________________
લીધે જ્યારે તે વિડંબનામાં સંડોવાય છે ત્યારે તેમાંથી તેને મુક્ત કરવા-અંધકારમાંથી પ્રકાશપથ દર્શાવવા કોઈ ને કોઈ મંગળમૂર્તિ લોકોત્તર સત્ય, વિચાર ને વર્તનથી, ઉપસ્થિત કરે છે. એ પ્રકાશમાર્ગમાંથી ઘણા આશ્વાસન મેળવે છે ને વળી પાછું સામાન્ય જગત તો પુરાણા ચાલેલ ચીલે અંધકારની દિશામાં-જ ગતિ કરે છે. આમ લૌકિક ને લોકોત્તર બંને સત્યનું ચક્ર વારાફરતી પોતાનું કામ કર્યું જાય છે.
સત્તાની લાલચ, જાતીય આકર્ષણ, સંપત્તિનો મોહ અને મિથ્યા અભિમાન જેવાં દુસ્તત્ત્વોથી પ્રેરાયેલ કોઈ સબળ હંમેશાં પોતાનાથી નિર્બળ સામે જ બળનો પંજો અજમાવે છે, અને પોતાથી વધારે સમર્થ કે બળશાળી સામે પાછો દીનતા દાખવે છે. આ લૌકિક સત્ય છે. જે વિભૂતિને લોકોત્તર સત્ય સાક્ષાત થાય છે, તેમનાં વિચારો અને વર્તન તદ્દન જુદાં તરી આવે છે. તે કદી સબળ સામે આરોગ્ય રીતે નમતું નથી આપતો અને નિર્બળને માત્ર એની નબળાઈને કારણે દબાવતો કે સતાવતો પણ નથી. ઊલટું તે પોતાના સમગ્ર બળનો ઉપયોગ નિર્બળને દીનતામુક્ત કરી સબળ બનાવવામાં અને સબળને મિથ્યાભિમાનની દિશામાંથી વાળી તેના બળનો વિધિવત્ વિનિયોગ કરવામાં કરે છે. સમયે સમયે આવી લોકોત્તર વિભૂતિઓને ઇતિહાસે જોઈ છે. એ વિશે કોઈને સંદેહ હોય તો. જાણે તે સંદેહ નિવારવા જ આ યુગે ગાંધીજીને જન્મ ન આપ્યો હોય ! – તેવી મૂળગત ધારણાથી જ પ્રસ્તુત નવલ આલેખાયેલી હોય એમ લાગે છે. તેથી જ તો લેખકે આ નવલ પૂજ્ય ગાંધીજીને ચરણે અર્પી છે.
મસ્ય-ગલાગલનો અર્થ માસ્સી ન્યાય શબ્દથી પ્રગટ થતો આવ્યો છે. આ ન્યાય બહુ જૂના વખતથી જાણીતો છે, કેમ કે નિર્બળની સતામણીનું અસ્તિત્વ પણ એટલું જ જૂનું છે. લેખકે માન્યી ન્યાય દર્શાવવા ઇતિહાસપ્રસિદ્ધ પાત્રો અને કથાનકોનો આશ્રય લીધો છે. એ પાત્રો અને કથાનકો માત્ર જૈન સાહિત્યમાં જ મળે છે, એમ નથી, પણ તે રૂપાંતરે અને ઓછેવત્તે અંશે બૌદ્ધ તેમજ બ્રાહ્મણ સાહિત્યમાં પણ મળી આવે છે. નિગ્રંથનાથ મહાવીર તો ઐતિહાસિક છે જ, પણ એમના મામા ચેટક-જોકે એ નામથી અન્ય સાહિત્યમાં સુવિદિત નથી, છતાં તે જૈન સાહિત્યમાં તો અતિ પ્રસિદ્ધ છે. ચેટકની સાત પુત્રીઓ પૈકી પાંચ પુત્રીઓ જ્યાં જ્યાં પરણી હતી ત્યાંનાં રાજ્યો સત્તાધારી હતાં અને વિશેષ સત્તા માટે મથતાં. ચેટકના એ પાંચે જમાઈઓમાં માસ્સી ન્યાય કેવી રીતે પ્રવર્યો અને તેઓ કૌરવ-પાંડવોની પેઠે પોતાની ખાનદાની તેમજ અંદરોઅંદરનું સગપણ વિસારી ક્ષત્રિત્વને ભાવિ પતનની દિશામાં તેઓએ કેવી રીતે ઉન્મુક્ત કર્યું, તે લેખકને દર્શાવવું છે. અને છેવટે લોકોત્તર સત્ય ઉપસ્થિત થઈ કેવી રીતે કાર્યસાધક બને છે, એ પણ દર્શાવવું છે. આ બધું વક્તવ્ય નવલકથાની સુંદર અને રસમય ગૂંથણી દ્વારા સ્પષ્ટ થાય છે અને વાંચનારને એમ લાગે છે, કે જોકે સર્વત્ર માસ્યી ન્યાય પ્રવર્તે છે, છતાં વચ્ચે આશાસ્પદ લોકોત્તર
સત્યના દીવડાઓ પણ પ્રગટતા રહે છે. આથી વાંચનાર માસ્સી ન્યાયનાં બળો જોઈ નિરાશ ન થતાં ઊલટો આશીવાન બને છે, અને પુરુષાર્થ કરવાની પ્રેરણા પામે છે. મારી દૃષ્ટિએ આવી પ્રેરણા જન્માવવી અને પરોક્ષપણે ગાંધીજીના જ ઉદાહરણથી પુષ્ટ કરવી, એ જ પ્રસ્તુત નવલની મુખ્ય વિશેષતા છે.
