________________
વેગ આવ્યો. વત્સરાજ પોતાનાં પટરાણી સાથે હમણાં જ સાધ્વી માતાને વાંદીને આવ્યા હતા, ને જીવનને નવીન દૃષ્ટિથી નિહાળ્યું હતું.
સંસારના સુખ માટે જીવન-અર્પણ, એના જેવી અન્ય સાર્થકતા શું હોઈ શકે ? બળનું ગુમાન ને બુદ્ધિનું અભિમાન બંને નકામાં ! સહૃદય હૃદય ને નીતિ-સદાચારભર્યું જીવન એ જ સાચું જીવન, એમાં જ આખરે જયવારો છે. પૃથ્વી પ્રેમનું છે. વત્સરાજ આ રીતે જીવન ઘડી રહ્યા. પ્રજામાં પણ એ રીતના મંત્રો પ્રસરી રહ્યા. શાન્તિ ને સમૃદ્ધિના વાયરા વત્સદેશ પર વાઈ રહ્યા.
આમ સુખમય દિવસો પસાર થતા હતા, ત્યાં એક દિવસ વત્સદેશમાં અશુભ વર્તમાન પ્રસરી વળ્યા. પ્રમોદવનમાં વિહારે ગયેલાં રાણી વાસવદત્તા અચાનક વનમાં લાગેલા દવમાં બળી ગયાં. એ ટાળે વત્સરાજ સાથે નહોતા, કેવળ મહામંત્રી યૌગંધરાયણ જ મોજૂદ હતા. એટલે આ સમાચારે વત્સરાજને વ્યાકુળ કરી નાખ્યા.
આખો વત્સદેશ શોકમગ્ન બની ગયો. ન ક્યાંય લગ્નનાં ગીત છે, ન ક્યાંય જન્મોત્સવનો આનંદ છે ! શુભ પ્રસંગો જ જાણે સરી ગયા !
મંત્રીશ્વર ભારે નિરાશા સાથે પાછા ફર્યા. વાત કરતાં એ રડી પડ્યા. વત્સરાજની વ્યાકુળતાનો તો પાર નથી. દિવસો સુધી એમની સાથે કંઈ વાતચીત થઈ શકી નહિ ! લગ્નની વાત આવતાં જ એ ઉશ્કેરાઈ જતા.
પણ દુ:ખનું ઓસડ દહાડા ! દિવસો વીતતાં એક દિવસ મંત્રીએ રાજાને સમજાવ્યું કે, “વત્સની ગાદીનો વારસ કોઈ જોઈશે ખરો ને ? શું ભરતકુળની પરંપરાને મિટાવી દેવાનું પાપ આપે આચરવું છે ? આપને ખાતર નહિ તો છેવટે દેશને ખાતર પણ આપે કંઈક વિચારવું જોઈએ.”
ઉત્તરાધિકારીના પ્રશ્ન વત્સરાજને નવા લગ્ન માટે મને-કમને તૈયાર કર્યા, પણ અંતરમાં ઉત્સાહ કે ઉલ્લાસ નહોતો. નવાં પત્ની તરીકે મગધનાં કુંવરી પદ્માવતીનો નિર્ણય થયો. આવા સુશીલ રાજાને કોણ કન્યા ન આપે ?
કુમારી પદ્માવતી મગધ છોડીને વત્સ દેશમાં આવ્યાં, સાથે પોતાની પ્રિય સખી પ્રિયંવદાને પણ લાવ્યાં, પણ રાજાજી તો જૂનાં રાણી વાસવદત્તાના સ્વપ્નમાં જ મગ્ન હતા.
નવાં રાણીની સખી પ્રિયંવદા ભારે ચતુર છે. રાજા અને રાણીની એ અપૂર્વ સેવા કરે છે. રાજા એને જુએ છે ને વાસવદત્તાને સંભારે છે ! જાણે ચહેરોમહોરો એક જ છે. વાતચીત ને વિવેક પણ એવાં જ !
