________________
દુવિધામેં દોનોં ગઈ !
પાપનો ઉદય તે આનું નામ ! રાજાના અવિચારી કૃત્યને પ્રજા ન રોકે તો એ પાપમાં પ્રજા પણ ભાગીદાર બને. બીજે દિવસે સવારે સૂર્યોદય થયો ત્યારે પણ હતું તે દટ્ટણ જેવું થઈ ગયું. જ્યાં ભર્યું નગર હતું ત્યાં ખીણો ને કંદરાઓ ! ચારે તરફ જળના ઓથ ઘૂઘવે, પણ આશ્ચર્યની વાત તો એ કે જે કુંભારને ઘેર રાજર્ષિ ઉદયન રહેલા એ ઘર, એ માણસો, એ પશુ સહુ સલામત ! પાપ-પુણ્યનો તાળો કેટલીક વખત આ રીતે મળી રહે છે.”
- “પૃથ્વી પ્રેમનું મંદિર, સબળ નિર્બળને નમે. ભર્યા ભાણાં મળે છતાં માણસ સમજીને ભૂખ્યો રહે--ભારે વિચિત્ર ન્યાય શોધ્યો છે. બધી વાતમાં ઊંધું ! આપણા જેવાને તો કંઈ સમજ જ ન પડે.”
- “હા પ્રભુ ! એમાં શત્રુ તરફ શિક્ષાદંડ નહિ પણ પ્રેમનીતિ આચરવાની ! આપણે ભૂખ્યા રહીને બીજાને ખવરાવવાનું ! અને વળી ખૂબી એ, કે એ ત્યાગમાં જ કોઈ દહાડો તમને તૃપ્તિ લાધશે, બાકી તો ખાતાં ખાતાં આખી જિંદગી જ છે ને પેટ ખાલી ને ખાલી રહેશે, એમ સૌ માને ! આપણને કોઈ ગાળ દે તો સામે વિનય કરવાનો. આપણે સબળ એટલે નિર્બળને ન્યાય મળે એ જોવાનો ભાર આપણા ઉપર ! સંસારમાં શાન્તિ ને સુખ આણવો હોય તો સમર્પણ ને ત્યાગ શીખો ને આચરી બતાવો, એમ એમનું કહેવું છે. નહિ તો પછી આ સંસાર પશુઓનો વાડો બનશે, દ્વેષનું દેવળ બનશે, જેમાં એક સબળ પશુ બીજા નિર્બળ પશુને ખાવા હંમેશાં લાગ શોધતું હશે.”
- “આપણને તો આમાં કંઈ સમજણ પડતી નથી; સહુએ બાવા બનવાનો ધંધો આદર્યો હોય એમ લાગે છે !'
મહારાજ, આશ્ચર્ય તો એ છે કે લોક આ ઉપદેશને ઝીલી રહ્યા છે. હવે તો સબળો નિર્બળોને ન્યાય આપવા-અપાવવા તત્પર બન્યા છે. કુંજરે કીડીની ખેવના રાખવા માંડી છે. લોક ભર્યા ઘર છોડી દે છે, દોલત લૂંટાવી દે છે, રંભા જેવી સ્ત્રીઓને અને જુવાનજોધ સંતાનોને છોડી દે છે ને અરણ્યમાં ચાલ્યા જાય છે અને માગીને ખાય છે. ‘યથા રાજા તથા પ્રજા માં માનનાર પ્રભુએ પહેલવહેલાં રાજ કુળોને તૈયાર કર્યો છે. રાજપાટ છાંડી રાજર્ષિ બનનાર માત્ર ઉદયન જ નથી, પ્રસન્નચંદ્ર રાજા પણ સર્વસ્વ છાંડી ત્યાગી બન્યા છે, ને શિવરાજર્ષિએ અને રાજા દર્શાણભટ્ટે પણ એ માર્ગ ગ્રહ્યો છે.”
અવંતીપતિ વિશેષ કંઈ કહી ન શક્યા. એ ઊંડા વિચારમાં ઊતરી ગયા. દુનિયા કઈ દિશામાં જઈ રહી છે, એ એમને ન સમજાયું. સ્વામીને વિચારમગ્ન જોઈ ચરપુરુષ થોડી વારે નમસ્કાર કરીને વિદાય થયો.
મગધના વર્તમાને અવંતીપતિના અડધા ઉત્સાહને હણી નાખ્યો હતો, ત્યાં વીતભયનગરના વિનાશના સમાચાર શેષ ઉત્સાહ પર પણ પાણી ફેરવ્યું.
હવે તો માત્ર વત્સદેશના વર્તમાન બાકી રહ્યા.
અવંતીપતિ સ્વીકારે કે ન સ્વીકારે, પણ વત્સદેશ સગપણના સંબંધથી એમની સાથે બંધાઈ ગયો હતો. વાસવદત્તા અન્ય ક્ષત્રિય કન્યાઓની જેમ મનમાન્યા વરને વરી હતી.
વાસવદત્તાએ એક સંદેશામાં પોતાના પ્રેમાળ પિતાજીને કહેવરાવ્યું પણ હતું કે આપની અપરાધી પુત્રીને ક્ષમા કરશો, પિતાજી ! આપના વાત્સલ્યભર્યા દિલને દુભાવ્યાનું મને ભારે દુઃખ છે, પણ યાદ રાખજો કે આપની દીકરી સતી માનું સંતાન છે. મનથી માન્યો એ વર, બાકી બીજા પર, મેં આપની પાસે સર્વ વૃત્તાંત નિવેદિત કરવા અનેક વાર પ્રયત્ન કર્યો, પણ વત્સરાજ તરફની આપની અપાર ધૃણાએ મને એ વાત કરવા ન દીધી. વત્સરાજને મેં મનથી પતિ તરીકે ભજ્યા હતા. અને એમને વરવા માટે મેં લીધો તે સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. મનથી કોઈને માનું, તનથી કોઈને વરું. એમાં આપના સંતાનને પાપ લાગે. વળી અવંતીમાં વત્સરાજે બતાવેલું પરાક્રમ પણ એની આપના જમાઈ બનવાની યોગ્યતાની ખાતરી આપે એવું હતું. એનો દેશ નાનો હશે, પણ એની કીર્તિ મોટી છે. એનો સ્વભાવ તો ન ભૂલી શકાય તેવો મીઠો છે.
પિતાજી, એક વાર આપની આ નમાયી પુત્રીને માફ કરો, ને ખોળે લો ! શું આપ સ્વકથનું ભૂલી ગયા કે પુત્રી, તને સ્વયંવરથી વરાવીશ ને વત્સ દેશ કરિયાવરમાં
180 D પ્રેમનું મંદિર