________________
મોહની આ મહાભૂતાવળને ભગાડવા માટે જ્ઞાનની જયોત જલાવવી પડશે. માટે જ કહું છું : ચેતન ! જ્ઞાન અજવાળ. અગ્નિનો ભડકો થતાં ભૂત ભાગે, તેમ જ્ઞાનની જયોત પ્રગટતાં મોહ ભાગશે. આ મોહના કારણે જ ચેતન ! તારું ચિત્ત ડામાડોળ, ડહોળાયેલું રહે છે, અસ્થિર રહે છે, ચિત્તની અસ્થિરતા, વિષાદ પેદા કરે છે, ત્યાં સુખ શાંતિ ક્યાંથી હોય ? જયાં અશાંતિ છે ત્યાં અસુખ છે. જયાં સ્થિરતા છે, ત્યાં શાંતિ છે, સુખ છે.
સાગરમાં એક પછી એક પાણીનાં મોજાં ઉડ્યા કરે છે, તેના કારણે સાગર ક્ષુબ્ધ રહે છે, અશાંત રહે છે, સંકલ્પ-વિકલ્પો ઉઠ્યા કરે છે, પરિણામે તે અસ્વસ્થ રહે છે. ચંચળ બને છે. - ચેતન ! આ શરીર એ જ હું છું, ધન સ્વજનાદિ એ મારાં છે, એવા “હું” અને “મારા’ (અહ-મમ) આ મોહના મંત્રનો તું ત્યાગ કર અને હું શુદ્ધ આત્મા છું, જ્ઞાનાદિ ગુણો મારા છે. શુદ્ધ જ્ઞાન, કેવળજ્ઞાન જ મારો ગુણ છે. હું શુદ્ધ એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અવાબાધ સુખ, અમૂર્તવાદિ અસંખ્ય ગુણ પર્યાયમય, નિજસ્વભાવમાં સદા અવસ્થિત, અસંખ્ય પ્રદેશી, શુદ્ધ આત્મદ્રવ્ય છું. એવી ભાવના કરે અને તે સ્વભાવની પૂર્ણતા પ્રગટ કરવા સદા પ્રયત્નશીલ બન. પૂર્ણાનંદી, પરમ જ્યોતિ - સ્વરૂપી પરમાત્માના ધ્યાનમાં તન્મય બની, શુદ્ધ આત્મ-સત્તાનો આંશિક અનુભવ કરવા પુરૂષાર્થ કર.
જ્ઞાનાદિ ગુણો મારા છે, તે સિવાયના અન્ય તમામ પદાર્થો મારા નથી, હું કોઇનો નથી. આ જગતમાં મારું જો કોઈ હોય તો નિશ્ચયથી મારામાં જ અભેદ ભાવે રહેલી વીતરાગતા, અરૂપીપણું , કેવળજ્ઞાન અને અવ્યાબાધ સુખ છે. વ્યવહારથી મારી આ વીતરાગતા તેમજ કેવળજ્ઞાન દશાને પ્રાપ્ત કરવામાં ઉપકારક બનનારા દેવ-ગુરુ એ જ મારા છે.
આ જ્ઞાનથી મનને ભાવિત કર, ચિત્તને વાસિત કર. તે જ્ઞાન,
મોહ, અજ્ઞાનતાને, મિથ્યાભ્રમને દૂર કરી દેશે. જેમ જેમ મોહનું જોર ઘટતું જશે, તેમ તેમ જ્ઞાન જયોતિ ખીલતી જશે. ચિત્તની ચપળતાનો પરિહાર થશે,
અનાદિકાળથી સંસારી જીવનું ચિત્ત ઇન્દ્રિય સુખની ઇચ્છાથી બાહ્ય પદાર્થોને પ્રાપ્ત કરવા ચંચળ બનેલું છે. ભૌતિક સુખ મેળવવા માટે મન આમ તેમ ભટકે છે. બાહ્ય વસ્તુઓ ધન, સંપત્તિ સ્વજનાદિમાં ગાઢ સ્નેહ રાખે છે. ઇષ્ટ, મનોહર, મનગમતા ઇન્દ્રિયોના વિષયો - રૂપ, રસ, સુગંધાદિમાં અત્યંત આસક્ત બને છે. અણગમતા, અનિષ્ટ પદાર્થો અને વ્યક્તિઓ પ્રત્યે દ્વેષ કરે છે. આ રીતે –
“મોહે મૂછિત પ્રાણીકું, રાગ-દ્વેષ અતિ થાય; અહંકાર-મમકાર પણ, તિણથી શુધ બુધ જાય.”
(સમાધિ વિચાર ૧૧૭) અતિશય રાગ-દ્વેષ થતાં, અહંતા-મમતા વધતાં, જીવ શુધબુધ ગુમાવે છે. ચિત્ત અત્યંત ચંચળ રહે છે. ચંચળ ચિત્તવાળાને લેશ માત્ર પણ શાંતિ મળતી નથી,
તેથી હે ચેતન ! ચિત્તની ચંચળતાને ટાળવા, વ્યાકુળતાને વિદારવા, મોહનો નાશ જરૂરી છે. જ્યાં સુધી જડમાં, ચૈતન્યની બુદ્ધિ છે, શરીરમાં આત્મ-બુદ્ધિ છે, પુદ્ગલમાં સુખની કલ્પના છે, સ્વજન-પરિવારમાં મમત્વ છે, વિનાશી ધન-સંપત્તિમાં સ્પૃહા છે, ત્યાં સુધી તારું ચિત્ત સ્થિર બનશે નહિ. આ બધી જ કલ્પનાઓથી તું મુક્ત બનીશ, ત્યારે ચિત્ત શાંત બનશે.
જો તું વાસ્તવિક સુખ અને શાંતિ મેળવવા ઇચ્છતો હોય, તો આમ તેમ ભટકવાનું છોડી દઇ, સ્થિર શાંત બની જા . શાસ્ત્રોક્ત સદનુષ્ઠાનોનું સતત સેવન કર, પરમાત્માના નામમાં અને પ્રતિમામાં સ્થિર-બુદ્ધિ બની જા, તો જ આ અભ્યાસના કારણે ચિત્ત શાંત થશે. ચિત્તની શાંત અવસ્થામાં જ સુખનો અનુભવ છે. પરમાનંદની પ્રાપ્તિ છે.
સહજ સમાધિ • ૪૮
સહજ સમાધિ • ૪૯