એક દહાડો ભારે આશ્ચર્યપૂર્વક મંત્રીરાજ યૌગંધરાયણે જાહેર કર્યું કે, “આ પ્રિયંવદા એ જ સાચાં વાસવદત્તા ! એ બળી ગયાં એ જુઠાણું ! મગધ દેશની સાથે 188 – પ્રેમનું મંદિર
મૈત્રી સંબંધ બાંધવા માટે રચેલું આ માત્ર કાવતરું હતું ! વાત એકદમ ન માની શકાય તેવી હતી. છતાં રાજનીતિનિપુણ મંત્રીરાજ વિશે અશ્રદ્ધા ધારણ કરી શકાય એમ પણ નહોતું."
રાજાજીએ વાત ન માની. એમણે કહ્યું : “તારાવેડા ! વાસવદત્તા મગધની કુંવરી પદ્માવતી પાસે ક્યાંથી ?”
મંત્રીરાજે કહ્યું : “મગધ અને અવંતી બંને વત્સનો વિનાશ વિચારી રહ્યાં હતાં. આ માટે અમે મગધ સાથે સંબંધ બાંધવાની યોજના વિચારી. યોજના પ્રમાણે મગધનાં કુંવરીનો આપના પર અનુરાગ વધારવા માટે એમણે સખી પદ સ્વીકાર્યું ! દાસી બનીને મગધના અંતઃપુરની સેવા અપનાવી. એમણે કહ્યું : “જો મારા મૃત્યુથી વત્સદેશનું હિત સધાતું હોય તો તે માટે પણ હું તૈયાર છું, તો દાસીપદ તો કંઈ ભારે કામ નથી !' એમણે પદ્માવતીને વત્સદેશનાં રાણી બનવા તૈયાર કર્યાં.”
નવાં રાણી પદ્માવતી આશ્ચર્યથી જોઈ રહ્યાં. પ્રિયંવદા બનેલાં રાણી વાસવદત્તા બોલ્યાં : “હું તો તમારી દાસી જ છું. વત્સદેશમાં પટરાણીનો મુગટ તો તમારે શિરે જ રહેશે.”
રાણી વાસવદત્તાના ત્યાગે સહુનાં મન ગળગળાં કરી મૂક્યાં. વત્સરાજ તો શું બોલવું એની જ મૂંઝવણમાં પડી ગયા અને મગધનાં કુંવરીના દિલમાં સમર્પણની આ
જ્યોત પ્રકાશ પાથર્યો. એ વાસવદત્તાને ભેટી પડવાં ને બોલ્યાં :
“ધન્ય છે રાણી ! પટરાણીનું પદ તો તમને જ શોભે ! તમે જ રાજમહિષીનું પદ ચરિતાર્થ કરી બતાવ્યું. દેશદેશમાં યુદ્ધ જગાવવા માટે નાટકો ભજવાય છે, તમે શાંતિ સ્થાપવા માટે નાટક ભજવ્યું. અંતઃપુરમાં પટરાણીપદનો વિખવાદ ભારે વિષભર્યો હોય છે, એ હું જાણું છું. એ પદ સહજભાવે તજી, એ પદ માટે અન્યને આમંત્રણ આપવા સ્વયં દાસીભાવ સ્વીકારી, તમે ત્યાગનું એક નવીન દૃષ્ટાંત પૂરું પાડ્યું છે ! અંતઃપુરોની શુદ્ધિનું પુનિત પ્રભાત તમે જ ખિલાવ્યું ! તમે જ પટરાણી ! તમે જ મહારાણી ! દાસી જેવું વર્તન દાખવ્યા બદલ મને ક્ષમા મળશે ખરી કે ?”
“ક્ષમા તો મને મળવી ઘટે. હું કેવો સ્વાર્થી નીકળ્યો !” વત્સરાજ પોતાની જાતને ઠપકો દઈ રહ્યા.
“ગુનેગાર તો હું જ છું.” મંત્રીશ્વરે કહ્યું, “મેં જ આ નાટકનું દિગ્દર્શન કર્યું.
મેં જ રાજાજીને વિયોગ ને શોકમાં નાખ્યા. મેં જ રાણી વાસવદત્તાને દાસી બનાવ્યાં. બીજું તો કંઈ કહેતો નથી, પણ જેના ખોળે અવતાર લેવાનું મન થાય, એવાં રાણી વાસવદત્તા છે. વત્સદેશ માટે એમનો કેટલો આપભોગ !"
“અને મગધ માટે પણ નહિ ? આજથી મગધ સ્નેહની સાંકળે વત્સદેશ સાથે
વહેશે અહીં સમર્પણની ધારા – 189