________________
12
ખોટી ટેવો કેવી રીતે અને કયા ક્રમથી છોડવી અને કઈ કઈ સારી ટેવો કેવી રીતે અને ક્યા ક્રમથી અંગીકાર કરવી ? આવા અનેક વિચારો જેના ચિત્તમાં ઊગ્યા છે તેવા સાધકને મુખ્યપણે સહાયક હોવાથી પ્રસ્તુત ગ્રંથને ‘સાધક-સાથી’ એવું નામ આપવામાં આવ્યું છે.
અહીં પ્રશ્ન થાય કે અલ્પસંખ્યાવાળા સાધકોને ઉપયોગી થાય તેવા ગ્રંથ કરતાં બહુસંખ્યાવાળા સાધકોને ઉપયોગી થાય તેવી ગ્રંથરચના કાં ન કરી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે શાશ્વત અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરાવનાર શુદ્ધ ધર્મના ખપી જીવો આ જગતમાં હંમેશાં નાની સંખ્યામાં જ હોય છે અને આ કળિયુગમાં તો વળી સાવ નાની સંખ્યામાં છે. જગતને માન્ય ધર્મ અને શુદ્ધ ધર્મમાં ઘણો જ તફાવત છે. સત્યના અન્વેષકોએ તો શુદ્ધ ધર્મની આરાધના અને પ્રસારણમાં જ નિષ્ઠાવાન થવું યોગ્ય છે. જનમરંજનરૂપ બહુલોકમાન્ય ધર્મ પ્રત્યે તેઓએ મધ્યસ્થ બની જવું યોગ્ય છે.
ગ્રંથની ઉપયોગિતા :
ઉપર કહ્યા તેવા સાધક જીવો ઉપરાંત આ ગ્રંથની અન્યને પણ ઉપયોગિતા છે.
(૧) જે કોઈ સાત્ત્વિક ગુણોને અભિનંદે છે, અને જે પોતાના જીવનને ઊંચે સ્તરે લઈ જઈ સ્વાધ્યાયપરાયણ, શિસ્તબદ્ધ, વ્યવસ્થિત, ઉદાર, શાંત અને નિરુપાધિક થવા માગે છે તેવા સજ્જનોને.
(૨) ધર્મશાસ્ત્રના તથા તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થીઓને, આધ્યાત્મિક વિષયો ઉપર સંશોધન કરતા એવા અન્ય અભ્યાસીઓને તથા આધ્યાત્મિક પ્રવચનકાર થવા માટેની દોરવણી જેઓ લઈ રહ્યા હોય તેવા પંડિતવર્ગને.
(૩) આત્મજ્ઞ સંતપુરુષોને તથા દશાપ્રાપ્ત ત્યાગીજનોને પણ આત્માના અભ્યાસનો મહિમા બતાવનાર તથા નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિમાં વિશેષ પ્રેરણા આપનાર પ્રકરણો એક સારા સહાધ્યાયીની ગરજ સારશે તથા આત્મભાવના ભાવવા માટેનું જે પાથેય તેનું આ ગ્રંથના અધ્યયનથી તેઓને એક શીઘ્ર પુનરાવર્તન થઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org