Book Title: Sahaj Samadhi
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 60
________________ ચેતન ! ધ્યાન દ્વારા સમાધિસુખનો આસ્વાદ માણ્યા બાદ જીવને સર્વત્ર ઉદાસીન પરિણામ રહે છે. સર્વ સંયોગોમાં તે જ્ઞાતાદ્રષ્ટા તરીકે રહી આત્મસ્વભાવમાં સ્થિર રહે છે. જેથી કરીને તે રાગદ્વેષથી લપાતો નથી. ચેતન ! આ ઉદાસીન પરિણામ ચારિત્રરૂપ જ છે. આત્મગુણોમાં ચર્ચા કરવાથી જ ઔદયિકભાવોમાં ઉદાસ રહી શકાય છે. આ રાજમાર્ગને એક ક્ષણ પણ છોડતો નહિ. જયાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જ માર્ગ ઉપર ચાલતો રહેજે. જો માર્ગ ચૂક્યો તો ઘણું ભટકવું પડશે. ચેતન ! આ માર્ગ ઉપર ચાલીને અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે. ભાવિમાં પણ જે કોઇ મોક્ષ પામશે, તે આ માર્ગે જ પામશે. તું પણ જો શીધ્ર મોક્ષનગરમાં પહોંચવા ઇચ્છતો હોય તો સર્વત્ર ઉદાસીન ભાવ ધારણ કર. શ્રી નયવિજય ગુરુ શિષ્યની, શિખડી અમૃતવેલ રે, એહ જે ચતુર નર આદરે, તે લહે સુજસ રંગરેલ રે. | | ચેતન || ૨૯ | અર્થ : આ પ્રમાણે ઉપાધ્યાય શ્રી નવિજયજી મહારાજના શિષ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની અમૃતવેલ સમી હિતશિક્ષાને જે કોઇ ચતુર પુરૂષ ગ્રહણ કરશે તેનો સુયશ ચારે દિશામાં વિસ્તાર પામશે. • વિવેચન : ચેતન ! અમૃત તુલ્ય મધુર તને હિત-શિક્ષા આપવામાં આવી છે. અમૃતનું પાન કરનાર અમર બની જાય છે, તેમ ચતુ:શરણાગતિ, દુષ્કતગહ અને સુકૃત અનુમોદના દ્વારા તારા તથાભવ્યત્વનો પરિપાક કરી, શુદ્ધનયની ભાવનાથી આત્માને ભાવિત બનાવી, આત્મધ્યાનમાં નિશ્ચલતા પ્રાપ્ત કરી, કર્મજન્ય અને પુગલજન્ય ભાવોમાં ઉદાસીન રહી, આત્માની સહજ સમાધિને પામીશ. તેના દ્વારા તું પણ શાશ્વત પદનો ભોક્તા બનીશ, અમરતાનો અધિકારી થઇશ. ચેતન ! શુદ્ધનય દ્વારા આત્મભાવનાનો નિરંતર અભ્યાસ કરનાર, આત્માના સહજ સ્વરૂપનું દર્શન પામી, તે સ્વરૂપની સતત ધારણા, વિચારણા કરે છે. તેથી મિથ્યા-મોહનો નાશ થાય છે. આત્મજ્ઞાનની રુચિ તીવ્ર બનતાં જ્ઞાનાવરણીય કર્મોનું બળ ઘટતું જાય છે. રાગ-દ્વેષ મોળા પડી જાય છે. શાસ્ત્રોના સ્વાધ્યાય દ્વારા પૂર્વસંચિત અશુભ કર્મ શીર્ણ-વિશીર્ણ થઇ જાય છે, તેની સ્થિતિ અને રસને ઘટાડી દે છે. પરિણામે માધ્યસ્થ ભાવને – પરમ ઔદાસીન્ય ભાવને પામી, પરમ સુખ, શાંતિ અને આનંદનો અનુભવ કરે છે. અનુક્રમે અનંત જ્ઞાન-જયોતિને પ્રગટાવી શાશ્વત સુખનો ભોક્તા બને છે. ચેતન ! ઉપાધ્યાય મહારાજની આ હિતશિક્ષામાં સમગ્ર આગમોનો સાર સમાયેલો છે. તેને હૃદયમાં સદા ધારણ કરી, જીવનમાં તેનો આદર કરજે. જેથી સર્વલોકમાં તારો યશ પ્રસરશે અને ક્ષાયિક અનંત આનંદની રંગરેલીમાં તારી ચેતના તરબોળ બની જશે, અને સર્વત્ર આનંદ આનંદ વ્યાપી જશે. શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાજુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ | સહજ સમાધિ • ૧૧૮ સહજ સમાધિ • ૧૧૯

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77