________________
તું અવશ્ય શુદ્ધ પરિણામવાળો બનીશ. તારા ચિત્તની વિશુદ્ધિ થશે, ચિત્ત નિર્મળ બનશે. નિર્મળ ચિત્તમાં - સંસાર દુ:ખની ખાણ છે, વિષમ વ્યાધિથી ભરેલો છે, ભીમ ભયંકર ભયાનક છે, અસાર અને અશરણ છે – આ વાત તારા અનુભવમાં આવશે. જગતના સઘળા પદાર્થો અને વ્યક્તિની અનિયતા સમજાશે. સુખ-સંપત્તિ-સમૃદ્ધિ પરિવાર, પદ, પદવી, પ્રતિષ્ઠા બધું જ અસ્થિર છે, કોઈ તારું થાય તેમ નથી. આપત્તિમાં તને કોઇ શરણ આપી રક્ષણ કરી શકે તેમ નથી. વ્યાધિ કે મરણની પીડામાં પણ આશ્વાસન આપે તેમ નથી. સંકટ સમયે પોતાના ગણાતા પણ પરાયા બની જશે, તેનો તું ખ્યાલ કર.
માટે જ ચેતન ! તને કહું છું, જગતમાં શરણ આપનાર કોઇ હોય તો તે ચાર જ છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. આપત્તિમાં સહાય કરે, રક્ષણ કરે તે જ સાચા શરણ્ય કહેવાય. જે પોતે સર્વ ભય, સંક્લેશ આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત હોય તે જ બીજા ને ભયમુક્ત બનાવી શકે. • અરિહંત શરણ :
'अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं सरणदयाणं बोहीदयाणं धम्मदयाणं'
‘ભવ્ય જીવોને અભય, વિવેકચક્ષુ, માર્ગ શરણ, બોધિ અને ધર્મ આપનારા છે.”
શ્રી અરિહંત પ્રભુની અપૂર્વ દાનશક્તિને ‘શક્રસ્તવ'માં બિરદાવી છે.
હે ચેતન ! તું વિચાર તો કર. અરિહંતાદિ ચાર સિવાય આ જગતમાં કોણ સંપૂર્ણપણે ભયમુક્ત છે? દુ:ખમુક્ત છે ? જગત આખું દુઃખથી, ભયથી ભરેલું છે. તેની પાસે શરણની આશા રાખવી અસ્થાને છે. આજ સુધી તું જગતમાં ઘણું ભટક્યો. ઘણા દુઃખ, ભય, દર્દ, વેદનાઓમાંથી તું પસાર થયો, પણ તેમાં શરણભૂત કોણ
બન્યું? કોઇ જ નહિ. હવે તારે સુરક્ષિત બનવું હોય, નિર્ભય બનવું હોય તો અરિહંતાદિનું શરણ સ્વીકારી લે. યોગ્યને, સમર્થને શરણે જવાથી રક્ષણ થાય છે. ચારમાં સહુ પ્રથમ શરણદાતા અરિહંત પરમાત્મા છે. કારણ કે તેઓ જગતના ઇશ - માલિક છે અને જગતના મિત્ર છે. પરમ દયાળુ છે. પરમ હિતેષી છે. ભવરોગના કુશળ વૈદ છે. જગતના સ્વામી છે. સ્વામીનું કર્તવ્ય છે કે પોતાના આશ્રિત જનનું પાલન કરવું, રક્ષણ કરવું અને મિત્ર તો આપત્તિમાં સહાય કરવા સદા તૈયાર હોય જ.
સંસારમાં કરેલા સ્વામી, મિત્રો કદાચ વિશ્વાસઘાત કરે, કર્તવ્ય ચૂકે પણ અરિહંત પરમાત્મા તો સાચા સંરક્ષક છે. જે કોઇ તેમનું શરણ સ્વીકારે છે તેનું આ ભવમાં તો રક્ષણ કરે છે એટલું જ નહીં પણ ભવોભવમાં, જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી પોતાના આશ્રિતને ભૂલતાં નથી. તેની બધી જરૂરિયાતો પૂરી કરે છે. આવતી આપત્તિઓમાંથી ઉગારે છે. સર્વ પ્રકારની ચિંતાઓમાંથી મુક્ત કરે છે.
ચેતન ! આવા સ્વામી મળ્યા પછી બીજા પાસે જવું એ તો કલ્પવૃક્ષને છોડી ધતુરાને પકડવા જેવું છે. અરિહંત પરમાત્મા શરણાગત-વત્સલ છે. પતિતને પાવન કરનારા છે. વિશ્વના જીવો ઉપર સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનાર જો કોઈ હોય તો તે એક માત્ર અરિહંત પરમાત્મા છે. આ દુનિયામાં તેમની તોલે આવી શકે એવો કોઇ નથી. પ્રભુ અદ્વિતીય છે. નિરૂપમ છે. શાશ્વત મંગલ સ્વરૂપ છે.
ભયંકર ભવ વ્યાધિમાં ભયભીત બનેલા ભવ્ય પ્રાણીઓના સર્વ કર્મ રોગોનો મૂળથી નાશ કરી પરમ આરોગ્ય સુખ પ્રાપ્ત કરાવે છે. પ્રભુ પોતાના નામ, સ્મરણ, દર્શન, પૂજન, ધ્યાન કરનાર દાસને પોતાની સમાન પરમાનંદ પદ આપે છે. અનંત જ્ઞાન ધનના નિધાન પ્રગટાવી પરમેશ્વર બનાવે છે. અરિહંત પરમાત્માનો આ અસીમ ઉપકાર છે.
સહજ સમાધિ • ૬૮
સહજ સમાધિ • ૬૯