જયભિખ્ખની ભાષા કેટલી સહેલી, પ્રસન્ન અને અર્થવાહી છે તે એના વાચકવર્ગથી અજાણ્યું નથી. પણ એમની આ સ્થળે એક જાણવા જેવી વિશેષતા મને એ પણ લાગે છે, કે તેઓ પ્રણાલિકાબદ્ધ , છતાં તર્ક અને બુદ્ધિથી ગ્રાહ્ય ન બને એવી કેટલીક કલ્પનાઓને બુદ્ધિગ્રાહ્ય થઈ શકે તેમજ જીવનમાં ઉપયોગી થઈ શકે તે રીતે રજૂ કરે છે. દા.ત. ભગવાન મહાવીરે લાંબા ઉપવાસોને પારણે એક દુષ્કર અભિગ્રહસંકલ્પ કર્યાની વાત જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. એ અભિગ્રહ કે સંકલ્પનું સ્વરૂપ ત્યાં એવી રીતે વર્ણવવામાં આવ્યું છે, કે જાણે એ અભિગ્રહ જ અસ્વાભાવિક લાગે. પગમાં બેડી પહેરેલ, માથું મુંડાવેલ, એક પગ ઉંબરામાં ને એક પગ બહાર મૂકેલ , આંખમાં આંસુ સારેલ ઇત્યાદિ લક્ષણવાળી કોઈ સ્ત્રી ભિક્ષા આપે તો જ પારણું કરવું એવો અભિગ્રહ કથામાં વર્ણવાયો છે.
આધુનિક વાચકને સહેજે પ્રશ્ન થાય કે બેડી, મસ્તકમુંડન, અમુક પ્રકારની દેહસ્થિતિ, આંસુ વગેરેનો ભિક્ષા દેવા કે લેવા સાથે શો સંબંધ છે ? ભિક્ષા દેનાર ભક્તિપૂર્ણ હોય, ભિક્ષા નિર્દોષ હોય, અને લેનાર સાત્ત્વિક હોય – એટલું જ ભિક્ષા લેવા-દેવા વચ્ચે અપેક્ષિત છે, તો આવી અભિગ્રહની કઢંગી કલ્પના કથામાં કેમ આવી ? આ પ્રશ્નનો જયભિખ્ખએ બુદ્ધિગમ્ય ખુલાસો કર્યો છે, અને તે ભગવાન મહાવીરના સાત્ત્વિક જીવન તેમજ જૈન સિદ્ધાંતની સાથે સુમેળ ધરાવે છે, અને તત્કાલીન ઐતિહાસિક પરિસ્થિતિને પણ ન્યાય આપે છે. તે વખતે દાસ-દાસી અને ગુલામની પ્રથા કેટલી રૂઢ તેમજ પ્રતિષ્ઠિત હતી, એ બીના ઐતિહાસિકોને સુવિદિત છે. ભગવાન મહાવીર મક્કમપણે આત્મૌપજ્યના સિદ્ધાંતમાં માનતા. અને તદનુસાર જ જીવન જીવવા સંપૂર્ણપણે મથતા. જાતિગત ઉચ્ચનીચ ભાવ કે ગરીબ-તવંગરી કૃત દાસ-સ્વામીભાવ એ આત્મૌપજ્યના સિદ્ધાંતનું મોટું આવરણ છે. એ આવરણ નિવારવું તે જ ભગવાનને અભિપ્રેત હતું. તેથી તેમનો અભિગ્રહ આ કે તે ચિહ્ન ધરાવનાર સ્ત્રીના હસ્તે ભિક્ષા લેવાના સ્થૂલ રૂપમાં બદ્ધ ન હતો, પણ તેમનો અભિગ્રહ લોકોમાં તુચ્છ મનાતાં ને અવગણના પામતાં દાસ-દાસીઓને પણ ઉચ્ચ લેખાતા નાગરિકો જેવા જ માની તેમને હાથે સુધ્ધાં ભિક્ષા લઈ તેમને માનવતાનું ભાન કરાવવું, એ સૂક્ષ્મ રૂપમાં સમાતો હતો. જયભિખ્ખએ ભગવાન મહાવીરના અભિગ્રહનું આ સૂમ રૂપ વ્યક્ત કરી એના સ્થૂલ રૂપમાં દેખાતા કઢંગાપણાને વધારે બુદ્ધિગ્રાહ્ય કર્યું છે.
२०