતે કષાયનો ક્ષય અને ઉપશમથી અનુક્રમે ક્ષાયિકભાવની અને ઉપશમભાવની સમાધિ પ્રગટી કહેવાય.
સહજ સમાધિ • ૧૨૬
સહજ સમાધિ • ૧૨૭