________________
ગુરૂ તણાં વચન જે અવગણી, ગુંથીયા આપ મત જાળ રે, બહુ પરે લોકને ભોળવ્યાં, નિંદીએ તેહ જંજાળ રે.
॥ ચેતન || ૧૧ ||
•
અર્થ :
ગુરૂજનોના વચનની અવગણના કરી અને પોતાની મતિ
કલ્પનાથી જે શાસ્ત્ર રચના કરી હોય અથવા અનેક પ્રકારે મિથ્યા ઉપદેશ આપી લોકોને અવળા માર્ગે ચઢાવ્યા હોય તે સઘળા પાપોની હું નિંદા કરું છું.
વિવેચન :
•
ચેતન ! બધા જ પાપોથી ચઢી જાય તેવું પાપ ગુરુની આશાતના છે. મિથ્યાત્વની પ્રબળતા હોય છે, ત્યારે સ્વમતિનો અભિનિવેશ હોય છે. સ્વ-મતિના આગ્રહથી ગુરૂનાં હિતકારી વચનને અવગણ્યું હોય, વચન વિરુદ્ધ આચરણ કર્યું હોય, તેની નિંદા કર.
ઉપરાંત આપમતિથી નવા ગ્રંથ રચ્યા હોય કે આપતિને આગળ કરી વૃદ્ધ, શિષ્ટ ગુરુજનના વચનોનો વિરોધ કર્યો હોય, તેમનાથી વિરુદ્ધ નવામતોની સ્થાપના કરવા દ્વારા નિબિડ કર્મો બંધાયાં તેને તોડવા તે તે દુષ્કૃતોની નિંદા કર.
ચેતન ! એક વસ્તુ બરાબર સમજી લેજે. પંચેન્દ્રિય જીવની હિંસા કરવાથી વધુમાં વધુ સાતમી નરક મળશે, પણ દેવ-ગુરુની આશાતનાથી નિગોદ મળશે. જ્યાં સાતમી નરક કરતાં અનેક ગણું દુ:ખ અનંતકાળ સુધી ભોગવવું પડશે.
પોતાના ભક્ત બનાવવા કે પોતાના મતના પ્રચાર માટે અથવા સ્વાર્થ માટે ભોળા, ભદ્રિક જીવોને વાક્પટુતાથી છેતરી, અલૌકિક પ્રલોભનો બતાવી, સન્માર્ગથી ચલિત કર્યા હોય, ગુણીપુરુષોનો સંગ છોડાવ્યો હોય, વ્યક્તિગત રાગી બનાવ્યા હોય, પોતાની તુચ્છ સ્વાર્થ જાળમાં ફસાવ્યાહોય તો તે સઘળાં દુષ્કૃતોની નિંદા કર.
સહજ સમાધિ • ૮૪
પાપની, દુષ્કૃતની નિંદા-ગર્હ કરવાથી, પાપનું, દુષ્કૃતનું બળ તૂટી જાય છે. પાપને પુષ્ટ કરનાર, દુષ્કૃતને દૃઢ બનાવનાર તેની અનુમોદના છે. તેની ખુશી છે. પાપ થઇ ગયા પછી જો પશ્ચાત્તાપ થાય, સાચા દિલથી તો એ પાપનો બંધ એકદમ શિથિલ બની જાય છે. માટે ચેતન ! દુષ્કૃતગર્હી દ્વારા તું તારા પાપના મેલને ધોઇ નાખ અને તારા દિલને સ્વચ્છ બનાવ.
જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે, જેહ પરધન હરી હરખિયા, કીધેલો કામ ઉન્માદ રે. || ચેતન || ૧૨ ||
અર્થ :
જે કાંઇ ઘોર હિંસા કરી હોય, અસત્ય વચન બોલાયું હોય, પરધનાદિ હરણ કરી હર્ષિત બન્યો હોય કે કામાંધ બની ઉન્માદ સેવ્યા હોય કે અનેક પ્રકારની કુચેષ્ટા કરી હોય...
·
વિવેચન :
ચેતન ! હવે અઢાર પાપ-સ્થાનકોની નિંદા શરૂ થાય છે. આ ભવ-પરભવમાં, ત્રસ, સ્થાવર જીવોની હિંસા કરી હોય, તેની ત્રિવિધે ત્રિવિધ નિંદા કર. કોઇ પણ નાના મોટા જીવને ત્રાસ આપ્યો હોય, ભય પમાડ્યો હોય તો તે દુષ્કૃતોની નિંદા કર.
ચેતન ! જીવહિંસા એ આત્મહિંસા જ છે. જેને તું મારે છે, ત્રાસ આપે છે, ભય પમાડે છે, તે તું પોતે જ છે. હિંસા જન્ય દુષ્ટ કર્મથી છૂટવા, તેના અનુબંધને તોડવા તેની આર્દ્ર હૃદયે નિંદા કર.
ચેતન ! તારાથી જે કાંઇ મૃષાવાદ, અસત્યવચનનું સેવન થયું હોય તેની નિંદા કર. બીજાના હૃદયને દુભાવનારું વચન પણ અસત્ય બને છે. કટુ-કઠોર અને અસત્ય વચનો દ્વારા જીવોને જે કાંઇ દુઃખ ઉપજાવ્યું હોય તેની નિંદા કર.
ચેતન ! તારા મુખમાંથી નીકળેલા મધુર શબ્દો, તારા મિત્રો
સહજ સમાધિ * ૮૫
·