________________
“બેટા, તું ક્યાંક કવિ ન બની બેસતો. બહુ કવિત્વમાં માણસ સમતુલા ખોઈ બેસે છે. તારો બાપ કવિત્વનો રસિયો હતો. છતાં સામાન્ય સ્થિતિમાં કવિ-સ્વભાવ સારો છે. પ્રદ્યોતને ઠેકાણે પાડ્યા પછી તને પરણાવવો છે. કોઈ રાજકુમારીની શોધમાં જ છું. કોઈ કાવ્યકલાના રસિયણ શોધી લાવીશું. પછી મેના-પોપટ જેવાં તમે બંને રાજઝરૂખે બેસી કાવ્યકલ્લોલ કર્યા કરજો . પણ બેટા, પહેલાં તારું પિતૃ ઋણ અદા કર, નહિ તો તારા બાપ જેવો સૌંદર્યઘેલો બની કંઈ કંઈ અનર્થ નોતરી લાવીશ.”
“મા, મારા કવિત્વનો વિષય તું છે; અને મારા વીરત્વનો વિષય પ્રદ્યોત છે.”
ઉદયન કંઈ કંઈ કાલી પંક્તિઓ બોલવા લાગ્યો. મૃગારાણી એને સ્થિર ચિત્તે નીરખી રહી : પોતાનું સૌંદર્ય કુમારની રેખાએ રેખામાં ઊતર્યું હતું !
16
બળ અને બુદ્ધિનો ઝઘડો.
સંસારમાં સર્વત્ર શક્તિનાં ઝરણ ભરપૂર વહ્યા કરતાં હોય છે. તક મળતાં નિર્બળ માનવી એનું પાન કરી સબળ બની જાય છે. પણ આશ્ચર્ય અને અનુભવની વાત તો એ છે, કે એ ઝરણનું પાન કરીને સબળ બનેલો નિર્બળ પોતાને પ્રાપ્ત થયેલી શક્તિથી, અન્ય નિર્બળોને સતાવવાં શરૂ કરે છે ! પેલો સંતપ્ત થતો નિર્બળ સબળ બનવા પ્રયત્ન કરે છે, ને એ પણ સબળ બની અન્ય નિર્બળને સંતાપે છે ! આમ સબળ-નિર્બળની ઝાલઝલામણી સંસારમાં ચાલ્યા જ કરે છે.
શક્તિ પામીને જેણે ભક્તિ જાળવી હોય એવા તો આ સંસારમાં વિરલા હોય છે. શક્તિની સાથોસાથ ગર્વ, અભિમાન ને અહંતા પ્રગટ થઈ જાય છે. સબળ બનેલો માનવી સંસારને પોતાનો સેવક, પોતાના ઉપભોગનું ધામ માની લે છે, ને છેવટે પરિણામ એ આવે છે, કે એ સબળને ખાનાર નવો સબળ નીકળી આવે છે !
અનુભવની એ બીના છે કે પ્રયત્ન હજાર થયા છે, છતાં સંસારને કોઈ ખાઈ શક્યું નથી, વિષયને કોઈ ભોગવી શક્યું નથી. સંસાર જ સહુ કોઈને ખાઈ ગયો છે, ને વિષયે જ સહુ કોઈને હણી નાખ્યા છે. આજે જે હણનારા છે એ કાલે હણનાર બને છે. આજ જે કસાઈ છે, એ કાલે ઘેટું બને છે ! પણ શક્તિ પામીને પણ નમ્ર રહેનાર સંતો કે મહંતો સિવાય આ રહસ્ય કોઈ પામ્યું નથી. પ્રેમમંદિર શ્રમણ ભગવાન મહાવીર શું દિવસોથી નહોતા કહેતા કે અરે રાજાઓ, તમે સુધારો; તમે સુધરશો તો પ્રજા સુધરશે. યથા રાજા તથા પ્રજા. પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવો; ત્યાં શક્તિ દાસી છે, જ્ઞાન અને ભક્તિ મહારાણી છે.
સંસારમાં શક્તિનો જેટલો સદુપયોગ થયો હશે, એનાથી એનો દુરુપયોગ વિશેષ થયો છે. શક્તિથી શાન્તિ-પ્રેમનું સામ્રાજ્ય જેટલું પ્રસર્યું હશે, એનાથી પ્રલયનું
106 | પ્રેમનું મંદિર